Mariyam Dhupli

Abstract Drama Tragedy

4  

Mariyam Dhupli

Abstract Drama Tragedy

અલગ

અલગ

4 mins
302


રઘુ ટીપટોપ તૈયાર થઈ ગામના પાદરે બસસ્ટોપ ઉપર મિત્રો જોડે ઊભો હતો. નવું ખમીસ, નવી સ્લીપર અને કાળા ગોગલ્સ. આજે તો એનો કઈ અલગ જ વટ પડી રહ્યો હતો. એના મિત્રો પણ એના વખાણ પર વખાણ કરતા થાકી રહ્યા ન હતા. એ વખાણ સાંભળી રઘુ ગર્વથી વધુ અક્ક્ડ થઈ રહ્યો હતો.

" એ, એ પકડો મારો ફુગ્ગો....પકડો , પકડો નહીંતર ઉડી જશે..."

શ્યામલાલનો અઢાર વર્ષનો ઊંચો, કદાવર પુત્ર ધીરુ બસ સ્ટોપ ઉપર ઊભેલા યુવાનો ઉપર આશ બાંધી રહ્યો હતો. હવામાં લહેરાતો ધીરુનો ફુગ્ગો સીધો રઘુના હાથમાં ઝીલાયો. પોતાના નવા ખરીદેલા ગોગલ્સ નીચે નાક ઉપર સરકાવી રઘુએ મિત્રો જોડે આંખ પલકારી. બધાજ મિત્રો રઘુનો ઈશારો સમજી ગયા હોય એ રીતે વ્યંગ ભર્યા ચહેરાઓ જોડે પોતાના મિત્રને સાથ આપવા તૈયાર થઈ ગયા.

" ધીરુ, અહીં આવ. લે તારો ફુગ્ગો લઈ જા ."

બધા ચહેરાઓ ઉપર ઝળહળતા વ્યંગથી ધીરુના દોડતા પગલાં થોડા અંતરેજ અટકી પડ્યા. મોઢામાં અંગુઠો ચાવતો, મોટી મોટી આંખો ફેરવતો એ એકજ સ્થળે બધાને તાકતો સ્થિર થઈ ગયો. એના ડગલાં આગળ વધે એ માટે રઘુના મિત્રોએ એને હિંમત આપવાનો પ્રયાસ કર્યો.

" અરે, ડર નહીં. "

" આવ. "

" તને ફુગ્ગો જોઈએ છે ને?"

" રઘુ આપશે તને, આવ."

ધીરે ધીરે હિંમત બાંધતો, એક એક નાના ડગલાં જોડે મોઢામાં અંગુઠો દબાવતો આખરે ધીરુ રઘુ પાસે પ્હોંચ્યોજ કે રઘુ એ જોરથી એનો હાથ દબાવ્યો.

" ફુગ્ગો જોઈએ છે.... ચલ ભાગ અહીંથી."

ફુગ્ગો ફૂટ્યો અને એ ફટાકડા જેવા ચિંધા અવાજથી ડરતો, બંને હાથ વડે બંને કાનને જોરથી ભીંસતો ધીરુ પોક પુકારી રડતો માનસિક રીતે સ્વસ્થ એ યુવાનોથી દૂર ભાગી છૂટ્યો. આખું બસસ્ટોપ હાસ્યના પડઘાઓથી અને તાળીઓથી ગુંજી ઉઠ્યું.

એ જ સમયે બસ આવી અને રઘુ હસતા હસતા બસમાં ગોઠવાઈ ગયો. મિત્રોએ હાસ્ય જોડે ગર્વથી હાથ હલાવતા હલાવતા એને વિદાય આપી અને બસ એ નાનકડા ગામમાંથી સૌ પ્રથમવાર શહેરની સૌથી પ્રખ્યાત કોલેજમાં એડમિશન મેળવેલ યુવકને લઈ પાદર વટાવી ગઈ.

અસંખ્ય સ્વપ્નો આંખોમાં સેવતો રઘુ ઠાઠ જોડે કોલેજના કેમ્પસ ઉપર પ્રવેશ્યો. ચારે તરફ એની નજર હેરતથી ફરી રહી. આવું વિશાળ મેદાન, આવી ભવ્ય કોલેજ, આવા ફેશનવાળા યુવક યુવતીઓ.... એને પોતાના ભાગ્ય ઉપર વિશ્વાસ જ આવી રહ્યો ન હતો. એવું લાગતું હતું જાણે નર્કમાંથી નીકળી સીધો સ્વર્ગમાં પહોંચી ગયો હતો. પોતાની અચરજ પર પૂર્ણવિરામ મૂકી આખરે એણે ઓફિસ તરફનો માર્ગ શોધવા પ્રયાસ કર્યો. બાઈક ઉપર બેઠક જમાવેલ કોલેજના વિદ્યાર્થીઓ તરફ એની નવી સ્લીપર ઠેકડા ભરતી પહોંચી. રઘુને ઉપરથી નીચે તાકી રહેલા એ યુવાનોની દ્રષ્ટિ એકમેક જોડે ઈશારાની ભાષા વહેંચી રહી. ચહેરાઓ ઉપર વ્યંગ ઝળહળી ઉઠ્યું.

ઓફિસનો માર્ગ શોધવા આવેલ રઘુનું જોરદાર રેગિંગ થયું. કેમ્પસ ઉપર હાજર દરેક મિડલ ક્લાસ, મોડર્ન યુવક - યુવતીઓ એ રેગિંગનો લ્હાવો માણી રહ્યા. કોઈએ એનો ગામમાંથી ખરીદેલો સસ્તો ગોગલ્સ કાઢી બધાને બતાવ્યો. તો કોઈએ એના માથા પર લટકતી ચોટલીને એન્ટેના જેમ હવામાં ઊંચકી. કોઈ સોબર રંગનો શર્ટ પહેરેલ યુવકે રઘુના નવા પચરંગી શર્ટમાં કેટલા રંગો છૂપાયા છે એની ગણતરી કરવાનો પ્રયાસ કર્યો અને હાજર બધાએ એ ગણતરીમાં પોતાનો સૂર પૂરાવ્યો. માથાથી પગ સુધી થયેલી મશ્કરી સહન ન થતા રઘુ રડમસ ચહેરે ત્યાંથી ભાગી છૂટ્યો. એ દિવસે સાંજે હોસ્ટેલના ટેરેસ ઉપર એકલો અટૂલો રઘુ પોક મૂકી ને રડ્યો. એને પોતાનું ગામ અને પોતાના મિત્રો ખુબજ યાદ આવ્યા.

એ જ સમયે કોલેજના બાઈક વાળા યુવકોની ગેંગ નિશ્ચિત કરેલ સરનામે ભેગી મળી. આજે એ બધાજ યુવકો ખુબજ ઉત્સાહિત હતા. કેટલા દિવસોથી તેઓ આ સાંજની રાહ જોઈ રહ્યા હતા. પૈસા ભેગા થઈ ચૂક્યા હતા. સ્વપ્ન આજે પૂરું થવાનું હતું. શહેરની સૌથી પ્રખ્યાત અને ધનવાન નબીરાઓની રાત્રી અડ્ડા સમાન એ મોંઘી હાઈ પ્રોફાઈલ પબમાં બેસી જીવનમાં પહેલીવાર મદિરાના જામ ચઢાવી ડિસ્કોથેક ઉપર થીરકવાનો ઉત્સાહ રોકાઈ રહ્યો ન હતો. ફરી એકવાર પૈસાની ગણતરી કરી બાઈકના એક્સિલેટર ગરમ થયા અને થોડાજ સમયમાં એ બધીજ બાઈક મોંઘીઘાટ ગાડીઓની સામે પાર્ક થઈ ગઈ. 

નવા ચહેરાઓ અને સામાન્ય પરિવેશ. 'વેલકમ ' કહેવા ટેવાયેલો દરબાન ઉપરથી નીચે સુધી એમને શંકા જોડે તાકી રહ્યો. પબની અંદર તરફ પણ અજાયબી નિહાળતા હોય એવી દ્રષ્ટિઓથી ઝંખવાળા પડતા તેઓ આખરે કાઉન્ટર સુધી પહોંચ્યા. મદિરાના જામ એકમેક જોડે ઠોકાયાં અને જોતજોતામાં આખું વિશ્વ નજર સામે હીંચકા ખાવા લાગ્યું. પબના નિયમિત ધનવાન યુવા ગ્રાહકોએ એકબીજા જોડે ઈશારાની વહેંચણી કરી. અન્ય કોઈ ગ્રહ પરથી આવેલ એલિયનને નિહાળી રહ્યો હોય એ રીતે ઉપર થી નીચે સુધી એ સામાન્ય પહેરવેશને વ્યંગાત્મ્ક રીતે નિહાળી રહેલ હાઈ ફાઈ પ્રોફાઈલ ધરાવનાર યુવકને નશામાં ભાન ભૂલેલા બાઈક ગેંગના એક યુવકે ધક્કો માર્યોજ કે ધનવાન યુવકના મિત્રો એકીસાથે એની ઉપર તૂટી પડ્યા. બાઈક ગેંગ અને મોંઘીઘાટ ગાડીના માલિકો વચ્ચે રીતસર યુદ્ધ છંછેડાયુ, પબના મેનેજરે બહુ વિચારવાનું હતું નહીં. પોતાના નિયમિત ગ્રાહકોનો પક્ષ રાખતા એકેક કોલેજના યુવકોને ઊંચકીને બહાર ફેંકાવી દીધા. બધોજ નશો પળભરમાં બાષ્પીભવન થઈ ગયો.અપમાનને સમેટતા, સુજેલા ચહેરાઓ અને પીડાદાયક શરીર જોડે બાઈક ઉપર ગોઠવાયેલા રડમસ યુવકોમાંથી એક યુવકે ભીની આંખે પૂછ્યું ,

" પૈસા તો હતા આપણી પાસે. તો આ સજા શેની ?"

અન્ય યુવકે કિક મારતા ડૂસકું ભર્યું,

" અલગ હોવાની." 


Rate this content
Log in

Similar gujarati story from Abstract