સરપ્રાઈઝ
સરપ્રાઈઝ
મિત્રાનો ખાસ મિત્ર મૈત્રેય, તેનાથી લગભગ પાંચેક વર્ષ નાનો. મિત્રા પરિણીત હતી અને મૈત્રેય અપરિણીત. બંનેની મુલાકાતને પાંચેક વર્ષ થયાં હતાં. બંનેને એકબીજા માટે ભારોભાર લાગણી અને ક્યારેક નોકઝોક પણ થાય. એમાં ખાસ કરીને મૈત્રેયને જન્મદિવસની શુભકામનાઓ આપવી કે ઉજવણી કરવી ન ગમે, જ્યારે મિત્રા હંમેશાં ઉજવણી કરવાની તક શોધે.
બંનેની જન્મતારીખ વચ્ચે દસેક દિવસનો ફરફ હતો, પહેલાં મૈત્રેયનો જન્મદિવસ અને પછી મિત્રાનો. મિત્રા મૈત્રેયને જન્મદિવસે સરપ્રાઈઝ આપે અને મિત્રાના જન્મદિવસે મૈત્રેય શુભેચ્છાનો એક સંદેશો પણ ન પાઠવે. એ સિવાય બંને રોજ ઘણી વાતો કરે, પણ મિત્રાનાં જન્મદિવસને જાણે મૈત્રેય ભૂલી જાય. મિત્રા એના વિશે વાત કરે તો મૈત્રેયનો એક જ જવાબ, "એમાં શું ? જન્મદિવસે શુભેચ્છા આપીએ તો જ આપણી લાગણી સાચી ? તને એવું લાગે તો તું પણ મને મારા જન્મદિવસે શુભેચ્છા ન આપીશ." આ વાતથી મિત્રાને દુઃખ થાય. તેનો પતિ કહે, "તું એને ઓળખે જ છે ને, શું કામ દુઃખી થાય છે ? કદાચ એના મૂળ બાળપણની કોઈ ઘટના સાથે
જોડાયા હશે."
મિત્રાનો ચાલીસમો જન્મદિવસ આવતો હતો, પરંતુ મૈત્રેયના આ વલણને કારણે તે થોડી નિરુત્સાહી હતી. તેણે એક યોજના ઘડી. આ વખતે મૈત્રેયનાં જન્મદિવસે એના જ પ્રમાણે વર્તવાનું વિચાર્યું. તેણે એ દિવસે તેને કોઈ સંદેશો ન મોકલ્યો. તે થોડી દુઃખી હતી, પણ કદાચ તેની યોજના સફળ થાય તો ! એ વિચારે તે મન મક્કમ કરીને બેસી રહી. બીજી બાજુ મૈત્રેય સવારથી મિત્રાનાં ફોન અને સંદેશની રાહ જોતો હતો, બપોર સુધી કોઈ જ વાત ન થવાથી, તે થોડો બેચેન થઈ ગયો. મિત્રા જોડે છેલ્લાં ચાર વર્ષમાં તેના જન્મદિવસની કરેલી ઉજવણી અને સરપ્રાઈઝ યાદ આવી. એ સાથે તેના મનમાં પોતાના જ શબ્દો પડઘાયાં, "જન્મદિવસની શુભેચ્છા આપીએ તો જ સાચી લાગણી ?" તેણે મિત્રાને સંપર્ક કરવા પ્રયત્ન કર્યો, પરંતુ મિત્રાએ સંદેશો મોકલ્યો કે, "આજે એ કામમાં વ્યસ્ત છે. કાલે વાત કરશે."
આજે મૈત્રેયને મિત્રાની વેદનાનો અનુભવ થયો. તેણે મિત્રાનાં પતિદેવ સાથે મળીને તેણીને સરપ્રાઈઝ આપી તેના ચાલીસમા જન્મદિવસને યાદગાર બનાવવાની યોજના બનાવી.