બારણાંની થપથપાટે ખોલ્યા હૈયાના દ્વાર
બારણાંની થપથપાટે ખોલ્યા હૈયાના દ્વાર
બારણાંની થપથપાટે ખોલ્યા હૈયાના દ્વાર
( પ્રેમમાં વ્હેમની સામાજિક વાર્તા )
કાયરા રિસાઈને પિયરમાં બેઠી હતી પણ તેના કાન દરવાજાની થપથપાટ સાંભળવા આતુર હતા.
"પિયુ પધારે હેતે મનાવે એવી ઉરમાં જાગે આશ
પ્રીત પાવની સદા સુખદાયી તોડે ન શક વ્હેમની આગ."
પોતે શક. વ્હેમ ઝગડો કરીને પોતે જ દુઃખી થવાનાં દાડા આવ્યા એવું લાગતું હતું. વ્હાલાની વાટમાં હૈયું તડપતું હતું.
વાત જાણે એમ બનેલી કે, કાયરા સાસરીમાં પતિ મયુર સાથે ખુબ પ્રેમભર્યું જીવન જીવતી હતી.સાસુ સસરા પણ ખુબ જ સારા હતા.
એકવાર તે પડોશી બાઈ સાથે શકભાજી લેવા ગયેલી ત્યારે પતિ મયુરને કોઈ અજાણી છોકરી સાથે ગાડીમાંથી ઉતરીને જતો જોતા જ પડોશી બાઈ બોલી,
"હાય હાય કાયરા જો તારો મયુર હજી તારા હાથમા મહેંદી પણ તાજી છે અને આ બીજે લફરું કરે છે."
"ના માસી એ તો કોઈ કામે આવ્યા હશે." કહીને કાયરાએ વાત ટાળી પણ મનમાં ખુંચેલું જરૂર.
"તો ચાલ થોડી તપાસ કરીએ પાછળ હમણાં ખબર પડી જશે." કહેતા બને પાછળ ચાલ્યા. પેલી યુવતીએ મેડિકલ સ્ટોરમાં દવા લીધી પણ તેનું બિલ મયુરે આપ્યું. પેલી ખુશ થઈને મયુર સામું જોતી હતી અને આગ કાયરાના હદયમાં લાગેલી.
દવા લઈને એ બાજુની હોસ્પિટલમાં ગયેલા એ જોઈ પડોશી બાઈ બોલી,
"બાપરે વાત દવાખાના સુધી પહોંચી ગઈ. અલી કાયરા તું સાવ ડફોળ બૈરું બનીને ઘરમાં ન બેસી રહીશ જરા પતિનું ધ્યાન રાખ. પતિને દાબમાં રાખવો જરૂરી છે આ બધા પુરુષો લાગ મળતા જ બીજે લાવા મારવા લાગે છે."
"ના ના મારો મયુર એવો નથી..!" કહીને કાયરા પાછી વળી ગયેલી. પાછળ બાઈ બોલતી ચાલી,
"ઘેર આવે તો બરાબર ઉધડો લેજે નહિતર તું નહીં ઘરની કે ન ઘાટની જેવું થાશે."
એ દિવસે કાયરા બરાબર રડી અને પેલીને નજીક જોઈ એ સોતન લાગવા માંડી. પતિ ઘેર આવતા જ કાયરા ભાન ભૂલીને દરવાજો ખોલતા બોલી,
"મયુર ક્યાં હતો આજે તું એ બતાવો પહેલા."
જોરથી ચીખતા સાસુ સસરા પણ રૂમ બહાર આવી નવાઈથી જોઈ રહેલા.
"હૂ ઓફિસે જ હોઉં બીજે ક્યાં હોઉં પણ તું આજે આટલી ગુસ્સામાં કેમ છે.?"
" યુ લાયર.. ચીટર...! " કહેતાક કાયરા દોડીને રૂમમાં ગઈ અને રૂમ બંધ કરી દીધેલો. પતિ અને સાસુ સસરા મનાવવા ગયા પણ થોડીવારે દરવાજો ખોલી કાયરા સમાન સાથે બહાર આવી અને બોલી,
"મારી સાથે કોઈ દગો કરે એ હૂ સહન કરનારી પત્ની નથી. મને કોઈ રોકશો નહીં હાળ મારું મગજ ઠેકાણે નથી હૂ પિયર જાઉં છૂ."
"પણ વહુ બેટા અમારી કોઈ ભૂલ હોય તો કહે અમે માફી માંગીશું."
સાસુ સસરાને પગે લાગતા બોલી,
"આપ તો મહાન છો આપની કોઈ ભૂલ નથી ભૂલ મારી છે કે મેં મયુર પર જાતથી પણ વધુ ભરોસો કર્યો." કહીને તે ચાલતી થઈ ગઈ.
"ઓહ કાયરા તું પેલી હોસ્પિટલવાળી તો વાત નથી કરતીને." મયુર બોલતા જ કાયરા બોલી,
"જોયું સાસુમાં પેટમાં પડેલું પાપ ખુદ જ બહાર આવ્યું તમારા દીકરાનું. મેં પૂછ્યું ત્યારે જવાબ ન આપેલો. હવે મારે તેની કોઈ જ વાત સાંભળવી નથી." કહેતાક કાયરા ફટાફટ બહાર નીકળી પાછળ મયુર દોડતો બોલ્યો હતો ,
"કાયરા પ્લીઝ વાત તો સાંભળ સાચી."
એટલામાં બહાર લોકો ભેળા થઈ ગયા પેલી પડોશી બાઈએ બધાને કહી દીધું હતું. તે ઝડપથી રિક્ષામાં બેસતી કાયરા પાસે જઈને બોલી, "કાયરા હવે જે થવાનું તે થયું પણ તું કેમ ઘર છોડે છે.? તારે તો પેલી ચુડેલથી મયુરનો પીછો છોડાવવાનો છે."
"ના માસી મારે હવે મયુરને કાંઈ જ કહેવું નથી. તેને જે કરવું હોય કરે."
મયુર બીજી તરફ રડતી આંખે રોકવા મથતો હતો આ બાજુ પડોશીઓ વાતો કરતા હતા,
"બિચારી ફૂલ જેવી વહુને પતિના લફરાંનાં કારણે ઘર છોડવું પડે છે."
રીક્ષા પિયર તરફ આગળ વધી ગઈ. ઘેર આવીને કાયરા ખુબ રડી પિતાએ સમજાવી થોડો સમય શાંતિથી વિચાર કરવા કહેલું .
"લે બેટા ખાઈ લે બે દિવસથી તું જમી નથી." કાયરાની માં બોલતા જ કાયરા બોલી, "માં મને ભૂખ લાગતી જ નથી. "
એટલામાં બારણે થપથપાટ થતાં કાયરાના ચહેરા પર ચમક આવી માં બોલ્યાં, "તું કેમ ચમકી બેટા હૂ ખોલું છૂ."
બારણાંના થપથપાટથી કાયરાના હૈયે ખુશીઓ ઉમટવા લાગી,
"નિરાશા મહીં પ્રગતિ ઉરમાં આજ અનેરી આશા
વિયોગ વસમો દૂર થવાની જાણે હોય કોઈ પરિભાષા."
માં એ દરવાજો ખોલતા જ તે બોલ્યાં, "મારું નામ ઉમાકાન્ત અને આ મારી પત્ની છે અને આ મારી દીકરી સ્નેહા જે મયુરભાઈની ઓફિસમાં નોકરી કરે છે. અમે થોડી ગેરસમજ દૂર કરવા આવ્યા છીએ. કાયરાને મળવું છે. "
કાયરાએ વાત સાંભળી છુપાઈને જોયું તો પેલી ચુડેલ જોતા જ ભડકીને બોલી,
"ગેટ આઉટ. મારા પ્રેમને તોડનારી આ જ છે માં અને કાઢી મુકો." કહેતા જ અશક્તિના કારણે લથડતા પિતાએ આવી તેને પકડી લીધી અને બોલ્યાં,
"શાંત કાયરા ઘેર આવેલ મહેમાનનું અપમાન ન કરાય આવો અંદર આવો જે કહેવું હોય તે કહો."
કાયરાને સોફામાં બેસાડી પાણી પીવડાવી શાંત કરી એટલે ઉમાકાન્ત બોલ્યા,
" ગેરસમજ મારા કારણે ઉભી થઈ છે કે,
મારી પુત્રી નોકરીએ હતી અને મને અટેક આવેલો મારી પત્નીએ ફોન કરતા દીકરી સ્નેહાએ તેની પાસે વાહન ન હોવાથી મેહુલ સરને વાત કરતા તેમણે તરત જ પોતાની ગાડી લઈને સ્નેહાને હોસ્પિટલ પહોંચાડી અને દવાઓનું બિલ પણ તેમણે જ ચૂકવ્યું અને મારો જીવ બચાવી એમને અમારા પર ઉપકાર કર્યો પણ એ ભલા માણસ પર વ્હેમ કરી કાયરા તેમને છોડીને અહીં આવ્યા. એ ગેરસમજ દૂર કરવા આવ્યા છીએ. "
"શું કહ્યું મારો મયુર નિર્દોષ છે..!"
કાયરાની આંખોમાં દડ દડ આંસુની ધાર વહેવા લાગી.
"અરે રે મેં કેટલી મોટી ભૂલ કરી પેલી પડોશીની વાતોમાં આવીને."
"ભૂલ કાયરાની નથી મારી છે સસરાજી." કહેતા જ મયુર અંદર આવતા સહુ નવાઈ પામ્યા. વડીલોને પગે લાગી મયુર બોલ્યો,
"આ કાયરાએ પૂછ્યું ત્યારે મેં આ વાતને નાની સમજી જણાવી નહીં અને તમારી દીકરીએ પછી મને મોકો જ આપ્યો નહીં બોલવાનો."
"તો તે મને કેમ ન કીધું બે દિવસથી અહીં રડી રહી છૂ તારા વગર." કાયરા રડતા રડતા બોલી ઉઠી. તેના પિતા હસતાં બને શરમાઈ ગયા અને માં બોલ્યાં,
"હવે ગેરસમજ દૂર થઈ પ્રેમના પ્રતાપે." કહીને બોલ્યાં,
"મયુર આ કાયરા માટે રૂમમાં ભોજન તૈયાર છે પણ બે દિવસથી મારા હાથનું જમતી નથી હવે તમે જ એને રૂમમાં લઈ જઈને ભોજન કરવો ત્યા સુધી આ મહેમાન માટે ચા બનાવી લાવું." કહીને મા ચા બનાવવા ગયા એટલે મયુરે હાથ પકડીને કાયરાને રૂમમાં લઈ જઈને બોલ્યો,
"મારી ફાઇટર પત્ની હવે તો માફ કરી દે."
"સાચું કેમ પહેલા બોલતો નથી ચીટર..! હૂ તો ક્યારનીય બારણાં પર તું થપથપાટ કરે તેની રાહ જોતી હતી." કહેતાક પતિની છાતીમાં મુક્કા મારવા લાગી અને થાકીને પતિની બાહોમાં રાહતનો સ્વાસ લેતા સમાઈ ગઈ.
આમ બારણાંની થપથપાટે ખોલ્યા હૈયાના દ્વાર અને શક વ્હેમને ઝગડો મટીને ફરી શુદ્ધ પ્રેમની સરિતા બને હૈયા ભીતરે વહેવા લાગી.
ઘર સંસારમાં ઘણીવાર આવુ બને પણ ધીરજથી વિશ્વાસ થી પ્રેમથી કામ લેતા સમસ્યાનો ઉપાય જરૂર મળૅ છે.

