આત્મસાત : ૭
આત્મસાત : ૭
" આપ અવિનાશકે બારેમેં જાનના ચાહતે હેં ? "
ઢળતી સાંજે હિલસ્ટેશનની નાનકડી ચાની લારી પર બેઠેલા પુરુષે મને હેરતથી નિહાળ્યો. મેં શાંત જીવે હાથમાંના ગ્લાસમાંથી ચાની એક ચૂસ્કી લીધી. જયારે એને કોલ કર્યો હતો ત્યારે એણે મને ઘરે આવવા આમંત્રણ આપ્યું હતું. પરંતુ ન તો મને એના ઘરમાં રસ હતો, ન એના પરિવારને મળવામાં. મારો રસ તો કોઈ અન્ય જ બાબતમાં હતો. ડ્રાઈવર શ્યામે મને મકાનમાં થયેલી હત્યા અંગે અત્યંત સંક્ષિપ્તમાં માહિતી આપી હતી. પરંતુ એ ટૂંકી માહિતી મને વિગતવાર સાંભળવી હતી. ડ્રાઈવર શ્યામને એ અંગે વધુ પૂછપરછ કરી શક્યો હોત. પરંતુ મારી જોડે ચાની ચૂસ્કી માણી રહેલો મારો ડાય હાર્ડ ફૅન વ્યવસાયે એક વકીલ હતો. એની પાસે હિલસ્ટેશન પર થયેલી એ હત્યાના કેસની ઊંડી અને તાર્કિક જાણકારી હોવી જોઈએ. એ જાણકારી મેળવવા માટે મેં યોગ્ય કિંમત પણ તો ચૂકવી હતી.
હા,એના હાથમાં ઉત્સાહથી થમાયેલી એની લાલ રંગની ડાયરી હું આખી શબ્દેશબ્દ વાંચી ગયો હતો. અંતિમ પાના ઉપર મેં એક વિસ્તૃત પ્રતિભાવ પણ લખી આપ્યો હતો. એ પણ મારા સુંદર ઑટોગ્રાફ જોડે. ' કુછ પાને કે લીયે કુછ ખોના ભી પડતા હે. ' મારે કશું ગુમાવવું તો પડ્યું ન હતું. ફક્ત પોતે એક લેખક હોવાની ભ્રાંતિમાં રાચતાં એક સંવેદનશીલ મનુષ્યનું કેટલુંક બિનઅનુભવી લખાણ વાંચવું પડ્યું હતું. એની દુઃખતી નસ મારા હાથમાં હતી. હવે એક કઠપૂતળીના તાર ખેંચતા જવાનું હતું અને એના નૃત્યમાંથી પોતાનું કામ કાઢી લેવાનું હતું. સાયકોલોજીનો, મનોવિજ્ઞાનનો સૌથી પાયાનો નિયમ. સામેવાળાને એ આપો જે એને તમારી પાસેથી જોઈએ છે. બદલામાં એ તમને એ આપશે જે તમને એની પાસેથી જોઈએ છે. વેપાર મંડાઈ ચૂક્યો હતો. મેં એને એ આપી દીધું હતું જે એને મારી પાસેથી જોઈતું હતું. હવે એનો વારો હતો. મને એ આપવાનો જે મને એની પાસેથી જોઈતું હતું.
ચાની ચૂસ્કી લઈ એણે એક લેખક તરીકેની ભ્રમણામાં રાચતા વાર્તા કહેવાની શરૂ કરી.
" અવિનાશ એક પેઈન્ટર થા. કોઈ મામુલી પેઈન્ટર નહીં. હી વોઝ જિનયસ. વો જબભી કેનવાસ છુતા થા, બસ જાદુ હોતા થા. કિતને સારે અવૉર્ડ્ઝ ઉસે મીલે થે ! ઉસને અપને રંગોંસે ઈસ હિલસ્ટેશનકા નામ રોશન કર દીયા થા. કંઈ નેશનલ એક્ઝિબિશનમેં ઉસકી પેઈન્ટિંગ્સ ચૂની જાતી થી. હી વોઝ એ શાઈનિંગ સ્ટાર ઑફ મનાલી. ઈતની કમ ઉંમરમે ઈતની કામિયાબી મિલના સિર્ફ કિસ્મત નહીં થી. ઉસકા હુનર ગજબકા થા. હી વોઝ ગિફ્ટેડ. સબકો યહી લગતા થા કી ઈક દિન વિશ્વ કે બેહતરીન કલાકારોમેં ઉસકા નામ લીયા જાયેગા. લેકીન કીસે પતા થા . . . "
હું એનો ચહેરો એવી રીતે તાકી રહ્યો હતો જાણે કોઈ રસપ્રદ પુસ્તક વાંચી રહ્યો હોઉં. અંતના પ્રશ્નએ મારી ઉત્સુકતા બમણી કરી મૂકી હતી. છતાં ચહેરાને અત્યંત શાંત દર્શાવતા મેં ગરમ ચાની ચૂસ્કીથી પોતાની ખૂટેલી ધીરજને આશ્વાસન આપ્યું. એક ટૂંકા વિરામને એક લાંબી ચાની ચૂસ્કી વડે હૂંફ આપી એણે વર્ણન આગળ વધાર્યું.
" અવિનાશ એક અચ્છા કલાકાર હી નહીં, એક ઉમદા ઈન્સાન ભી થા. અપને હુનરકા ઘમંડ વો અપને સિર પર લેકર નહીં ચલતા થા. વરના કામિયાબી તો અચ્છે અચ્છે દિમાગ કો ભી દીમક લગા દેતી હે. " એણે સામાન્ય જ્ઞાનની વાત કરી હતી. છતાં ' દીમક ' શબ્દથી મને થોડું ખસિયાણું અનુભવાયું. મારી એ અનુભૂતિ અંગે ચોક્કસ વર્ણનકારને કશી માહિતી ન હતી.
" વો સભી ઈન્સાનસે અચ્છી તરહ મીલતા થા. અચ્છે સે, લિહાઝસે બાત કરતા થા. મનાલીકા હર ઈન્સાન જીતના ઉસકી પેઈન્ટિંગ્સકો ચાહતા થા ઉતના હી ઉસકોભી. ઉસકા કેનવાસ ઉસકી ઝિંદગી થી ઔર ઉસ ઝિંદગીસે ઉસે બેહદ પ્યાર થા. વો ઈતના ઝિંદાદીલ ઈન્સાન થા કી ઉસકે સાથ કુછ લમ્હે બિતાને વાલા ઈન્સાન ખુદસે, ઝિંદગીસે પ્યાર કરને લગતા થા. હી વોઝ સચ એ ડાઉન ટુ અર્થ પર્સન. વાઈફ બહોત સપોર્ટીવ થી. બટ શી ઈઝ એ બીટ એન્ટીસોશિયલ. વો અવિનાશકી તરહ લોગોંસે જ્યાદા ઈન્ટરેક્ટ નહીં કરતી. અવિનાશ જીતના ટોકેટિવ થા, બીવી ઉતનીહી શાંત. ઉન્હેં કોઈ ઓલાદ નહીં થી. બટ ધે સીમ ટુ બી એ હેપ્પી કપલ. બટ નો મોર. . . " એક ઊંડો નિસાસો નાખી એણે હાથમાંની ડાયરીને વધુ મજબૂત પકડમાં લીધી. અત્યાર સુધી એના શબ્દોના પ્રવાહમાં મેં અવરોધ ઊભો કર્યો ન હતો. એણે લીધેલા વિરામે મને આખરે મારી ઉત્કંઠાને ઠાલવવાનો ખુલ્લો અવકાશ આપ્યો.
" વોઝ હી મર્ડર્ડ ? "
સીધા મુખ્ય મુદ્દા પર આવી જવાનો મારો ઈશારો ન સમજી શકે એટલો એ મૂર્ખ તો ન જ હતો. પણ એની અંદર જાગી ઊઠેલા ભ્રાંતિમય લેખકને અનુસરતા એ માંડણીને રહસ્ય જાળવી રાખતા ધીમે ધીમે આગળ વધારી રહ્યો હતો. એ ક્ષણે મારી રહસ્યમય વાર્તાઓ વાંચતા વાચકોની મનોસ્થિતિની મને સ્પષ્ટ અનુભૂતિ થઈ.
" યસ, અવિનાશકા નોકર તુકારામ. તુકારામ ઘરકા બહોત પુરાના નોકર થા. ઘરકી સાફસફાઈસે લેકર ખાના બનાને તક સભી કામ વહી કરતા થા. અવિનાશ ઔર તુકારામ કે બીચ માલિક નોકર જૈસા રિશ્તા નહીં થા. અવિનાશ તુકારામકી બોહત ઈઝ્ઝત કરતા થા. તુકારામભી અવિનાશકો અપને પરિવારકા હિસ્સા હી સમજતા થા. જબ આર્ટ એક્ઝિબિશનકે લીયે આઉટ ઓફ ટાઉન જાના પડતા તબ તુકારામ ઉસકે સાથ હી રહેતા. ઉસકા સોના, ઊઠના, ખાના, પીના, સામાન સભીકા ખયાલ વહી રખતા. હી વોઝ ઘી મોસ્ટ લોયલ સર્વન્ટ એ પરસન કેન હેવ. યહાં તક કી તુકારામકી બેટીકી શાદીકા ખર્ચભી અવિનાશને હી ઉઠાયા થા. પુરી ઘૂમધામસે શાદી હુઈ થી. જબ તુકારામકી બીવીકો હાર્ટ ડિઝીઝ હુઈ થી તબ અવિનાશને શહેરકે અસ્પતાલમે ઉસકો ઈલાજ કરને ભેજા થા. હાર્ટ સ્પેશીયાલીસ્ટકા બિલ તો બડા હી બનતા હે. ઉસ વક્ત ભી અવિનાશને હી ખર્ચ ઉઠાયા થા. તુકારામકે લીયે અવિનાશ ભગવાનસે કમ નહીં થા. "
પોતાની ડાયરી પર હાથ થપથપાવી એણે એક ઊંડો શ્વાસ બહાર કાઢ્યો. મારો ચાનો ખાલી ગ્લાસ મેં બાંકડાના એક ખૂણે મૂકી દીધો. એ અસહ્ય વિરામની સમાપ્તિની રાહ જોતો ખૂટેલા ધૈર્ય જોડે હું એના ગંભીર ચહેરાને તાકી રહ્યો. પોતાનો ચાનો ખાલી ગ્લાસ પોતાની પડખે બાંકડા પર ગોઠવી એ ફિલોસોફરના અંદાજમાં આવી ગયો.
" ઈટ્સ અનબિલીવેબલ ! ઈંસાનકા દિમાગ કોન પઢ સકા હે, સર ? ઈંસાન બહાર સે કુછ ઔર અંદર સે કુછ ઔર હી હોતા હે. " મારા મનમાં એવો ખળભળાટ થયો જાણે કોઈ એક્સરેની કિરણ મારી આત્મામાં ભોંકાઈ ગઈ. મારી દિશામાં ફરેલી એની નજર ન જીરવાતા મેં મારી આંખો ઢળવા સજ્જ થયેલા સૂર્યની દિશામાં પલાયન કરી નાખી.
" તુકારામને અવિનાશકે ખાનેમેં ઝહેર મીલા દીયા. પોસ્ટમાર્ટમમેં ક્લીયર હો ગયા કી મોત ઝહેરકી વજહ સે હી હુઈ થી. પુલીસને તુકારામકો ગિરફ્તાર કર લીયા. ઉસને ગુનાહ કૂબુલ કર લીયા. ક્યોં ? ઈસકા જવાબ ઉસને આજ તક નહીં દીયા. અબ જેલમેં સજા કાટ રહા હે. અવિનાશકી બીવી અભી તક સદમેમેં હે. ઘર ખાલી કર કે વો અપની માકે પાસ ચલી ગઈ. તબસે યે મકાન ખાલી હે. "
માહિતીનો સ્ત્રોત પૂર્ણ થતા મારા પ્રત્યાઘાતની અપેક્ષામાં એ મારો ચહેરો ધ્યાન દઈ તાકી રહ્યો. સૂર્ય ઢળી ચૂક્યો હતો. સૂર્યાસ્તને કારણે વિવિધ રંગોના મિશ્રણ ધરાવતું કેનવાસ સમું લાગતું આકાશ મારી આંખોમાં સ્થગિત થઈ બેઠું હતું. મારા શરીરમાં કોઈ હલનચલન ન થયું એટલે એ ધીમે રહી બાંકડો છોડી ઊભો થઈ ગયો.
" ઠીક હે, સર. મેં ચલતા હું. ઈફ યુ નીડ એનીથિંગ લેટ મી નો. ઈટ વીલ બી માઈ પ્લેઝર. "
મેં ફક્ત ગરદન હલાવી. મારી નજર હજી પણ ક્ષિતિજ પર મંડાયેલી હતી. મને મારી એકલતા જોડે અવકાશ આપી એ પોતાની ડાયરી જોડે દૂર નીકળી ગયો. મેં મારી ગરદન ક્ષિતિજ ઉપરથી હટાવી. મારાથી દૂર જઈ રહેલી પીઠને હું ત્યાં સુધી તાકતો રહ્યો જ્યાં સુધી એ મારી દ્રશ્ય ઈન્દ્રિયમાંથી સંપૂર્ણ ઓઝલ ન થઈ ગઈ. એના ઓઝલ થતાં જ મારા ચહેરા પરના ભાવો નાટકીય રીતે બદલાઈ ગયા. ઢળી ગયેલા સૂર્યએ ઘેરેલા અંધકારમાં મારો ચહેરો વિચિત્ર હાવભાવો જોડે હસ્યો. ફક્ત હું જ સાંભળી શકું એટલા મંદ સ્વરમાં હું બોલ્યો, " પરફેક્ટ ! મારો ગમતો સાહિત્ય પ્રકાર, એ સસ્પેન્સ થ્રિલર."
ક્રમશ:
