આત્મસાત : ૨૦
આત્મસાત : ૨૦
અવિનાશની પેઈન્ટિંગ્સ મારી આંખો આગળ ઘેરાયેલી હતી. હવે તો એ મારો જ એક હિસ્સો બની ગઈ હતી. આજે હું એ દરેક પેઈન્ટિંગ્સમાં પોતાને પામી રહ્યો હતો. કલા માણતો વ્યક્તિ ક્યારેક એ કલામાં પોતાનું જ પ્રતિબિંબ શોધવા મથતો હોય છે. જ્યારે એ પ્રતિબિંબ મળી જાય છે ત્યારે એ કલા જોડે એની આત્મીયતા કેળવાય છે. અવિનાશની પેઈન્ટિંગ્સ જોડે મને એક અનેરી જ આત્મીયતાની અનુભૂતિ થતી. એવું લાગતું જાણે એ મારી જ અભિવ્યક્તિ હતી. મારા જ મનોભાવોનું પ્રતિબિંબ દર્શાવી રહી હતી. " આઓ, બેટા. " સ્વરાગિનીની વૃદ્ધ માતાએ બેઠક ખંડમાંથી મને અંદર તરફના ઓરડામાં પધારવાનું આમંત્રણ આપ્યું. હું સોફા છોડી ઊભો થઈ ગયો. મારી નજર, મારી આગળ ચાલતા, મને દોરી રહેલા વૃદ્ધ શરીર પર હતી. આજે એ શરીરના હાવભાવો અંતિમ મુલાકાતની સરખામણીમાં ઘણા જુદા હતા. આજે એ શરીર મડદાં જેવું નિર્જીવ ન હતું. આજે એમાં થોડો જીવ પરત થયો હતો. ચાલમાં ઉત્સાહ હતો. આજે એ આંખોમાં અંતિમ સમય જેવી લાચારી, વિવશતા, નિસહાયતા, પીડામાંનું કશું હાજર ન હતું. આજે એ દરેકનું સ્થળ આસ્થાએ લઈ લીધું હતું. જાણે જીવવાનો જોમ વ્યાજ સહિત પરત થઈ ગયો હતો. ઘરની જોડે અંતર પણ જીવંત થઈ ઉઠ્યું હતું. ખબર નહીં કેમ, એ બદલાયેલી નજર અને એમાં ઝીલાઈ રહેલા જોમ અને સાહસ મારા મનને પ્રસન્નતા અર્પી રહ્યા હતા. થોડું વિચિત્ર હતું. ઈટ વોઝ રિયલી ઍબ્સર્ડ ! એ લોકો મારા માટે અજાણ્યા હતા. હું એમને ફક્ત થોડા દિવસો પહેલા જ મળ્યો હતો. તો પછી એમના સુખ દુઃખ મને પ્રભાવિત કેમ કરી રહ્યા હતા ?
હું અંદર તરફના શયનખંડમાં પ્રવેશ્યો. મને નિહાળી સ્વરાગિની થોડી બેઠી થઈ. એની વૃદ્ધ માતાના કરચલીવાળા હાથ ઓશિકાને વ્યવસ્થિત કરી આપવા માટે માંગણી વિના જ ફરજનિષ્ઠ થયા. એક મા સાચે જ કદી રીટાયર થતી નથી. હું પથારીથી દૂર ગોઠવાયેલી ખુરશી પર બેઠો. મારી નજર સ્વરાગિનીની કપાયેલી નસ પર લગાવવામાં આવેલા મેડિકલ બેન્ડેજ પર પડી. એ નિહાળી મારા મગજમાં એક વિચિત્ર ઝબકારો થયો. એક ક્ષણ માટે અલમારીમાં છુપાવેલી રિવોલ્વર, એમાં બુલેટ ગોઠવી રહેલો મારો હાથ અને એનું ટ્રિગર દબાવવાની પ્રક્રિયા ...જાણે એક ફાસ્ટ ફોરવર્ડ ફ્લૅશ બેકની જેમ આખું દ્રશ્ય નજર આગળથી પસાર થઈ ગયું. કાન પાછળથી પરસેવાનો રેલો સરી પડ્યો. હાથનું કંપન અને પગનો ધ્રુજારો ઓરડામાં હાજર બંને સ્ત્રીઓની નજરે ન ચઢે એ પ્રમાણે સ્વસ્થતા અને વિશ્વાસના હાવભાવો દ્રઢ કરતા મેં ઔપચારિક પૂછપરછથી વાત શરૂ કરી. " હાઉ આર યુ ફીલિંગ નાઉ ? "હું અપેક્ષા રાખી રહ્યો હતો કે જવાબમાં કદાચ " અબ ઠીક હું. " કે " મચ બેટર " એવા શબ્દો સાંભળવા મળશે. પરંતુ સામે છેડે ઢળેલી નજરમાંથી જવાબમાં ફક્ત કેટલીક ખારી બૂંદો તબીબી બેન્ડેજને ભીનું કરી રહી. સ્વરાગિનીની માતા અમને એકાંત આપતા રસોડા તરફ નીકળી ગયા. મેં ધીમે રહી વાત આગળ વધારી.
" આઈ નો કી આપકે લીયે અવિનાશકી એહમીયત ક્યા થી. ઉસકે બીના જીના ...લેકિન સચ કહું તો અવિનાશ કહી નહીં ગયા. વો યહીં હે આપકે સાથ, મનાલીકે સાથ. ઉસ દીન આર્ટ ફેસ્ટીવલમેં મૈને અપની આંખોસે દેખા. ઈતના પ્યાર, ઈતની ઈઝ્ઝત ... ક્યા ઈંસાનકા સાથ સિર્ફ શરીરકે ઝરિયે હી મિલતા હે ? "
આશ્વાસન આપવા લાગણીના વહેણમાં હું કદાચ થોડો વધારે પડતો આગળ વધી ગયો. એ અંતિમ પ્રશ્ન સ્વરાગિની માટે હતો ? કે હું પોતાને જ કશું સમજાવી રહ્યો હતો ? કે પછી પ્રેમ વિશે વાંચેલા ફિલોસોફીના પુસ્તકોનું જ્ઞાન મારા નિષ્ક્રિય મગજમાંથી પરિસ્થિતિ વશ સક્રિય મગજમાં ઠલવાઈ રહ્યું હતું ?
" શરીર તો સિર્ફ એક ઝરિયા હે. છુના, મહેસુસ કરના, બદનકી ખુશ્બુ... યે સબ શરીરકી જરૂરતે હે, દિલકી નહીં. દિલ કો છુને કે લીયે બદનકી જરૂરત નહીં પડતી. દિલ તો હર હાલમે સબકુછ મહેસુસ કર સકતા હે. જો હે વો ભી ઔર જો નહીં હે વો ભી. અવિનાશ કો પ્યાર કરને કે લીયે અગર અવિનાશકા યહાં હોના જરૂરી હે, શર્ત હે તો ફીર યે પ્યાર હે યા ... ? "
ભીંજાયેલી આંખો જે રીતે ઉપર તરફ ઊઠી એ નિહાળી મારી વાતોની અસરકારકતા પર મને વિશ્વાસ બેઠો. મને થોડું પ્રોત્સાહ મળતા મેં વાર્તાલાપને અંતિમ ચોટદાર સ્પર્શ આપવાનો પ્રયાસ કર્યો.
" જબ હમ પ્યાર કરના છોડ દેતે હે તો ખુદકો ભૂલ જાતે હે. આપને શાયદ અવિનાશકો પ્યાર કરના છોડ દીયા હે તભી આપ ખુદકો ભૂલ ..."
પથારી પર ગોઠવાયેલા શરીરમાંથી રુદનનો ધોધ વહી પડ્યો. મેં મારું વાક્ય સમેટી લીધું. લાંબા સમયથી અંતરમાં ધરબી રખાયેલો સમુદ્ર એક સામટો ધસમસતો બહાર તરફ ઉમટી આવ્યો. સ્વરાગિનીના હૈયાફાટ રુદનના સ્વરથી એની ઘરડી માતા ચિંતામાં સૌ કામ પડતું મૂકી રસોડા તરફથી શયનખંડ તરફ દોડતા હાંફતા આવી પહોંચ્યા. એ ઓરડાની અંદર પ્રવેશ કરે એ પહેલાં જ મેં હાથના ઈશારા વડે એમને દરવાજા પાસે જ અટકી જવાનો સંકેત કર્યો. મારા સંકેતનો ભાવાર્થ સમજી અને સ્વીકારી તેઓ ઓરડાની બહાર તરફ જ રોકાઈ ગયા. અંદરનો ઘૂંટાતો પ્રવાહ બહાર વહી જ જવો જોઈએ. જો એ અંદર જ ઘૂંટાતો રહે તો ધીરે ધીરે ઝેર બની જાય અને ... મારું અંતર ' અને ' શબ્દ પર જ સ્તબ્ધ થઈ ગયું. એક મૌન ડૂસકું મારા ગળા નીચે સરકી પડ્યું. સ્વરાગિનીને એકાંત પૂરું પાડવા હું ધીમા ડગલે એના શયનખંડમાંથી બહાર નીકળી આવ્યો. દરવાજા નજીક ઊભા વૃદ્ધ શરીર તરફ આદરપૂર્વક બે હાથ જોડી કશું પણ બોલ્યા વિના મુખ્ય બારણાં તરફ આગળ વધી ગયો.
" શુક્રિયા "
મકાનના પ્રાંગણમાં પહોંચી ગયેલા મારા ડગલાં થોડી ક્ષણો માટે થંભી ગયા. હું ધીમે રહી પાછળ ફર્યો. ઘરડું શરીર હાંફતું હાંફતું મારી નજીક પહોંચ્યું. મારા માથાને બંને હાથની હથેળીમાં ભરી કાંપી રહેલા વૃદ્ધ હોઠ મારા કપાળ પર મમતા અને કૃતજ્ઞતાના સ્પર્શ જોડે અડ્યા. મારા શરીરના રુંવાડા ઊભા થઈ ગયા. એવું લાગ્યું કે જાણે બા ...મારી આંખમાં ભેગું થવાની તૈયારી કરી રહેલું પાણી એ અનુભવી આંખો કળી જાય એ પહેલા હું શ્યામની પડખે કારમાં ગોઠવાઈ ગયો.
" ચલો. "
જેમ બને તેમ એ કાર જલ્દીથી એ સ્થળથી દૂર નીકળી જાય એ માટે અતિ ઉતાવળ જોડે મેં ફક્ત એક જ શબ્દથી ઝડપી આદેશ પહોંચાડ્યો. મારા મનની ગૂંગળામણ અસહ્ય બનતા મેં એક ઊંડો શ્વાસ ભરી બહાર તરફ છોડ્યો. ગાડીની બારીનો કાચ નીચે ઉતારી તાજી હવા અંદર લેવા મથ્યો. મારી આંખોની ભીનાશ શ્યામની નજરે ન ચઢી શકે એ રીતે મારી ગરદન મેં બારીની દિશામાં ફેરવી લીધી. હિલસ્ટેશનના અંધકારમાં ઝળહળી રહેલા ઝગમગ સિતારાઓ જેવા મકાનો પર મારી નજર ઠરી કે એફએમનું ગીત મનના બારણે ટકોરા પાડવા લાગ્યું. " કોન હું મેં ? પહેલે ખુદ તો જાન લું, જાન પહેચાન આપસે બાદમેં હોતી રહેગી ... "એ ગીતના શબ્દો પૃષ્ઠભૂમિમાં ઝીલતા મેં ધીમે રહી મારો મોબાઈલ બહાર કાઢ્યો. અનન્યાના ઘણા બધા સંદેશાઓ મારી રાહ જોતા બેઠા હતા. વીસેક જેટલી તસવીરો હતી. એની શાળાના વાર્ષિકોત્સવની. એના હાથમાંની ટ્રોફી ઉપર ' બેસ્ટ ટીચર ઓફ ઘી યર 'નું સન્માન ઝળહળી રહ્યું હતું. સામાન્ય રીતે અનન્યાએ ફોરવર્ડ કરેલી એની તસવીરો મારી ગેલેરીમાંથી નજર પડ્યા વિના જ ડિલીટ થઈ જતી. મને નકામી ' સ્પેસ ' રોકાય એ ગમતું નહીં. લગ્નના આટલા વર્ષોમાં પહેલીવાર મેં એની તસવીર ગેલેરીમાં જઈ ખોલી. એટલું જ નહીં, ઝૂમ કરી અનન્યાનો ચહેરો ધ્યાન દઈ તાક્યો. એનું સુંદર નાનું નાક, એના ભરાવદાર ગાલ, લાંબા ઘટ્ટ વાળ, એની મધ્યમ કદની ચળકતી આંખો અને દર વખત જેમ ખપ પૂરતું જ મેકપ. મારા મનમાં કશોક સળવળાટ થયો. ખુદથી જ છોભીલો પડી મેં આમ તસવીરને એકીટશે જોયા કરવાનું બંધ કર્યું. પણ ગેલેરીમાંથી બહાર નીકળવા પહેલાં અનન્યાની ટ્રોફીવાળી સેલ્ફી ગેલેરીમાં સેવ કરી લીધી. ઓકવર્ડ અનુભવતા મનને સમજાવી દીધું. આટલી બધી ' સ્પેસ ' છે. એમાંથી થોડી ' સ્પેસ ' આપવાથી શો ફેર પડે ? મોબાઈલ ફરીથી ખિસ્સામાં મૂકતા મનમાં અજીબ વ્યાકુળતા પ્રશ્ન બની ઉમટી પડી. શું આજે રાત્રે અનન્યા વિડિયો કોલ કરશે ?
એક મિનિટ,
આ શું હતું ? શું હું હંમેશા જેનાથી ભાગતો ફરતો હતો આજે એ જ અનન્યાના વિડિયો કોલની રાહ જોઈ રહ્યો હતો ?
ક્રમશ:
