આત્મસાત : ૫
આત્મસાત : ૫
મને રાત્રે જ લખવાની વધુ ફાવટ રહેતી. જયારે આખુ વિશ્વ શાંતિમાં પોઢી ગયું હોય. એ સમય જયારે પ્રકૃતિના કણ કણને હું કોઈ પણ વિઘ્ન વિના શબ્દે શબ્દ સાંભળી શકું. એ ઘડી જયારે હું મારા હૃદયના એક એક ધબકારને બાહ્ય જગતના કોઈ પણ અવરોધ વિના સ્પષ્ટ સાંભળી શકું અને એ ધબકારમાં ધરબાયેલા સૂક્ષ્મ મર્મોને શાંત જીવે કાગળ પર ઉતારી શકું. મારા અને મારા લેખન વચ્ચે એક પણ વિક્ષેપ ઊભો ન થઈ શકે. એ જ સમય, એ જ વેળા.
દિવસે હું આરામ કરવાને પ્રાધાન્ય આપું. મારા લખાણ માટેના રિસર્ચ, સંશોધનો, વિષયને લગતા પ્રિન્ટ્ આઉટ, એ અંગે ભિન્ન ભિન્ન પુસ્તકોનું વાંચન, પુસ્તકો લાવવા તેમજ પરત કરવા, લાઈબ્રેરી જવું જેવા બધા જ કાર્યો મારે દિવસ દરમિયાન પતાવવાના હોય. આજે હું અહીંની સ્થાનિક લાઈબ્રેરીની મુલાકાત લઈ આવ્યો હતો. મારા શહેરની કેન્દ્ર લાઈબ્રેરીની સરખામણીમાં અહીંના પુસ્તકાલયનું કદ દસ ગણું નાનું હતું. પુસ્તકોની સંખ્યા અને એમનું વિષયવૈવિધ્ય બંને મર્યાદિત હતા.
પણ ' સમથિંગ ઈઝ બેટર ધેન નથીંગ. '
ફક્ત એક મહિના માટે મેં સભ્યપદની માંગણી કરી હતી. ફોર્મ અને ફી ભરવાની ઔપચારિકતા પણ નિભાવી દીધી હતી. ઔપચારિક પ્રક્રિયામાં હજી બે દિવસ નીકળી જશે એવી માહિતી મને પૂરી પાડવામાં આવી હતી. પરંતુ નેશનલ બૅસ્ટ સેલર લેખક હોવાને નાતે મને ચોક્કસ વિશિષ્ટ અધિકારની ભેટ મળી હતી. જે પણ સમયે, જેટલા પણ પુસ્તકો જોઈતા હોય મને મળી રહેવાના હતા. કોઈ પણ ઔપચારિક નિયમોથી હું મુક્ત હતો. લાઈબ્રેરીયન મને એ જ ઘડીએ પુસ્તકો આપવા તૈયાર હતી. પરંતુ મારી યાદી હજી ક્યાં તૈયાર હતી ? હજી પુસ્તક લખવાનો શુભ આરંભ જ ક્યાં થયો હતો ? હજી તો વિષય જ.
સ્ટડી ટેબલ ઉપરના રીડિંગ લેમ્પના અજવાસમાં ખુલ્લી બારીમાંથી પ્રવેશી રહેલી ઠંડી હવાની લહેરથી ફરફર થઈ રહેલા સફેદ, તદ્દન કોરા કાગળો નિહાળી મારું માથું તાણથી ભમી રહ્યું હતું. મનાલી આવી પહોંચવાને ત્રણ દિવસો પસાર થઈ ચૂક્યા હતા. હજી એક પણ શબ્દ કાગળ પર કંડારાયો ન હતો. કંડારાય તો ત્યારે જ્યારે કંઈ સ્ફુરે. ઓરડાના સૂના સન્નાટામાં અચાનક કંઈક ખળભળાટ સંભળાયો. હું ચોંકી ઊઠ્યો. એ વિચિત્ર અવાજ રસોડાની દિશામાંથી આવી રહ્યો હતો. રાધા રાત્રિનું જમણ આપીને જતી રહી હતી. મેં જમી પણ લીધું હતું. લેખન માટે શયનખંડમાં આવવા પહેલા મેં રસોડાની વીજળી બંધ કરી દીધી હતી. ધીમે ધીમે રસોડા તરફથી આવી રહેલો એ વિચિત્ર અવાજ કાનમાં વધુ સ્પષ્ટ સંભળાવા લાગ્યો.
બારીમાંથી શયનખંડમાં ધસી રહેલી હવા વધુ પ્રબળ વેગ જોડે ટેબલ પર ગોઠવાયેલા કોરા કાગળોને ખંખોળવા લાગી. હું સ્ટડી ટેબલ છોડી ઊભો થયો. સાવચેતીભર્યા પગલાં જોડે હું રસોડાની દિશામાં ધીમે ધીમે આગળ વધ્યો. અંધકારમાંથી પડઘાઈ રહેલા એ વિચિત્ર અવાજથી મનમાં ભયની કંપારી પ્રસરી રહી હતી. ખબર નહીં કેમ એ જ ક્ષણે ડ્રાઈવર શ્યામે વર્ણવેલી ઘટનામાંથી કેટલાક શબ્દો મારી સ્મૃતિમાં તાજા થવા લાગ્યા.
હત્યા ... ઝેર ... આત્મા ...
એ સ્મૃતિએ મારા શરીરને ધક્કો આપ્યો હોય એમ મેં શરીરની ઝડપ વધારી નાખી. હું રસોડામાં પહોંચ્યો જ કે એક મોટા અવાજ જોડે કશુંક મારા શરીર પર અફળાયું. મારા શ્વાસ અઘ્ધર થઈ ગયા. મારું હૃદય હાથમાં ન આવી પડે એ ભયાવહ અનુભૂતિ જોડે મેં તરત જ રસોડાની વીજળીની સ્વીચ ઓન કરી નાખી. મારા પગ ઉપરથી પસાર થઈ રહેલી એક મોટી કાળી બિલાડીએ પોતાની ચળકતી આંખ વડે મને એક વેધક દ્રષ્ટિએ તાક્યો. હું થરથરી ઊઠ્યો. મારી અંદર ભયનું વંટોળ ઉભું કરી એ અત્યંત ઝડપથી રસોડાની બારીમાંથી ઝંપલાવી બહારના ઘટ્ટ અંધકારભર્યા વાતાવરણમાં કશે ઓગળી ગઈ. પોતાની જાતને હેમખેમ સંભાળતા મેં એક નજર રસોડાની પરિસ્થતિ પર નાખી.
મોડી રાતે પીવા માટે અગાઉથી કાઢી રાખેલા મારા દૂધના ગ્લાસ ઉપરનું ઢાંકણ ભોંય ભેગું થઈ ગયું હતું. રસોડાના પ્લેટફોર્મ ઉપર ઢોળાઈ ગયેલ દૂધ ધોધનું સ્વરૂપ ધારણ કરતું પ્લેટફોર્મની ઊંચાઈ પરથી નીચે ભોંય પર ટપ...ટપ ... અવાજ કરતું વહી રહ્યું હતું. મેં અકળામણ સાથે એક ઊંડો શ્વાસ ખેંચ્યો. લખવાના સમયે મને કોઈ પણ પ્રકારની અન્ય પ્રવૃત્તિમાં સંડોવાવું જરાયે ગમતું નહીં. મને ભારોભાર રીસ ઉપજી રહી હતી. પરંતુ અહીં આ ભાડાના મકાનમાં હું એકલો હતો. અહીં મારી પત્ની જોડે હતી નહીં. નહીંતર મારે ફક્ત એક હુકમ છોડવાની રાહ હતી.
" અનન્યા, પ્લીઝ હેલ્પ મી આઉટ. "
અને એ દોડતી આવી હોત. તરત જ બધી સાફસફાઈ કરી નાખી હોત. એટલું જ નહીં સાથે સાથે મારા માટે એક બ્લૅક કોફી પણ બનાવી આપી હોત. પરંતુ...એની વેઝ ..
વિચારોમાં સમય નકામો વેડફવાની જગ્યાએ મેં ઝડપથી જાતે જ સાફસફાઈ કરી નાખવાને પ્રાધાન્ય આપ્યું. દૂધનો એક અન્ય ગ્લાસ પીવા માટે તૈયાર કરી નાખ્યો. દૂધનો ગ્લાસ સાથે લઈ હું રસોડામાંથી બહાર નીકળવા તૈયાર થયો કે મારી નજર રસોડાની અલમારીના અત્યંત નીચે તરફના ડ્રોવર પર ગઈ. મારી આંખો એ ખૂણામાંથી થોડા ઉઘડેલા ડ્રોવર ઉપર સ્થિર જડાઈ બેઠી. દૂધનો ગ્લાસ મેં ફરીથી પ્લેટફોર્મ ઉપર પરત મૂકી દીધો. એ ડ્રોવર મને પોતાની તરફ ચુંબક સમું આકર્ષી રહ્યું. મારું મગજ સંપૂર્ણપણે મારા મનના વશમાં આવી ગયું હતું. મનને અનુસરતો હું ધીમે ધીમે એ ડ્રોવરની તરફ આગળ વધ્યો. જેમ જેમ હું એ ડ્રોવરની દિશામાં ધપી રહ્યો હતો એની અંદર ચળકતી વસ્તુ વધુને વધુ લોભ જન્માવી રહી હતી. હું કમરમાંથી બેવડ વળ્યો. હાથ વડે આખું ડ્રોવર બહાર તરફ ખેંચી કાઢ્યું. ચળકી રહેલો એક મોટો તેજ ધારવાળો છરો જોતજોતામાં મારા હાથમાં આવી ગયો. હું સંભાળીને ટટ્ટાર ઊભો થઈ ગયો. મારી નજર એકધારી એ તેજધારી છરાની નોકને નિહાળી રહી. મનોમંથન વેગ પકડવા લાગ્યું. સવારે ટીવીના પડદા ઉપર ઝળહળી ઉઠેલા બ્રેકિંગ ન્યુઝનો એક એક શબ્દ નજર આગળ તરવા લાગ્યો. એ સમાચાર જોડે ફેલાયેલી અરેરાટી હું મારી નસ નસમાં અનુભવી રહ્યો. શરીરનું લોહી રગોમાં જાણે ઉકળતા પાણી જેવું ખદખદ થઈ ઊઠ્યું.
વિચારોની સુનામી ચકરાવે ચઢવા લાગી. વર્તમાન, ભૂતકાળ, ભવિષ્યકાળ... કાળનું ચક્ર તીતરવિતર થઈ ગયું, છિન્નભિન્ન થઈ ગયું. મારા કાનમાં એક ચીસનો પડઘો પડ્યો. જાણે કોઈ મારી મદદની યાચના કરી રહ્યું હતું. પણ હું વિવશ હતો, લાચાર હતો, નિર્બળ હતો. અચાનકથી મારા કાનમાં કેટલાક અટ્ટહાસ્ય જોરશોર પડઘો પાડી રહ્યા. જાણે હું એ અટ્ટહાસ્યનું કેન્દ્ર હતો, કારણ હતો અને નિશાન પણ. મારા શરીરમાંથી જાણે વીજળીનો એક જોરદાર પ્રવાહ પસાર થઈ ગયો. એના આંચકાથી મારું અંતર ફાટી પડયું. એ અટ્ટહાસ્ય ધીમે ધીમે હળવા થયા અને એને અતિક્રમી કેટલાક મંદ ડૂસકાંઓ મારી શ્રવણ ઈન્દ્રિયમાં પોતાનું સ્થળ બનાવી રહ્યા. એ ડૂસકાંઓથી હૈયાના હજાર ટુકડાઓ થઈ ગયા. મારું કાળજું વીંધી રહેલા એ ડૂસકાંઓ ધીમે ધીમે વધુ ઊંચા અવાજમાં કાનમાં પડઘાવા લાગ્યા. એ ડૂસકાંઓમાં નીતરી રહેલી વેદના સંવેદના જીરવવી અસહ્ય થઈ પડી.
હાથમાંનો ધારદાર છરો હવે ધ્રૂજવા માંડયો. મારી લાલચોળ આંખો ધ્રૂજતા છરાને મક્ક્મતાથી તાકી રહી. કાન પાછળથી પરસેવાનો રેલો ગળા પર ફરી વળ્યો. નજર આગળની સૃષ્ટિ ગોળ ગોળ ચક્કર કાપવા લાગી. મેં મારો ડાબો હાથ આગળ વધાર્યો. કાંડા ઉપરની લીલી નસોમાંથી એક સ્પષ્ટ દ્રષ્ટિમાન નસ પર ગમે તેમ ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કર્યો. એ નસની બરાબર મધ્યમાં મેં છરાની અણીદાર નોક ગોઠવી દીધી.
ક્રમશ ...
