STORYMIRROR

mariyam dhupli

Drama Crime Thriller

4  

mariyam dhupli

Drama Crime Thriller

આત્મસાત  ( ભાગ : ૪ )

આત્મસાત  ( ભાગ : ૪ )

5 mins
420

મકાનના નાનકડા પ્રાંગણમાં ગોઠવાયેલા લાકડાના બાંકડા ઉપર ત્રીસેક વર્ષનો પુરુષ બેઠો હતો. ભરાવદાર મૂંછ એના આછા શ્યામવર્ણ, ગોળાકાર ચહેરાને દીપાવી રહી હતી. ખડતલ બાંધા ઉપર ચઢાવેલું સાદું, સફેદ શર્ટ જીન્સ ઉપર ઉઠાવ આપી રહ્યું હતું. મને બહાર આવતો નિહાળી એ તરત જ બેઠક છોડી ઉભો થઇ ગયો. તદ્દન એ જ રીતે જે રીતે એક શિક્ષકને નિહાળી વિદ્યાર્થીઓ વર્ગમાં ઉભા થઇ જાય. એના જોડાયેલા બે હાથમાં મારા પ્રત્યેના આદર સન્માન પ્રયત્ન વિહીન ઝળકી રહ્યા હતા.

"સર, આઈ કાન્ટ બીલીવ ધીઝ. મેં આપસે ઇસ તરહ મીલ રહા હું. ઇટ્સ રિયલી લાઈક એ ડ્રિમ કમ ટ્રુ. આઈ એમ એ બિગ... બિગ ફૅન ઓફ યોર્સ. આપકી સભી કિતાબ મેને તીન...તીન બાર પઢી હે. ફિરભી બાર બાર પઢનેકો જી ચાહતા હે. રાધાસે પતા ચલા કી આપ ઈક મહીનેકે લિયે યહાં લીખને આયે હુએ હેં. સોરી ટુ ડિસ્ટર્બ યુ લાઈક ધીઝ. લેકિન ખુદકો રોક નહીં પાયા. યુ આર માય ઇંશપિરેશન. જસ્ટ વોન્ટેડ ટુ હેવ એન ઑટોગ્રાફ ફ્રોમ યુ, સર."

મારું પુસ્તક આગળ ધરતા એ યુવાન આંખોમાં એવો ચળકાટ હતો જેવો કોઈ ધર્મસ્થળ પર ઈશ્વરની ભક્તિ કરતી વખતે કોઈ શ્રદ્ધાળુની નજરમાં છવાયેલો હોય. હું સ્વભાવે ભારે અંતર્મુખી હતો. મને વધારે પડતી વાતો કરવું કે સીધેસીધી લાંબી લાંબી વાતો સાંભળવું પણ ગમતું ન હતું. એક લેખક તરીકે સમાજમાંથી જે નિરીક્ષણ ભેગું કરવાનું હોય એ હું આડકતરી રીતે કે પરોક્ષ સ્વરૂપે મળતા અનુભવોમાંથી જ ભેગું કરવાને પ્રાધાન્ય આપતો. પરંતુ હું એ પણ સારી રીતે સમજતો હતો કે એક લેખક પોતાના વાચકો વિના પાંગળો જ હોય. એટલે પોતાના ફૅન અને ફોલોવર્સને સાવચેતીથી સાચવતા આવડવું એ પણ લેખનના વ્યવસાયનું અનિવાર્ય અને સૌથી મહત્ત્વનું પાસું છે. 

મેં ધીમે રહી એ અજાણ્યા હાથમાંથી મારું બેસ્ટ સેલર પુસ્તક હાથમાં લઇ લીધું. એના આકર્ષક કવરપેજ અને શીર્ષક ઉપર મારી સૂક્ષ્મ ગર્વસભર નજર ફરી વળી.

'હાર માને વો ઇન્સાન નહીં '

મારી આ પ્રેરણાત્મક નવલકથા અપેક્ષા કરતા બમણી પ્રખ્યાતિ પામી હતી. હકારાત્મક વિચારોની શક્તિ માનવીને ક્યાંથી ક્યાં પહોંચાડી શકે એ નવલકથાના નાયકે જોરદાર રીતે પુરવાર કરી બતાવ્યું હતું. અગણિત કૉપી વેચાઈ ચૂકી હતી. હજી પણ સતત ઓનલાઇન ઓર્ડર મળી રહ્યા હતા. પ્રકાશન સંસ્થા તો આ પુસ્તકથી રાજીના રેડ હતી. મેં પુસ્તક ખોલ્યું અને પ્રસ્તાવનાના પાનાની નીચે તરફ ' વિથ લવ ' લખી મારો ઑટોગ્રાફ આપી દીધો. એને ફક્ત ઑટોગ્રાફ જ જોઈતો ન હતો. હજી ઓળખ પરિચયની વિધિ પણ કરવી હતી. તેથી જ મારી દિશામાં હાથ મેળવવા એનો હાથ આગળ વધ્યો. મારે પરાણે હાથ આગળ વધારવો પડયો. હસ્ત મેળાપથી એના શરીરના હાવભાવોમાં બમણો ઉત્સાહ ઉછળવા માંડયો. શબ્દોમાં એ ઉત્સાહનો અતિરેક સીધો ઉતરી આવ્યો.

"સર, માય નેમ ઇઝ કાશી. આઈ એમ એ લોયર બાય પ્રોફેશન. યહીં કરીબમે રહેતા હું. યે મેરા કાર્ડ હે. આપકો કિસીભી ચીઝ કી જરૂરત હો યા મદદ ચાહિયે તો યાદ કર લેના. એની ટાઈમ. નો ફોર્માલિટીઝ."

એની ઉમળકાભેર દ્રષ્ટિ મારી નજરમાં પ્રતિક્રિયા શોધી રહી હતી. મને વાર્તાલાપ આગળ વધારવામાં કોઈ રુચિ ન હતી. હું હવે અકળાવા લાગ્યો હતો. આમ છતાં એક રુઆબદાર યજમાનને શોભે એ છટાથી હું ધીરજનું દર્શન કરી રહ્યો હતો. એના શબ્દોના પ્રત્યાઘાતમાં અન્ય શબ્દો ઉચ્ચારવાની જગ્યાએ મેં ફક્ત ચહેરા ઉપર સ્મિત ફરકાવવાને જ પ્રાધાન્ય આપ્યું. ઑટોગ્રાફ કરેલ પુસ્તક મેં આદરપૂર્વક એના હાથમાં પરત કર્યું અને એના હાથમાં થમાયેલ વિઝીટીંગ કાર્ડ સ્વીકાર્યું. કાર્ડ પર એના ફર્મનું સરનામું, એનું પૂરું નામ, મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ પણ હતું. એને ધ્યાન દઈ વાંચવામાં મને કોઈ રસ ન હતો. કાર્ડ પર એક ઝડપી, ઔપચારિક નજર ફેરવી લઇ મેં એને શર્ટના ખિસ્સામાં સરકાવી દીધું. પોતાનું વિઝીટીંગ કાર્ડ પોતાની પ્રેરણા મૂર્તિના ખિસ્સામાં સજાવાયું એ નિહાળતા એનો હરખ સમાઈ રહ્યો ન હતો. 

"તો મેં ચલું ?" 

મેં હજી પણ સ્મિતથી જ કામ ચલાવ્યું. મારા હકારમાં ધુણાયેલા મસ્તિષ્કને અનુસરી એ પીઠ ફેરવી પ્રાંગણમાંથી બહાર તરફ નીકળવા આગળ વધ્યો.

ફાઈનલી ! મારા જીવમાં જીવ આવ્યો. પરંતુ એ હાશકારો લાંબો ટક્યો નહીં. એક ખચકાટ જોડે એના ડગલાં મુખ્ય દ્વાર આગળ અટકી પડયા. મારા મનમાં ધ્રાસ્કો પડયો. મનમાં ચાલી રહેલી વિમાસણ મારી આગળ રજૂ કરવી કે નહીં એની દુવિધા એના શરીરના હાવભાવોમાં સ્પષ્ટ અનુસરી. પછી એકાએક કોઈ નિર્ણય લેવાઈ ગયો હોય એમ શીઘ્ર ઝડપભેર ડગલે એ મારી દિશામાં ધસી આવ્યો. હવે પાણી માથાના ઉપરથી વહી રહ્યું હતું. મારો શ્વાસ થોડો રૂંધાવા લાગ્યો. મને લોકો જોડે જરૂર કરતા વધારે હળવું ભળવું જરાયે ન ગમતું. વધુ પડતા મેળાપ મુલાકાતોમાંથી મને સ્વાર્થની દુર્ગંધ આવતી. એ દુગઁધ મારા માટે અસહ્ય હતી. એનાથી સુરક્ષિત અંતર રાખવું જ મને હિતાવહ લાગતું. મારા ચહેરાના બદલાયેલા હાવભાવો પર મેં શક્ય એટલી પકડ જમાવી રાખવા પ્રયાસ કર્યો. આખરે હતો તો એ મારો ડાય હાર્ડ ફૅન જ ને. એનું અપમાન કરવું કે એને હડસેલવું મારા વ્યવસાય અને પ્રતિભા બન્ને માટે જોખમકારક હતું. પોતાના હાથમાં થામેલી એક લાલ રંગની ડાયરી એણે ધીમે રહી મારી દિશામાં આગળ વધારી. હું કશું સમજી શકું એ પહેલા જ સમજૂતી સામે તરફથી આપોઆપ મારી દિશામાં આવી.

"સર, એક્ચ્યુઅલી આઈ લવ ટુ રાઈટ. લૉ ઇઝ માય પ્રોફેશન બટ રાઇટિંગ ઇઝ માય પૅશન . ઇસમેં કુછ કવિતાંયે હેં. અગર આપ પઢકર કુછ સુઝાવ ... લેકિન વક્ત મીલે તો... ઍન્ડ ઇફ યુ ડોન્ટ હેવ ટાઈમ, ધેન ઇટ્સ પરફેક્ટલી ઓલરાઇટ. આઈ કૅન અંડરસ્ટેન્ડ ... યુ આર એ બીઝી મૅન." 

હું અંદરોઅંદર ગરમ થઇ ગયો. ખબર હોય કે સામેવાળા ગળાડૂબ વ્યસ્ત હોય તો પણ ? એક મહિનાનો સમય મારા લેખનકાર્ય માટે જ પર્યાપ્ત ન હતો. હજી વિષય નક્કી થઇ રહ્યો ન હતો. કશું જ સૂઝી રહ્યું ન હતું. બુદ્ધિ એવી રીતે સ્થગિત થઇ બેઠી હતી જાણે ચાર્જ વિનાની બૅટરી ન હોય ! આ બધાની વચ્ચે મારે આ ડાયરી... 

"ઓહ, સ્યોર. વાય નોટ ?"

દુનિયાનો સૌથી મીઠો માણસ હું જ હોવ એવી પ્રતીતિ કરાવતું મધુર સ્મિત મેં મારા ડાય હાર્ડ ફૅન તરફ વેરી મૂક્યું. સંભાળીને એના હાથમાંની લાલ ડાયરી મારા હાથમાં લઇ લીધી. સામેની દિશામાં જાણે હર્ષની સુનામી ઉછળી. 

"ઓહ, થેન્ક યુ સર. થેન્ક યુ સો મચ. આ'મ રિયલી ગ્રેટફુલ. ફીલિંગ બ્લેસ્ડ. થેન્ક યુ વન્સ અગેઇન."

આનંદમાં ભાવવિભોર એના ડગલાં પ્રાંગણ બહાર નીકળી ગયા. મારા ચહેરા પરનું બનાવતી સ્મિત એ જ ઘડીએ ઓઝલ થઇ ગયું. અકળામણ જોડે હું બેઠકખંડમાં પ્રવેશ્યો અને હાથમાંની એ લાલ ડાયરી એક ખૂણામાં ઉડાવી મૂકી. શ્યામની પત્ની રાધા ઉપર ભારોભાર રીસ છૂટી નીકળી. સમાજથી દૂર ભાગી આવ્યા છતાં હું સમાજમાં જ તો સપડાયેલો હતો.

મકાનમાં એકલા હોવાની પ્રતીતિ વારંવાર ન થાય એ માટે બેઠકખંડમાં મ્યુટ પર ચાલી રહેલ ટીવી સમાચારોનું પ્રસારણ કરી રહ્યું હતું. ડાયરી તરફથી મારી નજર અછડતી જ પ્રસારિત સમાચાર પર પડી. બ્રેકીંગ ન્યુઝમાં ઝળહળી રહેલા શબ્દો વાંચી જાણે મારા પગ નીચેની જમીન સરી ગઈ. મગજમાં તમ્મર ચઢ્યા હોય એમ શરીરનું નિયંત્રણ ડગમગવા લાગ્યું. ભયથી ધ્રૂજતો હું પડખેના સોફા પર ફસડાઈ પડયો. 

ક્રમશ...


Rate this content
Log in

Similar gujarati story from Drama