આત્મસાત : ૧૧
આત્મસાત : ૧૧
રાધા રાત્રિનું જમણ આપીને જતી રહી હતી. એ જમણ રસોડાના ટેબલ પર એમનું એમ ટાઢું થઈ રહ્યું હતું. આખા મકાનની વીજળી બંધ હતી. મને અંધકાર જોઈતું હતું. હું મારા સ્ટડી ટેબલ પર બેઠો હતો. શયનખંડની વીજળી પણ બંધ હતી. બહાર તરફના થાંભલા પરનો પ્રકાશ આ ઓરડામાં નહીંવત જીલાતો. એક તરફ ટેબલ લેમ્પમાંથી પ્રતિબિંબિત જરૂર પૂરતો પ્રકાશ અને બીજી તરફથી મારા લેપટોપમાંથી નીકળી રહેલો પડદા પરનો યાંત્રિક પ્રકાશ. એ બંને પ્રકાશના સ્ત્રોતો વચ્ચે મારો હતાશ અને થાકેલો ચહેરો ઝળહળી રહ્યો હતો. આ ચહેરો સો ટકા જુદો હતો. એ ચહેરા કરતા જે દિવસના પ્રકાશમાં સૌને મળી આવ્યો હતો. એક નેશનલ બેસ્ટ સેલર પુસ્તકના જાણીતા લેખકનો ચહેરો. જેને સૌ અઢળક માન સન્માન આપતા. જેને નિહાળતાં જ સૌ અભિપ્રેરિત થઈ જતા. જેનો ઓટોગ્રાફ લેવા પડાપડી થતી. જેની જોડે સેલ્ફી ખેંચવા દેવાની આજીજી થતી.એવો એક પ્રતિભાથી ઝળહળતો તેજ ચહેરો.
ને એક આ ચહેરો. સંશોધનોના જુદા જુદા સ્રોતોમાંથી પસાર થયેલો, અઢળક પુસ્તકો ઉથલાવીને ઊંડે ઉતરેલી, કાળા કુંડાળા ધરાવતી આંખોવાળો, જુદા જુદા પ્રકરણો વચ્ચે સેતુ રચવા એના ક્રમાંક અંગે વારંવાર મનોમંથન કરી ચૂકેલો, તૈયાર કરેલા ' માઈન્ડ મેપ 'માં અગણિત ફેરફારો કરવાથી મૂંઝાયેલો, લખાઈ ગયેલા પ્રકરણોમાંથી ફરીથી લખવા માટેના પ્રકરણો ' રીરાઈટ ' માટે જુદા તારવી હાંફી ગયેલો, આગળના નવા પ્રકરણોના વિષય અંગે દ્વિધા અનુભવતો અને નવા પ્રકરણો જો સમયસર ન લખી શકાયા તો ...જેવી ચિંતા અને તાણથી ઘેરાયેલો એક સામાન્ય માનવીય ચહેરો.
અંતિમ ત્રીસ મિનિટથી હું ઓનલાઈન હતો. જુદી જુદી અનેક વેબસાઈટની મુલાકાતો લઈ લીધી હતી. એ દરેક વેબસાઈટ ઉપર ઉપલબ્ધ અવિનાશના પેઈન્ટિંગ્સ, અવિનાશની સિદ્ધિઓ, એના ઈન્ટરવ્યુઝ ધ્યાન દઈ નિહાળી રહ્યો હતો. એની દરેક તસવીર આંખોમાંથી રસ્તો કરતી સીધી હૃદયના ઊંડાણોમાં ઉતરી રહી હતી. એના ચહેરા ઉપર એક આધ્યાત્મિક તેજ હતું. એ ચહેરો જાણે એ શરીરની અંદર, ભીતરમાં છૂપાયેલા જ્ઞાનના ભંડારનો અરીસો હતો. એની આંખોમાં અનેરું આકર્ષણ હતું. જોનારને ચુંબક જેમ પોતાના વ્યક્તિત્વ તરફ ખેંચી નાખતું આકર્ષણ. એક વાર એ નજરમાં નજર મેળવનાર એના ઊંડાણો તરફ લલચાય જ. એક એવું પ્રભાવક મગજ જેને એકવાર મળ્યા બાદ વારંવાર મળવાની તરસ જન્મે. હોઠ પરનું સ્મિત એટલું પ્રામાણિક કે એ શરીરના અંદરની પવિત્ર આત્માની મૂંગી ચાડી ખાતું.
મેં એના વિવિધ ઈન્ટરવ્યુઝ નિહાળ્યા હતા. ઓહ માઈ ગૉડ ! તર્ક, વિજ્ઞાન અને કલ્પનાનું ત્રિવેણી સંગમ. એની વાતો સાંભળનારને ચોક્કસ કોઈ નવું જ્ઞાન, નવી માહિતી કે નવો દ્રષ્ટિકોણ સાંપડી જ જાય. એવું મન થાય કે એ એકધારું બોલતો રહે અને બસ આપણે સાંભળ્યા જ કરીએ. કેટલાક માનવીઓ એવા હોય છે જેમની જોડે થોડો સમય પસાર કરીએ તો તેમના ' એડિક્ટ ' થઈ જવાય. તેમની જોડે સતત રહેવાની લત લાગી જાય. અવિનાશ પણ એક એવો જ માનવી હતો. ફક્ત એના વિડીયો અને તસવીરો એટલા જાદુઈ હતા તો એ વાસ્તવમાં તો.. આ શું થઈ રહ્યું હતું ? શું હું અવિનાશથી આટલો બધો પ્રભાવિત થઈ ગયો હતો ? શું મારી અંદર ધીરે ધીરે કોઈ બદલાવ આકાર લઈ રહ્યો હતો ? શું મારી અંદર કોઈ બદલાવનો અવકાશ હતો કે પછી...વિચારો મગજમાં ભારે થવા લાગ્યા. મેં મારો ચહેરો મારી બંને હથેળી વચ્ચે ઢાંકી લીધો. આખા ચહેરા પર બંને હાથની હથેળી ફેરવી મેં એક ઊંડો શ્વાસ ભર્યો. થાકીને નિંઢાળ મેં લેપટોપને શટડાઉન કર્યું જ કે ટેબલ લેમ્પનો બલ્બ થોડા ઝબકારા માર્યા બાદ બંધ થઈ ગયો. આખા ઓરડામાં ગાઢ અંધકાર વ્યાપી ગયું. એ જ સમયે મકાનની બહાર તરફથી કૂતરાનો વિચિત્ર સ્વરમાં રડવાનો અવાજ આવ્યો. મારો મોબાઈલ ટેબલના ખૂણામાં જ રાખ્યો હતો. મેં મોબાઈલની ટોર્ચ સળગાવી. બેટરી બહુ ઓછી બચી હતી. આટલા સમયથી મોબાઈલને ચાર્જ ન કરવાનો અપરાધભાવ મન પર છવાયો પણ એ અપરાધભાવ હવે નિરર્થક હતો.
મોબાઈલની ટોર્ચમાંથી નીકળી રહેલા પ્રકાશના સહારે હું રસોડામાં ગયો. રાધા કેટલીક મીણબત્તી આપી ગઈ હતી. ક્યારેક રાત્રે પહાડી વિસ્તારની વીજળી કપાઈ જાય છે એવી ચેતવણી પણ આપી હતી. મીણબત્તી પેટાવી હું ફરીથી શયનખંડમાં પ્રવેશ્યો. એ જ સમયે પાછળ રસોડામાંથી એક વિચિત્ર સ્વરૂપનો અવાજ આવ્યો. મારૂં ગળું મને અતિ શુષ્ક અનુભવાયું. મીણબત્તી સ્ટડી ટેબલ પર ગોઠવી હિંમત ભેગી કરી હું ફરી રસોડા તરફ ગયો. જે દિશામાંથી એ ચીંધો અવાજ ગૂંજી રહ્યો હતો એ દિશામાં મેં મોબાઈલની ટોર્ચનો પ્રકાશ ફેંક્યો. ભીંત પર વળગેલી ગરોળી પર મારી નજર ગઈ. ટોર્ચના પ્રકાશમાં એની આંખ ખૂબ જ બિહામણી લાગી રહી હતી. એની પૂંછડીનો પડછાયો ભીંત પર ફેલાયેલા પ્રકાશના વર્તુળમાં રાક્ષસી દેખાઈ રહ્યો હતો. એની ઉપર પડેલા સીધા પ્રકાશના ધોધમાં જાણે એ વધુ ચીંધા અવાજ કાઢવા લાગી. એની આંખો જાણે સીધી મારી આંખો જોડે સંપર્ક બનાવી રહી હતી. મારા શરીરમાં ભયની કંપારી છૂટી. તરત જ બેટરીનો પ્રકાશ ભીંત પરથી ખસેડી મેં નજર નીચે લઈ લીધી. એક જ શ્વાસે હું શયનખંડ તરફ ધસી ગયો. હજી હું રાહતનો દમ ભરું એ પહેલા હવાનું વંટોળ એકાએક બદલાયેલા વાતાવરણની આગાહી લઈ આવી પહોંચ્યું.
આમ અચાનક !
શયનખંડની બારીઓ એ રીતે અફળાવા લાગી જાણે કોઈ ખૂબ જ બળપૂર્વક એમને અહીંથી ત્યાં અફાળી રહ્યું હોય. મને ગભરામણ થવા માંડી. બહાર તરફથી આવી રહેલા કૂતરાનો રડવાનો અવાજ વધુ ઊંચો ઊઠ્યો. રસોડામાંથી ગરોળી પણ વધુ ચીંધો અવાજ કાઢવા લાગી. પરસેવાના બિંદુઓ મારા કપાળ પર ફેલાઈ ગયા. બારીઓમાંથી ધસમસતા પ્રવેશી રહેલા ગાંડાતૂર પવનથી મારા લેખનના કાગળિયા ઊડવાની તૈયારી દર્શાવવા લાગ્યા કે હું મોબાઈલ સ્ટડી ટેબલ પર મૂકી બારીની દિશામાં ધસી ગયો. ટેબલ પર ગોઠવાતા જ મોબાઈલની બેટરી સમાપ્ત થઈ ગઈ. બારીની બહારનું વિશ્વ પણ વીજળી વિના કાળું મેશ હતું. બારી નજીકથી કૂતરાનો રડવાનો ધ્વનિ એટલો સ્પષ્ટ સંભળાવા લાગ્યો જાણે એ મકાનની લગોલગ હોય. જેટલી ઝડપે થઈ શકે મેં બધી જ બારીઓ અંદર તરફથી જડબેસલાક વાંસી દીધી. બંધ બારીઓવાળા શયનખંડમાં મીણબત્તીના પ્રકાશમાં દરેક વસ્તુઓનો વિશાળ પડછાયો ભીંત પર અજુગતો લાગી રહ્યો હતો. હું ઊંડા શ્વાચ્છોશ્વાસ જોડે પથારી પર લંબાઈ ગયો. મારી આંખો છતને અવિરત તાકવા લાગી. પંખાની સ્થગિત ત્રણ પાંખો પણ આજે ડરામણી લાગી રહી હતી. આખા દિવસનો થાક પાંપણોને જબરદસ્તી ઢાળવા લાગ્યો. એક ક્ષણ માટે આંખો મીંચાઈ કે મને એવો આભાસ થયો કે ઓરડામાં કોઈ હતું. હું સફાળો બેસી ગયો. મારા કાનમાં કોઈની મદદ માંગતી ચીસ ગૂંજી. પણ હું તો વિવશ હતો, લાચાર હતો, નિર્બળ હતો. મેં બંને હાથ વડે કાન બળથી ભીંસી દીધા. પણ એ ભીંસેલા કાન પર જુદા જુદા અટ્ટહાસ્યો પ્રહાર કરવા માંડયા. એ અટ્ટહાસ્યોથી જીવ રૂંધાવા લાગ્યો. ધીમા ધીમા રુદનના ડૂસકાંઓ ધીમે ધીમે એ અટ્ટહાસ્યોને અતિક્રમી હૈયાને વીંધવા લાગ્યા. મારે ગમે તેમ કરી એ ડૂસકાંઓ રોકવા હતા. એ રુદનને અટકાવવું હતું. મારું મગજ એ ઘડીએ કામ જરૂર કરી રહ્યું હતું. પરંતુ એ સંપૂર્ણપણે મારા મનના વશમાં હતું. એ વશીકરણને અનુસરતો હું પથારી છોડી ત્વરિત ઊભો થઈ ગયો.
મીણબત્તીના પ્રકાશને સહારે હું અલમારી સુધી પહોંચ્યો. મારા હાથ અંધકારમાં ફંફોસા મારવા લાગ્યા. વસ્ત્રોના આવરણો મેં એક પછી એક ભેદવા માંડયા. આખરે કંપનવાળા હાથમાં નવી ચળકતી રિવોલ્વર આવી. વસ્ત્રોના પડખેની બેગમાં મેં હળવેથી હાથ સરકાવ્યો અને એમાંથી એક બુલેટ કાઢી નાખી. પથારી પર પરત થઈ મેં એક તરફ રિવોલ્વર મૂકી અને બીજી તરફ બુલેટ. બંનેને વારાફરતી નિહાળી રહ્યો. મારા શ્રવણ ઈન્દ્રિયમાં પડઘાઈ રહેલા ડૂસકાંઓ થમવાનું નામ જ લઈ રહ્યા ન હતા. થાકી હારીને મેં રિવોલ્વર હાથમાં ઊંચકી લીધી. એના શરીરમાં ગોળ ચક્કર કાપી રહેલ સિલીન્ડરની છ ખાલી જગ્યાઓમાંથી ફક્ત એક જગ્યામાં બુલેટ ગોઠવી. ખાલી જગ્યાઓ અને ભરેલી જગ્યાને જોયા વિના જ એક ગોળ ચક્કર કાપવા દીધો અને રિવોલ્વર સજ્જ કરી નાખી. હવે એ બુલેટ કયા ક્રમાંક પર હતી હું જાણતો ન હતો. મને જાણવું પણ ન હતું. મને તો રિવોલ્વરને મારા લમણાં ઉપર તાકી આંખો ચુસ્ત મીંચી ટ્રિગર એકવાર દબાવી દેવું હતું.
અને મેં એ જ કર્યું.
ક્રમશ ...
