આત્મસાત : ૧૫
આત્મસાત : ૧૫
હોસ્પિટલના કોરિડોરના બાંકડા પર હું બેઠો હતો. મારી હાથની આંગળીઓ એકબીજાની અંદર બહાર નીકળતી મારા અંતરમાં ચાલી રહેલા મનોમંથનનો પુરાવો આપી રહી હતી. હું ખૂબ જ વિહ્વળ હતો. કદાચ આખી રાત બરાબર ઊંઘ ન આવવાને કારણે મારી આંખોનો રંગ લાલચોળ હતો. માથાના વાળ અસ્તવ્યસ્ત હતા. ઈસ્ત્રી વગરનો શર્ટ, ચોળાયેલી ડેનિમ, મારી લઘરવઘર હાલત જોઈને કદાચ કોઈને પણ વિશ્વાસ ન આવે કે હું નેશનલ બેસ્ટ સેલર આપનાર એક પ્રખ્યાત લેખક હતો.
થોડીવાર બેસીને રાહ જોયા પછી હું બાંકડા પરથી ઊભો થઈ ગયો. મારી બેચેની પરાકાષ્ઠાએ પહોંચી ચૂકી હતી. હું અહીંથી ત્યાં કોરીડોરમાં એકધારા ઝડપી ચક્કર કાપવા લાગ્યો. જાણે કે શરીરનું ઝડપી હલનચલન મનમાં ચાલી રહેલા ઘમાસાણ યુદ્ધને શાંત કરી નાખવાનું હોય. પણ એ યુદ્ધ તો શાંત થવાથી રહ્યું. મારા હૃદયના ધબકાર એટલી ગતિ પકડી ચૂક્યા હતા કે અત્યંત ઊંડા શ્વાસ ભરવાથી પણ જીવ હેઠે બેસી રહ્યો ન હતો. શું કરું ? શું નહીં ? મારા મગજની અંદર કશું જોર જોર અફળાઈ રહ્યું હતું. એ અનુભૂતિ જીવ લઈ રહી હતી. મને મારી એ અસહ્ય હાલતમાંથી ગમે તેમ પણ છૂટકારો મેળવવો હતો. એ જ સમયે એક નર્સ આઈ. સી. યુ.ના ઓરડામાંથી ધીમે ડગલે બહાર નીકળી આવી. હું તરત જ એની દિશામાં ધીરજ ધર્યા વિના ધસી ગયો. મારા આમ અચાનક નજીક આવી જવાથી એ થોડી ડરી ગઈ. એના ડગલા મારા શરીરથી સુરક્ષિત અંતર બનાવતા થોડા પાછળ હટી ગયા.
" હાઉ ઈઝ શી ? "
મારી પહોળી ફાટેલી આંખોમાં ડર અને ચિંતાનું તાણયુક્ત સંગમ ઉપસી આવ્યું. મારો પ્રશ્ન અપેક્ષિત હતો. આમ છતાં એને શીઘ્ર ઉત્તર સૂઝયો નહીં. જયારે ડોક્ટર કે નર્સ શીઘ્ર ઉત્તર ન આપે કે જવાબ ટાળે એ શુભ સંકેત તો ન જ હોય. સમાચાર ચોક્કસ સારા ન હતા. મારા મનમાં ખળભળાટ મચવા લાગ્યો. મારી છઠ્ઠી ઈન્દ્રિયને નર્સે સાચી પુરવાર કરી.
" ખૂન બહોત બેહ ગયા થા. શી વોઝ ઓલરેડી એનીમિક. વૅલ, લેટ મી બી ઓનેસ્ટ. ઉનકે પાસ જ્યાદા વક્ત નહીં હે. "
નર્સની આંખોમાં વ્યવસાયિક વ્યવહારુતા છલકાઈ રહી હતી. આગળ કશું લાંબું ભાષણ સાંભળવું ન હોય એ રીતે હું બારણે તરાપ મારતો આઈ. સી. યુ.માં ધસી ગયો. સ્વરાગિનીની બંને આંખો પહોળી ખુલ્લી હતી. એની અવદશા એક તરફ દયા પણ ઉપસાવી રહી હતી અને બીજી તરફ ભય પણ ઉપજાવી રહી હતી. એની હારેલી આંખોની નીચેના કુંડાળા અત્યંત ઊંડા ધસી ગયા હતા. એના શરીરનો દૂધ જેવો ધોળો રંગ આછા લીલા રંગમાં પરિવર્તિત થઈ ગયો હતો. એ ડરામણી લાગી રહી હતી. લોહી માટે ચઢાવવામાં આવેલી સીરીંજમાંથી ટપ ... ટપ ... કરતી સરી રહેલી લોહીની બૂંદનો અવાજ મારા કાનમાં ઉધમ મચાવી રહ્યો હતો. એના ચહેરા પર ચઢાવવામાં આવેલું ઑક્સિજન માસ્ક જાણે એક ઔપચારિકતા બનીને રહી ગયું હતું. ધીમે ધીમે એની તરફ આગળ વધતા મારી હેરતથી પહોળી થઈ ગયેલી કીકીઓ એને એકીટશે નિહાળી રહી હતી. વિશ્વાસ જ આવી રહ્યો ન હતો કે આ એ જ અપ્સરા હતી જે પેલે દિવસે મારી નજરની સામે બેઠી વાતો કરી રહી હતી.
મને નિહાળતા જ એણે ધીરે રહી પોતાનું ઑક્સિજન માસ્ક ચહેરા પરથી માંડ મહેનતે હટાવી નાખ્યું. ઑક્સિજન માસ્કની ગેરહાજરીને કારણે એના શ્વાસ ધીમે ધીમે વધુ ગતિ પકડવા લાગ્યા. સીરીંજમાંથી લોહીનો સંગ્રહ કરી રહેલ હાથના ઈશારા જોડે એણે મને પોતાની દિશામાં હજી નજીક આવવાનો મૌન સંકેત કર્યો. જાણે એ ઊંડી ધસી ગયેલી આંખોના સંપૂર્ણ વશમાં હોઉં એ રીતે હું પથારીની વધુ નજીક સરક્યો. અંતર હજી વધુ હતું એ સૂચવવા એણે ફરી એકવાર અશક્ત હાથને ગમે તેમ બળ આપી ઉપર ઉઠાવતા હાથના ઈશારા વડે મને હજી નજીક આવવાનો સંકેત કર્યો. મારા શુષ્ક ગળામાંથી થુંકનું થર તાણ પચાવતું ગળામાં ઉતરી પડયું. છતાં હિંમત ભેગી કરતો હું મારા કાનને એના કાળા પડી ગયેલા હોઠ નજીક લઈ ગયો. મારી બહાદુરીની એ ક્રિયાની પ્રતિક્રિયા આપતા એના હોઠ ધીરેથી ફફડી ઊઠ્યા. શરીરની વેદનાથી એનો ભારે થઈ ગયેલો અવાજ મને માહિતી કરતા ધમકી જેવો શા માટે અનુભવાયો ?
" મુજે સબ પતા હે. "
હું ચોંકી ઊઠ્યો. મારા બંને પગમાં કંપન શરૂ થઈ ગયું. મારા હાથમાં ધ્રૂજારી અનુસરવા લાગી. મગજની ચકડોળ ચકરાવે ચઢી ગઈ.
" જો કામ તુમ કરના ચાહતે હો વો મેં તુમ્હારે લીયે કર દું, તો ? " હવે એના શ્વાસ પરાકાષ્ઠાએ ફૂલી રહ્યા હતા. એ શ્વાચ્છોશ્વાસની ગરમીથી મારા કાનનું તાપમાન ઊંચે ઊઠી મારી શ્રવણ ઈન્દ્રિયને દઝાડી રહ્યું હતું. હું આગળ કંઈ વિચારું કે એક પણ શબ્દ ઉચ્ચારી શકું એ પહેલા એ અશક્ત હાથમાં થમાયેલી રિવોલ્વર મારા લમણાં પર ગોઠવાઈ ગઈ હતી. મારી આત્મા ધ્રૂજી ઊઠી.
" મુજે દેખો. થોડા દર્દ હોગા. લેકીન બાદ મેં આરામ હી આરામ. "
મારી નજર એના હાથમાં થમાયેલી રિવોલ્વર પર પડી. એ તો મારી રિવોલ્વર હતી. મારી રિવોલ્વર એના હાથમાં કઈ રીતે પહોંચી ? હું આગળ કોઈ પ્રતિક્રિયા આપી શકું એ પહેલા એની અશક્તિથી ધ્રૂજી રહેલી આંગળીએ ટ્રિગર દબાવી દીધું. મારા મોઢામાંથી પીડા કે શોક શબ્દો થકી ચીખી પડે એ પહેલા મારા માથામાંથી ગરમ લોહીની ધાર વહી પડી. એનું આખું મોઢું મારા લાલ ગરમ લોહીથી રંગાઈ ગયું. મારી શોકથી ફાટી પડેલી આંખો ખુલ્લી જ રહી ગઈ અને મારું શરીર એના શરીર પર ઢળી પડયું.
મારી ચીખ હોસ્પિટલના આઈ.સી. યુ. વોર્ડમાં ગૂંજી શકી નહીં, પરંતુ મારા શયન ખંડમાં બરાબરથી ગૂંજી. શું થઈ રહ્યું હતું એ સમજવા મારી નજર ચારે તરફ હેરતથી ફરવા માંડી. પથારીની ઉષ્માએ મને વાસ્તવિકતાથી અવગત કરાવ્યો. હું મારા ચહેરાને દરેક દિશામાંથી સ્પર્શ કરવા લાગ્યો. લોહીની ગરમ ધારને સ્પર્શી લેવાનો પ્રયાસ નિષ્ફ્ળ નીવડયો. આંખો સામે નર્સ કે ડોક્ટર નહીં, પણ શ્યામની દીકરી ઊભી હતી. એના હાથમાં થમાયેલી ટ્રેમાં મારો સવાર માટેનો નાસ્તો અને ગરમ ચાનો કપ હતો. કપમાંથી નીકળી રહેલી ગરમ વરાળની ભેજમાં બધું સ્પષ્ટ દેખાઈ પણ રહ્યું અને સમજાઈ પણ રહ્યું. શ્યામની દીકરી મને એવા હેરતભર્યા હાવભાવો વડે નિહાળી રહી હતી જાણે કોઈ અજાયબીભર્યા પ્રાણીને નિહાળી રહી હોય. હું થોડો છોભીલો પડયો. પોતાના શરીરના હાવભાવો પર નિયંત્રણ રાખતા મેં ટેવ પ્રમાણે આદેશ પણ નહીં અને વિનંતી પણ નહીં એવા લ્હેકામાં કહ્યું,
" શુક્રિયા ! ઉધર રખ દો. ''
નાસ્તાની ટ્રેને સ્ટડી ટેબલના એક ખૂણે સંભાળીને ગોઠવી એ મને વિચિત્ર નજર જોડે નિહાળતી ઘરની સાફસફાઈ કરવા ઉપડી ગઈ. એના જતા જ મેં એક મોટો ઉચ્છવાસ બહાર કાઢ્યો. બંને હાથના પંજા વડે ચહેરાનો પરસેવો દૂર હડસેલવાનો પ્રયાસ કર્યો. મારા હૃદયના ધબકાર હજી પણ સામાન્ય થવાનું નામ લઈ રહ્યા ન હતા. શ્યામની દીકરીએ બહાર આંગણું વાળવાની શરૂઆત કરી. એ અવાજ સાંભળી એની તલ્લીનતાનો લાભ ઉઠાવતો હું ચોર ડગલે અલમારી સુધી પહોંચ્યો. બીજી જ ક્ષણે ક્રમબદ્ધ વસ્ત્રોની હરોળ વચ્ચે મારો હાથ તપાસ માટે કાર્યરત થયો. રિવોલ્વર મારા હાથમાં આવી. મેં ધ્યાન દઈ એનું ક્ષણિક ઝડપી નિરીક્ષણ કર્યું અને પછી કોઈની નજર પડે એ પહેલા જ ફરીથી વસ્ત્રોની હરોળ વચ્ચે એને છુપાવી દીધી.
રિવોલ્વર એની જગ્યા પર હતી અને સ્વરાગિની હોસ્પિટલમાં. માંડ માંડ શાંત થયેલા જીવને હજી આરામ આપવા માટે મેં ગરમ ચાનો કપ હાથમાં લઈ લીધો.
ક્રમશ ...
