STORYMIRROR

mariyam dhupli

Drama Crime Thriller

4  

mariyam dhupli

Drama Crime Thriller

આત્મસાત : ૩

આત્મસાત : ૩

5 mins
362

ચાની ચુસ્કી લેતા હું બારી પાસે ઊભો મનાલીનો સૂર્યોદય નિહાળી રહ્યો હતો. સૂર્યની સોનેરી કિરણો મારા યંત્રવત ધમધમતા શહેર કરતા આ સ્થળને વધુ ઉમળકા જોડે બાહુપાશમાં લેતી હતી. એ વાત મનમાં મીઠી ઈર્ષ્યા જન્માવી રહી હતી. વાહનોનો કાળો ધુમાડો સવાર સવારમાં જ અહીં આકાશને કાળું મેશ કરી શકતો નહીં. અહીંના સ્વચ્છ આકાશમાં એક એક વાદળનો આકાર સ્પષ્ટ નિહાળી શકાતો હતો.

બાળપણથી જ મને વાદળોમાં આકાર અને આકૃતિ શોધવાની રમત ગમતી. જાણે કે દરેક વાદળ કોઈ ગુપ્તચર બની પ્રકૃતિનો છૂપો, રહસ્યાત્મક સંદેશ માનવીને પહોંચાડી રહ્યું હોય. આજે એ વાદળોમાં આકૃતિ સહેલાઈથી શોધી શકાતી હતી. શહેરના મારા ફ્લેટની બાલ્કનીમાંથી પહેલા તો પ્રદૂષણના કાળા થર વચ્ચેથી વાદળો શોધવાની મથામણ કરવી પડતી. એ વ્યર્થ પરિશ્રમ અહીં ગેરહાજર હતો. આંખોની સામે ત્રણ વાદળોનો સમૂહ આકાશમાં તરી રહ્યો હતો. એકબીજાની અત્યંત નજીક. મારી કલ્પના શક્તિ એની સર્જનાત્મક ફરજ પર લાગી.

આ શું ?

ત્યાં કોઈની હત્યા થઈ રહી હતી ? એક વાદળ કોઈ શબ જેમ હાથ ફેલાવીને પડ્યું હતું. બીજા બે વાદળો બંને હાથમાં કોઈ ભારેખમ શસ્ત્રો વડે એ મૃતદેહ ઉપર હજી ઘા કરી રહ્યા હતા. ચાના કપમાંથી ઊઠી રહેલી વરાળ મારા ચહેરાને ભેજવાળો કરી રહી હતી કે પછી મને ભયથી પરસેવો છૂટી રહ્યો હતો ?

" સાબ, કોઈ આપસે મીલને આયા હે. "

મધ જેવા મીઠા શબ્દોએ મને ક્રૂર કલ્પનાજગતમાંથી સમયસર ઉગારી લીધો. બાળપણની રમત રમતી પુખ્તતાને કોઈ પારખી ન જાય એ હેતુસર મેં ઝડપથી પડદો બારી પર ઢાંકી દીધો.

ડ્રાઈવર શ્યામની પંદરેક વર્ષની તરુણ દીકરી મારા માટે સવારની ચા અને નાસ્તો લઈ આવી હતી. જે ઝડપથી એ મકાનની સાફસફાઈ કરી રહી હતી એ નિહાળતા એટલું તો સમજાય જાય કે પૈસાના અભાવે નાનપણથી જ શાળાએ જવાની જગ્યાએ માતાનું કાર્યબોજ વહેંચી લેવા એ ટેવાઈ ગઈ હતી. મેં મારા શહેરમાં ઘણા તરુણોનું ધ્યાનપૂર્વક નિરીક્ષણ કર્યું હતું. આડોશપાડોશનાં ફ્લેટમાં રહેતા એ તરુણો જુદી માટીના હતા. ડિઝાઈનર વસ્ત્રોમાં લદાઈ રહેતા, રાતદિવસ પાર્ટીની વાતો કરતા, બજારમાં રજૂ થતી નવી ટેક્નોલોજી પર મા બાપના પૈસે તૂટી પડતા, વાતે વાતે હતાશ થઈ જતા એ તરુણો અને મારી આગળ ઉપસ્થિત આ તરુણી બે જુદા ગ્રહના પ્રાણીઓ હતા. બે ભિન્ન પ્રકારની તરુણાવસ્થાના ભિન્ન વિકાસ, વિચાર, ઉછેર અને પરિસ્થિતિનું તુલનાત્મક નિરીક્ષણ મારા નિષ્ક્રિય મગજમાં નોંધાઈ ગયું. ખબર નહીં કયા પુસ્તકના, કયા સ્થળના, કયા પાત્રપરિવેશના ઘડતરમાં મને એ જ્ઞાન કામ લાગવાનું હતું ?

એક તુલના સમાપ્ત થઈ નહીં કે મગજે બીજી તુલનાનું ગણિત માંડ્યું. શ્યામની દીકરી અને એની પત્ની, રાધા વચ્ચેની તુલના. શ્યામની નાજુક,નમણી છતાં સુંદર વ્યક્તિત્વ ધરાવતી દીકરી એની માતા જેવી જરાયે ન હતી.એ શ્યામ જેવી હતી. દેખાવમાં પણ અને સ્વભાવમાં પણ. પિતાની જેમ જ કામથી કામ રાખનારી. ઓછું બોલનારી. વધુ સાંભળનારી. એની નજર કામ પરથી હટી અહીંત્યાં નકામા ચક્કર કાપતી નહીં. કોઈ આગળથી વાત ન છેડે તો એ ચૂપ રહેવાને જ પ્રાધાન્ય આપે. જયારે સરખામણીમાં એની માતાનો વર્તન વ્યવહાર થોડો અટપટો અને અકળામણ જન્માવનારો હતો. પાતળી, કસાયેલી કાયા. જીવનની હાડમારીનો થાક ચહેરા પર સ્પષ્ટ પ્રતિબિંબ પાડતો. એની મોટી મોટી ચકળવકળ આંખો જે વસ્તુ પર પડે તેનો એક્ષરે કાઢી નાખે. હું શું કરું છું, ક્યાં છું એ જાણકારી મેળવવા એની જાસૂસ જેવી ચારે દિશામાં ચક્કર કાપતી નજર સતર્ક રહેતી. પહેલી મુલાકાતમાં જ મારી ઉપર પ્રશ્નોનો વરસાદ વરસ્યો હતો. પણ એના પ્રશ્નોના જવાબ આપવા મારી ફરજ ન હતી એ પહેલેથી જ નિશ્ચિત કરી નાખવા મેં એના પ્રશ્નોના ઉત્તર આપવાનું નફ્ફટાઈપૂર્વક ટાળ્યું હતું.

એ રાત્રે આવી હતી. રાત્રીનું જમણ પહોંચાડવા. એના શરીરના હાવભાવોમાં અનેરી રહસ્યાત્મક્તા છલકાઈ રહી હતી. એની ચપળ નજર જે રીતે મકાનનું, મારા સામાનનું દૂરથી સૂક્ષ્મ નિરીક્ષણ કરી રહી હતી એ જોતા એવું લાગ્યું જાણે એને મારા પર શંકા જન્મી હતી. બારણું ખોલવામાં મેં પણ થોડો વધુ જ સમય લગાવ્યો હતો. કદાચ એટલે જ. પણ જો ગઈકાલે રાત્રે એણે સમયસર ડોરબેલ ન વગાડી હોત તો ... તો ... ?

દૂરંદેશી વિચારથી મારું અંતર દીનદહાડે જ ગઈકાલ રાત્રી જેમ અતિ વેગે ધડકવા માંડ્યું. હાથમાંનો ચાનો કપ સહેજ ધ્રૂજ્યો. ચહેરાનો રંગ બદલાયો. પગમાં કંપારી છૂટી.

" આપ ઠીક હો ના, સાબ ? "

" હા ...હા..." આગળ શું બોલવું, શો ઉત્તર આપવો એ માટે હું શબ્દો ફંફોસવા માંડ્યો. મારી વણસેલી સ્થિતિ મારી સામે તાકી રહેલી તરુણ દ્રષ્ટિ પામી ન જાય એ ધ્યેય જોડે મેં હાથમાંનો ચાનો કપ શીઘ્ર ટેબલ પર ગોઠવી દીધો. ચહેરા ઉપર ઝડપથી હાથ ફેરવ્યો. અત્યંત સ્વસ્થ હોવાનો ડોળ રચતા મેં વાતને ચતુરાઈપૂર્વક અન્ય દિશામાં વાળી લીધી.

" કોન આયા હે ? "

આખરે એ તરુણ દ્રષ્ટિ મારા ચહેરા પરથી હટી પાછળની દિશામાં ફરી.

" સાબ, વકીલ સાબ હે. યહીં પાસમેં હી રહેતે હે. બોલે કે આપસે મીલના હે. "

મહેમાનને ઉત્તર આપવા માટે મારા ઉત્તરની રાહ જોતી એની નજર ફરી મારી દિશામાં વળી. થોડા ડગલાં દૂર જઈ મેં હળવેથી અલમારી ખોલી. અલમારીમાં ક્રમબદ્ધ ગોઠવેલા વસ્ત્રો વચ્ચેથી મારો હાથ પર્સની શોધમાં મથ્યો. અચાનક હાથની આંગળીઓ જોડે કોઈ સખત સ્પર્શ થયો. પાછળ રાહ જોઈ રહેલું તરુણ શરીર અલમારીમાં કશું નિહાળી ન શકે એટલા સુરક્ષિત અંતરે હતું. મને એ વાતનો હાશકારો થયો. આમ છતાં અલમારીની અંદરના સામાન તરફ દ્રષ્ટિ ફેંકવા માટે મારી પીઠ પાછળ રાહ જોઈ રહેલું શરીર ન આકર્ષાય કે ન લલચાય એ હેતુસર સંશોધન યથાવત રાખતા મેં ઔપચારિક ઓળખાણ તરફ એનું ધ્યાન શાબ્દિક રીતે હડસેલવા ચાલાક પ્રયાસ કર્યો.

" નામ ક્યા હે તુમ્હારા ? "

થોડી શરમ અને થોડા સંકોચ જોડે એણે પોતાનું નામ મારા કાન સુધી પહોંચાડ્યું.

" વિદ્યા."

જાણે કોઈએ હળવો વ્યંગ રજૂ કર્યો હોય એમ એ નામ સાંભળતા મારા ચહેરા પર એક કટાક્ષસભર સ્મિત ફરી વળ્યું. મેં મનમાં ફરી એકવાર એ નામનું ઉદ્દગારચિન્હ જોડે ઉચ્ચારણ કર્યું.

' વિદ્યા ! '

અને પછી પોતાનો જ વિવેચક બની જાતને ઠપકારી. એ ભલે શાળાએ જતી ન હતી. ઔપચારિક ચાર ભીંતોવાળી શાળા એને પરવડતી ન હતી. પરંતુ ભીંતો વિનાની જીવનની અનૌપચારિક શાળાની તો એ એક તેજસ્વી વિદ્યાર્થિની હતી. જેના અભ્યાસક્રમ અંતર્ગત અત્યારે એ એક અતિ મહત્વનો વિષય શિસ્તબદ્ધ રીતે શીખી રહી હતી. 

' આર્થિક ઉપાર્જન '

વસ્ત્રો વચ્ચેથી જડેલા પર્સમાંથી મેં હળવેથી કેટલીક નોટ નીકાળી. પર્સ ફરીથી જગ્યા પર પૂર્વવત ગોઠવી મેં અલમારી તરત જ સતર્ક રીતે વાંસી દીધી. પાછળ ફરી રાહ જોઈ રહેલ તરુણ શરીર આગળ કેટલીક નોટ ધરતા આદેશ પણ નહીં અને વિનંતી પણ નહીં એવા બંનેની વચ્ચેના લ્હેકામાં કહ્યું,

" યે તુમ્હારે લીયે. ઉનસે કહો મેં આ રહા હું. "

નિશ્ચિત થયેલ પગારની રકમ ઉપર થોડી વધુ રકમ મળવાથી જાણે સ્વર્ગ મળ્યું હોય એવી ખુશી અને તૃપ્તિ બંને સાથે એ તરુણ આંખોમાં ફરી વળી. એણે પણ પિતાની જેમ જ પૈસાને બંને આંખો પર વારાફરતી અડાડયા અને પછી પોતાની ઓઢણીના છેડે એ રકમને ચુસ્ત બાંધી હરખભેર બહાર તરફ જતી રહી.

એના બહાર નીકળતા જ હું ધીમેથી પાછળની દિશામાં વળ્યો. ફરીથી અલમારી ખોલી. પેલી સખત વસ્તુનો સ્પર્શ ફરી એકવાર હાથને થયો. મેં ધીમે ધીમે વસ્ત્રોના આવરણ દૂર કર્યા. દુનિયાની નજરથી ત્યાં છૂપાવેલી એક નવી રિવોલ્વર હાથમાં આવી. મેં ધીમેથી એના પર એક હાથ ફેરવ્યો.

" આપ બેઠો. સાબ આ રહે હે. "

બહાર પ્રાંગણમાંથી ઘરે પરત ફરી રહેલી શ્યામની દીકરીનો અવાજ શયનખંડમાં પડઘાયો. મેં તરત જ રિવોલ્વર ફરીથી વસ્ત્રોના ઊંડાણમાં દાટી દીધી અને અલમારી ભાર દઈ બંધ કરી નાખી.     

શયનખંડમાંથી બહાર નીકળતા મનમાં એક જ પ્રશ્ન પડઘો પાડી રહ્યો હતો.

હજી હું કોઈ ગુનામાં સંડોવાયો જ ક્યાં હતો કે એક વકીલ મને એક અજાણ્યા શહેરમાં શોધતો આવી પડ્યો હતો ?

ક્રમશ:


ಈ ವಿಷಯವನ್ನು ರೇಟ್ ಮಾಡಿ
ಲಾಗ್ ಇನ್ ಮಾಡಿ

Similar gujarati story from Drama