STORYMIRROR

mariyam dhupli

Drama Crime Thriller

4  

mariyam dhupli

Drama Crime Thriller

આત્મસાત : ૯

આત્મસાત : ૯

5 mins
418

મકાનના મુખ્ય બેઠકખંડની ચારે ભીંત પેઈન્ટિંગ્સથી સજ્જ હતી. જ્યાં મને અવિનાશની તસ્વીર નિહાળવાની અપેક્ષા હતી ત્યાં ચારે તરફ ફક્ત એની કલા જ સુશોભિત હતી. શણગારનાર માટે જાણે એ ચિત્રો જ અવિનાશ હતો. એનો ચહેરો નહીં, એનું હુનર જ એને પ્રસ્તુતકર્તા હતું. એ દરેક પેઈન્ટિંગ્સ ઉપર મારી નજર એક પછી એક ફરવા લાગી. જીવનના દરેક રંગો એ ચિત્રોમાં આબાદ ઝીલાયાં હતા. પુસ્તક લખવા માટે પેઇન્ટિંગ ઉપર કરેલ સંશોધનમાં મેં દેશના, વિશ્વના નામી, પ્રખ્યાત અનેક ચિત્રો નિહાળ્યા હતા. અવિનાશના ચિત્રો ખરેખર વિશ્વ સ્તરની પેઇન્ટિંગ ઍક્ઝિબિશન માટે જ રચાયા હતા. પરંતુ કલાને એના યોગ્ય સ્થાન સુધી પહોંચાડવાનું કામ તો કલાકાર જ કરી શકે. મારી અંદરના કલાકારે મૌન નિસાસો નાખ્યો. કાશ કે અવિનાશ...

" પાની..."

વૃદ્ધ સ્ત્રીએ મારી આગળ ધરેલી ટ્રેમાંથી મેં પાણીનો ગ્લાસ ઉઠાવતા આભારમાં માથું ધુણાવ્યું. એ કદાચ સ્વરાગિનીની માતા હતી. મારી ધારણાને ટેકો આપતો એક મીઠો, ધીમો સાદ પાછળ તરફથી પડઘાયો. 

" માં, રાઈસ કુકર ઓન હે. આપ દેખ લેના..."

પોતાને સોંપેલી ફરજને રાજીખુશીથી નિભાવવા એ વૃદ્ધ શરીર મહેમાનને યજમાન જોડે એકાંતનો અવકાશ આપી પાછળ રસોડા તરફ વળી ગયું. સફેદ લાંબી કુર્તી, પીળી ચુસ્ત ચૂડીદાર, કાનમાં નાના કદના લટકણિયા, ચુસ્ત શરીર અને મોટી પાંપણવાળી સુંદર, કાળી આંખોને શોભાવતો સામાન્ય છતાં રુઆબદાર ચશ્મો. એવું લાગ્યું જાણે પહાડી વિસ્તારમાં ઈશ્વરે કોઈ અપ્સરાને વાસ કરવા મોકલાવી હોય. અવિનાશ હતો તો ભાગ્યશાળી. આવી સુંદર સંગિનીનો સાથ એના ભાગ્યમાં હતો. કે પછી ન હતો ? મારા મનનું મંથન કોઈએ સાંભળ્યું ન હોય એ વિચારે અનાયાસે એક યાંત્રિક ખોંખારો મોઢામાંથી નીકળી ગયો.મારી દિશામાં ઔપચારિકતા સાથે બે હાથ જોડી એ અપ્સરા સામે તરફના સોફા પર ગોઠવાઈ. 

મારા ખિસ્સામાંથી પહેલેથી તૈયાર રાખેલ પૈસાથી ભરેલું એક સફેદ કવર મેં ધીમે રહી ટેબલ પર ગોઠવ્યું. 

" શુક્રિયા. "

એક મહિનાના ભાડા માટે જે રકમની વાત થઈ હતી એ વાયદા પ્રમાણે મેં સમયસર ચૂકવી દીધી એ વાતનો સંતોષ મને એ ઊંડી, હતાશ આંખોમાં દેખાઈ આવ્યો. આગળ શું વાત કરવી એની મૂંઝવણમાં મને જે સૂઝયું એ મોઢામાંથી નીકળી ગયું. 

" સો સોરી ટુ હીઅર અબાઉટ અવિનાશ."

ઊંડી, હતાશ આંખોમાં તેજધરાર દર્દ ઉપડી આવ્યું. આંખોમાંથી કાજલ વહી પડયું. પ્રતિક્રિયામાં શબ્દોના સ્થળે ફક્ત એક ઊંડો ઉચ્છવાસ અને નિસાસો જ મળ્યો. 

" અગર આપ બુરા ન માને તો એક બાત પૂછ સકતા હું ? " હિંમત ભેગી કરી મેં વાત આગળ વધારવાનો પ્રયાસ કર્યો. આંખોની ભરાવદાર પાંપણમાંથી સરી પડેલું એક નાનકડું મોતી સુંવાળી આંગળીના ટેરવાના ભાગ્યમાં આવ્યું. ઢળેલી નજર જોડે ઝૂકેલી ગરદન હકારમાં ધીમેથી હાલી કે તરત જ તકનો લાભ ઉઠાવી હું વાતને ગોળ,ગોળ ફરાવવાની જગ્યાએ સીધો મુખ્ય મુદ્દા ઉપર આવી ગયો.

" અવિનાશ કે બાદ વો ઘર આપને કિસીકો નહીં દીયા. તો ફિર મુજે..."

આખો ભાવાર્થ સમજવા માટે આટલાં જ શબ્દો પૂરતા હોય એ રીતે સામે તરફથી ધીમા, અતિ શાંત લ્હેકામાં ઉત્તર પરત થયો.

" અવિનાશકો લોગોકો મિલના જુલના બહોત અચ્છા લગતા થા. જ્યાદાતર વો ઘરકે બાહર હી રહેતે થે. લોગોસે બાતે કરતે થે, હસતે થે, હસાતે થે. લેકિન જબ ઘર પર હોતે થે તો જ્યાદા બોલતે નહીં થે. કેનવાસ ઔર ઉનકે બીચ ઔર કિસીકી ભી જગહ નહીં થી. મેરી ભી નહીં." યાદોના ભારથી ઘેરાયેલી આંખોએ ચારે તરફની ભીંત પર સજ્જ ચિત્રો ઉપર એક ધીરો, ધીરજભર્યો ચક્કર કાપ્યો. એ ઉતરી ગયેલી આંખોમાં આજે પણ કોઈ શોધ હતી. પ્રેમની, સ્નેહની, સમયની...જે ફરી કદી ન મળવાનો હતો એ સાથની. 

 મારું મન સામે બેઠી એક અજાણી સ્ત્રીના સંવેદના જગત જોડે ભળી ગયું. આખરે એ મારા વાર્તા વિશ્વની એક મહત્વની પાત્ર હતી. હું ત્યાં બેઠો બેઠો જ મારા ભાડેના મકાન અંગે કલ્પના કરી રહ્યો. અવિનાશ એના કેનવાસ જોડે વ્યસ્ત હોય. કેનવાસ પરના રંગોમાં, આકારોમાં, એના શેડ્સમાં એટલો ઊંડો ઉતરી ગયો હોય કે એની આસપાસ ફુદરડી ફરતી રહેતી, એની સેવામાં વ્યસ્ત રહેતી, એના અંગે સતત ચિંતીત રહેતી, એને અનન્ય પ્રેમ કરતી, બદલામાં એના પ્રેમની, એના સહવાસની સતત ઝંખના સેવતી, એની પ્રેમિકા, એની જીવનસંગીની એને દેખાતી પણ નહીં ? કશે જ નહીં ? એવી કેવી ધૂનકી ? એવું કેવું ગાંડપણ ? એવું કેવું જુનૂન ? શું એ નિર્જીવ રંગો એટલા શક્તિશાળી હતા કે હાડમાંસથી બનેલા માનવી પણ એની સામે વિવશ હતા ? 

ભીંત પરના ચિત્રો પરથી મૌન ફરિયાદ કરી રહેલી દ્રષ્ટિ સીધી મારી આંખોમાં ઉતરી આવી. હું એક ક્ષણ માટે હલબલી ગયો. 

" આપ ભી આર્ટિસ્ટ હો ના ? આપ શાયદ સમજ સકે. લોક કહેતે હે અવિનાશકી આત્મા આજ ભી હમારે ઘરમેં મૌજુદ હે. મેને ઉનકો ઉનકી પ્રાઇવસીકે સાથ અકેલા છોડ દિયા હે. અબ ઉનકો અપને કમરે કે બહાર ' ડુ નોટ ડિસ્ટર્બ 'કા સાઈન કાર્ડ નહીં લગાના પડતા. મેં જાનતી હું આપ ભી ઉન્હીં કી તરહ... આપકે વહાં રહેનેસે ઉનકો કોઈ ફર્ક નહીં પડેગા. હેં ના ? "

મારું હૈયું વીંધાઈ ગયું. શું મારામાં અને એક પ્રેતમાં કોઈ ફેર નહીં ? મારું હોવું, ન હોવું એકસરખું જ ? ઉત્તર આપવા માટે હું થોડો થોથવાયો. મારી નજર નીચે ઢળી ગઈ. વિચારો પ્રબળ થયા. રસોડા તરફથી વાસણોનો અવાજ આવ્યો. મારી નજર ફરી ઉપર ઊઠી. એ ઊંડી આંખો ભીંત પરના ચિત્રોમાં ખોવાઈ ચૂકી હતી. એને મારા તરફથી કોઈ ઉત્તરની અપેક્ષા ન હતી. એ જુદા જ ગ્રહ પર પરિભ્રમણ કરી રહી હતી. અનંત શોધમાં વ્યસ્ત હતી. પ્રેમની, સ્નેહની, સમયની...જે કદી મળવાનો ન હતો એ સાથની.

હું બેઠક છોડી ઊભો થઈ ગયો. એ સૂફી જીવને એની અનંત શોધ જોડે એકાંત આપતો હું મકાનની બહાર તરફ નીકળી આવ્યો. શ્યામ સમયસર આવી પહોંચ્યો હતો. હું ઝડપથી કારમાં ગોઠવાઈ ગયો. કાર ધીમે ધીમે પહાડીનાં ઢોળાવ તરફ નીચેની દિશામાં આગળ વધવા લાગી. પાછળ તરફ આકર્ષક વાદળી રંગની બારીઓ હજી પણ હવાની લહેરથી આછી આછી ખડકી રહી હતી. મહેમાનને આવકારવા માટે સદવર્તનના ભાગ સ્વરૂપ બંધ કરી નાખવામાં આવેલું સંગીત મહેમાનની વિદાય જોડે ફરીથી ઠંડા વાતાવરણને પૂછવા માંડયું,

" ચિઠ્ઠી, ન કોઈ સંદેશ. જાને વો કોનસા દેશ, જહાં તુમ ચલે ગયે..."

ગાડીની બારીનો કાચ મેં ધીમે રહી નીચેની દિશામાં સરકાવ્યો. ઠંડી પવનની લહેર સહેજે ધીરજ ધરવાની પરવાહ કર્યા વિના મારા શરીર પર ત્રાટકી. બારીની બહાર દેખાઈ રહેલો પહાડી વિસ્તાર આજે વધુ પડતો જ સૂનો લાગી રહ્યો હતો કે એ મનની ભ્રાંતિ હતી ? ખબર નહીં કેમ મન થોડું ભારે અનુભવાઈ રહ્યું હતું. કદાચ હું થાકી ગયો હતો. શરીરને થોડા વિરામની જરૂર હતી. મેં મનને સાંત્વના આપવાનો પ્રયાસ કર્યો કે મારા ખિસ્સામાં નિષ્ક્રિય પડેલો મોબાઈલ સક્રિય થયો. વાઈબ્રેટ થયેલા મોબાઈલને મેં ખિસ્સામાંથી બહાર કાઢ્યો. કાર ઢોળાવ ઉતરી ચૂકી હતી. મનને હળવું કરવા મેં મોબાઇલના પડદા ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું. અનન્યાનો મેસેજ હતો. જીવનનો નિયમ નિશ્ચિત જ હતો. ક્યાં તો એ મેસેજની સંપૂર્ણ અવગણના કરી નાખવી કે પછી પાછળથી ' હા ' કે ' ના 'માં ફક્ત એક શબ્દનો ઉત્તર પરત કરી દેવો. પણ વિસ્મયની વાત એ હતી કે એ સાંજે મેં એ મેસેજને ઇન્સ્ટન્ટ જવાબ આપ્યો અને એ પણ થોડો વિસ્તારપૂર્વક !

ક્રમશ ...


Rate this content
Log in

Similar gujarati story from Drama