STORYMIRROR

mariyam dhupli

Drama Crime Thriller

4  

mariyam dhupli

Drama Crime Thriller

આત્મસાત  ( ભાગ : ૬ )

આત્મસાત  ( ભાગ : ૬ )

6 mins
367

જીવનમાં ક્યારેક સમય નીકળી જાય છે અને માનવી જે ધાર્યું હોય એ ઘટવાની રાહ જોતો રહી જાય છે. જયારે કેટલીક ઘટનાઓ અલાર્મ મૂકી ઘટવા ટેવાયેલી હોય છે. એવી સતર્ક કે સમય આવે અને કામે લાગી જાય. એક સેકન્ડ પણ અહીંથી ત્યાં ન થાય. મારી પત્ની અનન્યાનો કોલ પણ આવી જ એક ઘટના હતી.

'વ્હોટ એ ટાઈમિંગ !'

મોબાઈલની રીંગટોનથી મારા હાથમાંનો છરો રસોડાની ભોંય પર અફળાઈ પડયો. અહીં શું થઇ રહ્યું હતું એનો અંદાજો કોઈને ન આવી શકે એ હેતુસર સ્વસ્થતા જાળવતો હું દૂધનો ગ્લાસ હાથમાં લઇ જાણે કશું જ ઘટ્યું ન હોય એવા હાવભાવો શરીરના અંગોમાં રેડાવતો રસોડામાંથી બહાર નીકળી આવ્યો. રસોડાની વીજળી આ વખતે બંધ કરી નહીં. શયનખંડના સ્ટડી ટેબલ પર એક ખૂણામાં ગૂંજી રહેલા મોબાઈલનો પડદો વિડીયો કોલ ઉપાડવા મારી રાહ જોતો બેઠો હતો. અત્યંત ઠંડા કાળજાએ. એ કોલ પણ અનન્યા જેવો જ હતો. ખબર નહીં અનન્યામાં પણ ધીરજ અને ધૈર્યનું ઝરણું કઈ રીતે સતત વહેતુ રહેતું ? મારા જેવા મિજાજી માનવીને જીરવવાની સહનશક્તિ એ ક્યાંથી ભેગી કરતી હતી ? મારા મિજાજના દરેક ચઢતા ઉતરતા મોજા જોડે એ કઈ રીતે પોતાના જીવનનો મેળ બેસાડી લેતી ? એ તો ૨૦૨૨ની સ્ત્રી હતી ને ? સ્ત્રી કોઈ પણ કાળની હોય એ પુરુષની સરખામણીમાં સદા વધુ ધીરજવાન રહી હતી અને રહેવાની હતી. તેથી જ કદાચ પુરુષો ક્યારેક એ વાતનો ભાવાત્મક લાભ ઉઠાવતા જરાયે ખચકાતા નથી. શું હું પણ અનન્યાની ધીરજ અને એની સહનશીલતાનો લાભ ઉઠાવી રહ્યો હતો? 

નોકરી એ પણ કરતી હતી. કારકિર્દી એની પણ હતી. પણ એ કારકિર્દી જોડે ઘરની દેખભાળ પણ કરતી. મારી જેમ એને પોતાની વ્યવસાયિક ફરજો નિભાવવા ઘર છોડી ભાગી જવું કદી સૂઝયું ન હતું. એના દરેક કાર્યો, દરેક કર્તવ્યપરાયણતા કેટલી પ્રયાસવિહીન અનુભવાતી ! જસ્ટ એફર્ટલેસ ! આઈ મસ્ટ એડમિટ. પણ મનમાં જ. એની સામે કે દુનિયાની સામે એ કઈ રીતે કબૂલી લેવાય ? હા, હું ૨૦૨૨નો પુરુષ હતો. પણ આજે પણ મારા અહંકારની, મારા અભિમાનની જાળવણી કરવી મને મારી ફરજ જેવી જ અનુભવાતી. 

તેથી જ કદાચ અનન્યાની પ્રશંસા શબ્દોમાં મેં કદી ઉતારી જ ન હતી. એ ફક્ત વિચારોના વંટોળમાં ચક્કર કાપી મનના ઊંડાણોમાં જબરદસ્તીએ ધરબાઈ જતી. હું મનોમન વિસ્મય પણ પામતો અને ઈર્ષ્યા પણ અનુભવતો. અનન્યાની આસપાસ ધાંધલ મચાવતું રહેતું જગત કેમ એના અંતરને કોઈ અસર પહોંચાડી શકતું નહીં ? મારી રુક્ષતાથી એની મધુરતા કેમ વીંધાતી નહીં ? દર વખતે હું એને એ જ અનુભૂતિ આપવા મથતો કે એ મારી લાયક હતી જ નહીં. જયારે મારા અંતરમાં દરેક વખતે ઉઠતો રહેતો પ્રશ્ન મને ઢંઢોળતાં પૂછતો, શું હું એને લાયક હતો ? પણ એ પ્રશ્નનું અસ્તિત્વ અનન્યા કદી પકડી શકી ન હતી. ન મારા શરીરના હાવભાવોમાં, ન મારી વાણીમાં. હતો ને હું એક મજબૂત, સશક્ત પુરુષ ? એક કોમળ, મૃદુ નારી મને ઓવરટેક ન કરી જાય એ વાતનો ખ્યાલ હું બરાબરથી રાખતો. એટલે જ જયારે પથારીમાં એ મારી પડખે હોય ત્યારે મારા શરીરના અંગો અત્યંત કઠણ બની જતા. એના હાથનો સુંવાળો સ્પર્શ મારા મનોજગતમાં કોઈ ભાવ એની મરજી માફક તો ન જ જન્માવી શકે ને ? મરજી તો મારી જ ચાલવી જોઈએ. ઘરમાં પણ અને સંબંધમાં પણ. આખરે ઘર મારૂં હતું. લગ્ન કરી એ મારી જોડે રહેવા આવી હતી. ' ઘી નેશનલ બૅસ્ટસેલર ઓથર ' સંદીપ મિશ્રા જોડે એક છત નીચે રહેવાનું અહોભાગ્ય એના હિસ્સે આવ્યું હતું. 

એ કોણ હતી ? ફક્ત ૧૨ થી ૫ શાળામાં બાળકોને ભણાવનારી એક સામાન્ય શિક્ષિકા. એના મગજમાં રસોડામાં કયા શાકભાજી સમારવાના, ઘરની સાફસફાઈ અને માવજત કઈ રીતે જાળવવાની, કયા તહેવારની ઉજવણી માટે તૈયારીઓ કરવાની, કોને ત્યાં આમંત્રણમાં હાજરી આપવાની, સામાજિક મેળાવડામાં કેટલો સમય વેડફ્વાનો વગેરે જેવા નિમ્ન કક્ષાના જ વિચારો ઉદભવી શકે. મારી જેમ ઉચ્ચ વિચારોનો સમુદ્ર અને જ્ઞાનનો મહાસાગર એ ક્યાંથી ધરાવી શકે ? એના સામાન્ય મગજ માટે મારી સર્જનાત્મક શક્તિ કલ્પના બહારનો વિષય હતો. હું જાણતો હતો એના એ મર્યાદિત મગજમાં શું ચાલી રહ્યું હતું. એને એક બાળક જોઈતું હતું. જે એના એ તુચ્છ કોટિના વિશ્વમાં એનું સંગી બની શકે. પણ બાળક એટલે... બાળક એટલે સંબંધ પર લાગતો એવો ' ટૅગ ' જે હંમેશ માટે બે માનવીઓને પરસ્પર કે પરોક્ષપણે સાંકળી રાખે. ફક્ત બાળકો માટે ટકી રહેલા અગણિત સંબંધો એક છત નીચે પરાણે એકબીજાને જીરવતા, દોષ આપતા, માનસિક અને શારીરિક અત્યાચારો વેઠતા આજીવન સડતા રહેતા હોય છે. મને લખતા લખતા જીવવું હતું. સડતા સડતા નહીં. મારી ઈચ્છા વિના મને કોઈ આમ બાંધી ન શકે એ તો પાક્કું જ હતું.

વિડીયો કોલની સતત એકધારી માંગણી કરી રહેલા મોબાઈલના પડદા ઉપર મને ભારે રીસ છૂટી. શું ફક્ત અવાજ સાંભળી સંતુષ્ટ ન થવાય ? આંખોમાં આંખો પરોવવું મને દુનિયાનું સૌથી ઘૃણાજનક અને કપરું કાર્ય લાગતું. પરંતુ અહીં પહોંચ્યા પછી મેં ફક્ત અનન્યાના મેસેજના જ ઉત્તર આપ્યા હતા. તે પણ ' હા ' કે ' ના 'માં જ. શ્યામ સામે જે કોલ પહેલે દિવસે ઉઠાવ્યો હતો એ જ. બાકી એ સિવાયના એના દરેક કોલને સંપૂર્ણ સભાનતાથી મિસકૉલમાં પરિવર્તીત થવા દીધા હતા. અત્યંત ટાઢા મનથી. હું જાણતો હતો કે હવે જો આ વિડીયો કોલને પણ મિસકૉલમાં પરિવર્તીત થવા દીધો હોત તો હજી બે ત્રણ દિવસ એ ધૃણાસ્પદ રીંગટોન કાન અને મગજ બન્નેને વ્યર્થ પજવ્યા કરવાની હતી. મને એ જોખમ ઉઠાવવું ન હતું. હમણાં વાત કરી લઉં તો બે ત્રણ દિવસની શાંતિ એવા ચતુર ગણિત જોડે મેં પડદા પરના વિડીયો કોલને ઉદાર હૈયે સહમતી આપી દીધી. બીજી જ ક્ષણે મારો આલીશાન ફ્લેટ અને મારી પત્ની અનન્યા બન્ને મારા ભાડેના મકાનમાં પ્રવેશ્યા.

"ફાઇનલી ! કેટલી વાર કોલ કર્યા ..."

વાત હજી આગળ વધે અને નકામી લાંબી ખેંચવામાં આવે એ પહેલાં જ મેં એને વચ્ચેથી અટકાવી દીધી.

"એક મહીનો છે મારી પાસે. આઈ કાન્ટ અફોર્ડ ટુ વેસ્ટ ટાઈમ."

'વેસ્ટ ' શબ્દ ઉપર મેં જાણીજોઈને ભાર આપ્યો. અનન્યાના ચહેરા ઉપર થોડો અપરાધભાવ છવાઈ આવ્યો. મને એ જ નિહાળવું હતું.

"સોરી ટુ ડિસ્ટર્બ યુ. તમારી ચિંતા થઇ એટલે..."

ફરીથી વાતની દોર મેં અર્ધામાં જ કાપી નાખી.

"આ'મ પર્ફેક્ટ્લી ઓલરાઇટ. લખવામાં બહુ વ્યસ્ત છું. મગજમાં એક જોડે બે વિષયો ચાલી રહ્યા છે. બન્ને વિષય પર પૅરેલલ લખી રહ્યો છું. યુ નો હાવ માઇ માઈન્ડ વર્કસ."

મોબાઈલ જોડે હું શયનખંડમાંથી બહાર નીકળી ગયો. બેઠકખંડમાં અહીંથી ત્યાં ચક્કર કાપતું મારું શરીર મારા મન જેટલું જ વ્યાકુળ હતું. છતાં ચહેરા ઉપર એ વ્યાકુળતાની એક પણ રેખા ઉપસી ન શકે એ રીતે મારૂં હાવભાવો ઉપરનું નિયંત્રણ જડબેસલાક હતું. 

"હું જાણું છું. યુ આર ટ્રુલી એ જિનયસ. મને ખાતરી છે કે તમે જે લખશો એ શ્રેષ્ઠ જ હશે. કાશ કે તમારી જેટલો આત્મવિશ્વાસ મારી પાસે પણ હોત."

અનન્યાના ચહેરા પર એ જ ધીરજ અને ધૈર્ય છવાયેલા હતા જેનાથી મને નફરત હતી. અકળામણથી મારું ગળું રૂંધાવા લાગ્યું. 

"હું પછી વાત કરીશ. રોજેરોજ કોલ કે મેસેજ નહીં કરી શકીશ. આઈ એમ હિયર ટુ વર્ક."

ફરીથી ' ટુ વર્ક ' શબ્દો ઉપર મેં મહત્તમ ભાર આપ્યો. તીર બરાબર નિશાન પર લાગ્યું. ફરીથી વિડીયો કોલમાં મને અપરાધભાવના દર્શન થયા. મન સંતોષ પામ્યું. 

"ઓકે ધેન. ટેક કેર. યુ આર ધ બેસ્ટ. સ્ટીલ, ઓલ ધ બેસ્ટ. "

કોલ કપાયો કે મારા મોઢામાંથી હાશકારો ફૂંક જોડે બહાર ધસી આવ્યો. અંતિમ ઉચ્ચારાયેલ ' બેસ્ટ ' શબ્દથી માથામાં વિસ્ફોટ થયો. ' આત્મવિશ્વાસ ', 'જિનયસ ', ' શ્રેષ્ઠ ' અનન્યાએ ઉચ્ચારેલા શબ્દો અંતરમાં ઉધમ મચાવા લાગ્યા. રીસ જોડે મોબાઈલ સોફા પર પટકાયો. મેં ઊંડા શ્વાસ ખેંચવા માંડયા. બન્ને પંજાની આંગળીઓ એકબીજા જોડે ઘર્ષણમાં ઉતરી પડી. એ જ ક્ષણે મારી નજર સવારે એક ખૂણામાં ઉડાવી મૂકેલી લાલ ડાયરી પર પડી. મનમાં એક ત્વરિત ઝબકારો થયો. મેં તરત જ એ ડાયરી હાથમાં ઊંચકી લીધી. જાણે ડૂબતાને તણખલો મળ્યો હોય એમ મારા ચહેરા પર એક વિચિત્ર હાસ્ય ઉપસી આવ્યું.

ક્રમશ...


Rate this content
Log in

Similar gujarati story from Drama