પ્રાયોજક
પ્રાયોજક
નવી બનેલી સાન્નિધ્ય સોસાયટીમાં વાર તહેવાર સૌ સભ્યો ભેગાં મળીને ઉજવતાંં અને ખાણીપીણીનું આયોજન કરતાં,પણ એક પરિવાર આ ઉજવણીથી અલિપ્ત રહેતો. સૌને લાગતું તેઓ કંજૂસ અને નીરસ છે. જૂન મહિનાનાં ત્રીજા રવિવારે ફાધર્સ ડેની ઉજવણીનો એ જ પરિવારનાં વૃધ્ધે વિરોધ કર્યો, આથી બાકીનાં સભ્યોમાં તેમનો છૂપો વિરોધ ચાલુ થયો. આથી અઠવાડિયા પછી આવનારાં વિશ્વ યોગ દિવસનાં આયોજિત કરેલ યોગ શિબિરમાં તેમને ના કહેવું એવું નક્કી કર્યું.
કમિટીનાં સભ્યો શિબિરની રૂપરેખા અને ઘરદીઠ ઉઘરાવવાનો ફાળો નક્કી કરી રહ્યાં હતાં, ત્યારે એ વૃધ્ધે યોગ દિવસનાં કાર્યક્રમની ઉજવણીનાં પ્રાયોજક બની પૂરો ખર્ચો આપવાની તૈયારી બતાવતાં સૌ આશ્ચર્યચકિત થઈ ગયાં. એ સાથે એ વૃધ્ધે સૌને કહ્યું કે આરોગ્ય અને સ્વાસ્થ્યને લગતાં કોઈ પણ કાર્યક્રમનાં આયોજનમાં સહભાગી થવા એમનો પરિવાર હંમેશાં તૈયાર રહેશે, કારણ કે 'પહેવુ સુખ તે જાતે નર્યા.'