અનિરૂધસિંહજી ઝાલા

Abstract Action Inspirational

4.8  

અનિરૂધસિંહજી ઝાલા

Abstract Action Inspirational

અહિંસાનો સાચો શબ્દાર્થ

અહિંસાનો સાચો શબ્દાર્થ

4 mins
392


બાપુ શબ્દ તો અમારા દરબારો માટે સર્વસામાન્ય બોલચાલમાં વપરાતો શબ્દ. તેમાંય રાજપરિવારનાં હોવાથી ઘણાં નાનપણથી મને બાપુ કહીને જ બોલાવતાં.

ગામમાં એક જુના નિવૃત થયેલાં દાદા જોડે લાયબ્રેરીમાં બેસીને ગાંધીજીના પુસ્તકો વાંચીને મને તો ગાંધી બાપુ ખુબ જ ગમવાં લાગ્યાં હતાં. તેમનાં મોટા પુસ્તકો,જીવનચરિત્ર વાંચી અને દાદા પાસે ગાંધીજીની વિચારધારા સમજવા કોશિશ સતત કરતો રહેતો. થોડી ઘણી અસર પોતાનાં પર થવાં લાગેલી. હવે તોફાન ઓછાં કરી ભણવામાં ધ્યાન આપવા લાગ્યો હતો. ખોટું બોલવાનું ઓછું કરેલું.

કોલેજ કાળમાં પ્રવેશતાં તો ભાઈબંધો મારા ગાંધી વિચારો પર હસવા લાગ્યાં હતાં. એકવાર તો એક જુવાને મજાકમાં કહ્યું,

"બાવડામાં બળ બાપુનું ઓછું થઈ ગયું લાગે છે એટલે ગાંધીજીના ભક્ત બન્યાં હશે."

 દરબારી લોહી ઉકળવાં લાગ્યું પણ ગાંધી બાપુનું વૈષ્ણવજન તો તેને રે કહીએ, આ ગીત ભીતર ગૂંજી ઉઠતા માંડ ગુસ્સો કાબુ કરી સમસમીને રહી ગયો. સારા માર્ક્સ પણ મેળવી પહેલાં વર્ષમાં ગાંધી બાપુનાં રસ્તે ચાલવાની કોશિશ કરતા પાસ થઈ ગયો હતો પણ બીજા જુવાનિયાઓ જાણે મને અલગ રીતે જોઈ રહ્યાં હતાં અને ઘણીવાર ગાંધી બાપુનું નામ લઈને મજાક પણ કરી લેતાં. તોય મારે તો સવારે કસરત કરી બાપુનાં વિચારો સમજવાનું તો કાર્ય અવિરત ચાલુ જ હતું. અહિંસાનાં વિચારોથી હૃદય છલકતું રહેતું.

એકવાર મારા એક મિત્ર રાકેશની બહેન રડતી રડતી આવીને બોલી,

 "ભાઈ મને પેલા કોલેજ બહારના આવતાં છોકરાઓ હેરાન કરે છે. બીજી ઘણી છોકરીઓની છેડતી કરે છે."

 સાંભળીને મને રીસ ચડી પણ બાપુનું ભજન ગાતાં માંડ ઉતરી. પેલા દોસ્તથી સહન ન થતાં તે બહારના જુવાનોને ધમકાવવાં ગયો પણ તે લોકો ચાર હોવાથી રાકેશને પણ બે લાફા મારીને દાદાગીરી કરવાં લાગેલાં. રાકેશે પ્રિન્સિપાલને ફરિયાદ કરી પણ આ યુવાનો પર કોઈ અસર થઈ હોય તેમ જણાયું નહીં. રાકેશ બિચારો કોઈનો સાથ ન મળતો હોવાથી હવે તેની બહેનને સાથે રાખી કોલેજ આવવાં લાગ્યો હતો.

 એકવાર કોલેજ છુટતાં રાકેશની બહેન તેની સહેલીને લઈને મારી અને રાકેશની સાથે ચાલતી હતી. ગેટ પાસે આવતાં જ પેલાં ગુંડાઓ રાકેશની બહેનની મજાક કરતા બોલ્યાં,

"ઓહો આજકાલ તો બે બોડીગાર્ડ લઈને ફરે છે આ દેશી હિરોઈન."

 બીજો બોલ્યો, "એક તો મારી ખાઈ ચુક્યો છે હવે બીજા બોડીગાર્ડનો વારો લેવો પડશે."

તેવામાં એક મારો ઓળખીતો તેની પાસે જઈને બોલ્યો,

 "અરે ના ના ભાઈ એ તો બાપુ છે પણ ગાંધીજીનો ભક્ત છે એટલે તેનાં તરફથી તમને કોઈ તકલીફ નહીં થાય. તેને હેરાન ના કરતા."

 પેલા ગુંડાઓ શરમ વગર કોમેંટ અમે નીકળ્યાં ત્યાં સુધી કરતા રહ્યાં. રાકેશની બહેન નીચું જોઈને ચાલતી હતી અને રાકેશ મારી તરફ પણ હું તેણે ઈશારાથી શાંત રહેવા સમજાવતો રહ્યો. ભલે હું તેને સમજાવતો હતો પણ મારી અંદરના કુળનાં મા બાપ અને ભાઈઓ તરફથી મળેલાં સંસ્કારો અને શૌર્ય જાણે પોકારીને કહેતું હતું કે,

 "આવાં સમયે એક સંસ્કારી અને શક્તિશાળી યુવકનું મૌન રહેવું અને અહિંસાનો વિચાર કરી ચૂપ રહેવું શું યોગ્ય છે ?" રાકેશની બહેન સાથે ચાલતી સહેલી મારી તરફ જોઈ બોલી હતી,

 "ભાઈ હું ચારણ કન્યા છું. જે ક્ષત્રિયોનાં વખાણ કરતા મેં મારા બાપ દાદાને સદાય સાંભળ્યાં છે. આજ આ બધું જોઈને તમને મૌન જોઈને મને ખુબ દુઃખ થાય છે."

આ દીકરીની વાત સાંભળીને મૌન ધરીને હું રાકેશ સાથે ઝડપથી ઘર તરફ રવાના થયેલો. ઘેર જઈને આખીરાત મારા મન, હ્નદયમાં આ અહિંસા અને શૌર્ય ને સ્વમાનનું યુદ્ધ ચાલ્યું અને આખરે સવાર પડતાં જ શૌર્ય અને કુળના સંસ્કારો જાણે જીતી ગયાં હોય તેમ ખુબ જ લાંબી દોડ લગાવી અને જોરદાર કસરત કરી મહાન પૂર્વજોની બહેન દીકરીની મર્યાદા રક્ષણ માટે લડેલ લડાઈઓ યાદ કરી અને તૈયાર થઈને ગાંધી બાપુનાં ફોટો સામે જોઈને બોલ્યો,

"માફ કરજો બાપુ આજ." કહેતાંક ઝડપથી નીકળ્યો કોલેજ તરફ.

કોલેજમાં બહાર દરવાજે બેઠેલાં બહારના જુવાનોને પાસે જઈને કહ્યું,

 "ભાઈઓ હજી એકવાર ગાંધી બાપુની અહિંસા વિચારધારા યાદ કરીને કહું છું આપ સહુને કે, તમે ખુબ જ ખોટું કરી રહ્યાં છો. ગાંધીજી હયાત હોત તો તમને જોઈ ખુબ જ દુઃખી થઈને ઉપવાસ પર બેસી જાત."

એક જુવાન હસીને બોલેલો, 

 "સારું હો જાવો ભાઈલા તમે પણ બેસજો અહી સામે ઉપવાસ પર."

 મારે ક્લાસમાં મોડું થતું હોવાથી ચાલી નીકળ્યો અને પેલા હસતાં જ રહેલાં મારા પર.

મોડેથી કોલેજ છૂટતાં રાકેશની બહેન અને પેલી સહેલી અમારી સાથે ચાલવા લાગ્યાં. આજ મારી બદલાયેલ વર્તણુક જોઈ પેલા ચારણનાં દીકરી નવાઈથી મારી સામે જોઈ રહ્યાં હતાં. કદાચ એ નજ઼ર શૌર્ય છલકતું પારખી રહી હતી.

દરવાજો આવતાં જ રાકેશની બહેનને જોતાં જ પેલો લફંગો યુવાન પાળી પરથી ઉતરતાં બોલ્યો,

 "આજ તો હીરોઈનની શરમથી ચાલ પણ બદલાઈ હોય તેમ લાગે છે."

અને આગળ બોલે તે પહેલાં જ ચોપડીઓ પાળી પર મૂકીને પેલાને એક લાફો મારી દીધો. અને પેલાં બહેન આ જોઈને ખુશ થતાં બોલ્યાં,

"વાહ ભાઈ વાહ હવે કોઈની દીકરીઓએ નીચું નહીં જોવું પડે અને મારો તમારાં પરનો શક દૂર થઈ ગયો."

પેલા ત્રણ ઉતરીને મારી સામે આવી ગયાં પણ કસરતી અને કુસ્તીનો અનુભવ હોવાથી હિંમત કરી બધાનો સામનો કર્યોં. પોતાની બહેનની મશ્કરી કરતા હોવાથી મિત્ર રાકેશ પણ મારા કારણે હિંમત કરી મારી મદદમાં આવી ગયો. મસાલા ખાઈને નિર્બળ બની ગયેલાં આ લફંગા જુવાનો અમારા બે સામે બહુ ટકી ન શક્યાં અને ધરાઈને માર ખાઈને ભાગી ગયાં. 

 મને પણ ઝપાઝપીમાં ઘણું વાગ્યું હતું. તેનું દર્દ ઓછું હતું પણ ગાંધી બાપુની અહિંસાની વાત આજ માની નહીં તેનું દુઃખ હતું. રાકેશ મારી મનની વાત સમજતાં બોલ્યો,

"મિત્ર ખુબ આભાર. આત્મરક્ષા કે બહેન દીકરીની આબરૂ બચાવવાં કરેલી લડાઈથી ગાંધી બાપુને પણ ખુશી થાશે. આજ તે હોત તો પણ તમને શાબાશી આપત."

 પેલા ચારણ દીકરી પણ બોલ્યાં,

 "હા ભાઈ, ગાંધીજીએ કદાપિ શૌર્યને દબાવીને અહિંસાના માર્ગે ચાલવાનું નથી કહ્યું. તે વખતે પણ અનેક ક્રાંતિકારીઓ અંગ્રેજોની સામે હિંમતથી લડતાં હતાં. "શૌર્ય વિહીન નર પશુ સમાના."

મોટાભાગનાં કોલેજના દીકરા દીકરીઓ ખુશ થયાં. આ લફંગા યુવાનોને પહેલીવાર ડરીને ભાગતાં જોઈને. ત્યારથી લોકો મને પણ કોલેજમાં બાપુ તરીકે બોલાવા લાગેલાં.

 હવે મને અહિંસાનો સાચો શબ્દાર્થ સમજાઈ ગયો કે, "આત્મરક્ષા માટે કે બહેન દીકરીની રક્ષા માટે શસ્ત્ર ઉઠાવવા એ હિંસા ગણાય નહીં."


Rate this content
Log in

Similar gujarati story from Abstract