STORYMIRROR

mariyam dhupli

Drama Crime Thriller

4  

mariyam dhupli

Drama Crime Thriller

આત્મસાત : ૧૦

આત્મસાત : ૧૦

6 mins
266

સાહિત્ય સમાજનું પ્રતિબિંબ પાડે છે. મારું પ્રતિબિંબ તૈયાર થઈ રહ્યું હતું.

' વર્ક ઈન પ્રોગ્રેસ '

પરંતુ એ પ્રતિબિંબ આબેહૂબ તો ન જ ઝીલાય. પેઈન્ટિંગ વિશેની પાયાની માહિતી આપતા પુસ્તકમાં મેં વાંચ્યું હતું કે જો પેઈન્ટિંગ સામે રહેલા દ્રશ્ય કે પદાર્થને જેવા હોય એવા જ કેનવાસ પર ઉતારે તો પછી ચિત્રોમાં અને તસ્વીરોમાં શો ફેર ? ચિત્રકારે તસવીર નથી ખેંચવાની, નકલ નથી કરવાની. એણે દ્રશ્ય કે પદાર્થને આબેહૂબ કેનવાસ પર ઉતારવાની સાથે પોતાની કલ્પનાના રંગો પણ ઉમેરવાના હોય છે. દરેક કલાને આ નિયમ લાગુ પડે છે. 

મારે નજર સામેની ઘટનાને મારા પુસ્તકમાં આવરી લેવાની હતી. પરંતુ મારી કલ્પનાના રંગોનો સ્પર્શ કરાવ્યા બાદ. મેં રંગો ઉમેરવા શરૂ કરી દીધા હતા. મારી વાર્તામાં પણ એક કલાકારની હત્યા થઈ હતી. એક ખૂબ જ ખુશમિજાજી, જીંદાદીલ, વિશાળ હૃદય અને સુંદર સ્વભાવ ધરાવતા કલાકારની હત્યા. જે ઘરમાં પ્રવેશતા જ ધૂનકીભર્યા વિશ્વમાં ખોવાઈ જતો. બહારના વિશ્વને સંપૂર્ણપણે વિસરી જતો. આસપાસની સૃષ્ટિ, માનવીઓથી બેભાન ફક્ત પોતાના કેનવાસ અને રંગો વચ્ચે મગ્ન રહેતો. જેની અંદર વિશ્વને સૌથી સુંદર પેઈન્ટિંગ ભેટ ધરવાની ક્ષમતા હતી. પરંતુ દુર્ભાગ્યે એની હત્યા થઈ ગઈ હતી. મારી વાર્તામાં હજી કોઈએ ગુનો કબૂલ્યો ન હતો. વાચકો માટે એ રહસ્ય જ હતું કે હત્યારો કોણ ? મેં કેસ વાર્તાના બીજા સૌથી મહત્વના પાત્ર, એક પોલીસ અધિકારીને હવાલે કરી દીધો હતો. હું જેને પણ મળવા જતો મારી વાર્તાનો એ પોલીસ અધિકારી પણ એ જે તે પાત્રની મુલાકાત લેતો. મને જે ઉત્તરો મળતા એ એને પણ મળતા. રહસ્ય ધીમે ધીમે ઘેરાઈ રહ્યું હતું. પત્ની તરફની શંકા પોલીસ અધિકારીને હવે બિનજરૂરી લાગી રહી હતી. પતિના મૃત્યુથી જેને ઘેરો, માનસીક આઘાત લાગ્યો હોય એને શંકાની યાદીમાંથી મુક્તિ મળી ગઈ હતી. પણ હજી ઘણા પાત્રો શંકા હેઠળ હતા. જેમાંથી મોટાભાગના નોકરના પરિવારમાંથી જ હતા. નોકર, નોકરની પત્ની અને એમની એકની એક દીકરી.

આજે હું તુકારામને ઘરે જઈ રહ્યો હતો. રસ્તામાં જ મેં શ્યામને તુકારામના પરિવાર અંગે કેટલાક પ્રશ્નો પૂછી લીધા હતા. એ પ્રશ્નોના જવાબોથી મને ઘણી બધી વાતો જાણવા મળી હતી. તુકારામની પત્ની ચંપા થોડા તીખા સ્વભાવની હતી. વાતે વાતે ગુસ્સો એના નાક પર આવી બેસતો. આડોશપાડોશના લોકો જોડે પણ એના અવારનવાર ઝગડા થઈ જતા. તુકારામ જોડે કોઈને કોઈ વિષય પર એની લડાઈ થતી જ અને એ આખી લડાઈ દરમિયાન તુકારામની પત્ની ચંપાનો અવાજ આખા ફળિયામાં ગૂંજતો. તુકારામ એની સામે તદ્દન મુંગી ગાય બની જતો. પત્ની સામે એનું કશું ચાલતું નહીં. 

ઘરની નબળી આર્થિક પરિસ્થિતિ અને યુવાનીના ઉંબરે ઉભેલી એકની એક દીકરીની લગ્ન અંગેની ચિંતા ચંપાના માનસીક જગતને પજવ્યા કરતી. તુકારામ માટે દીકરી લક્ષ્મી સમાન હતી. જયારે ચંપા માટે દીકરી સાપનો ભારો હતી. જેમ બને એમ જલ્દી દીકરીના લગ્ન કરાવી એને એ સાંપના ભારાથી મુક્ત થવું હતું. તુકારામ દીકરીને ભણાવવા ઈચ્છતો હતો. એને પગ પર ઊભી કરવાનું સ્વપ્ન સેવતો હતો. એને કદી દીકરાની અપેક્ષા હતી જ નહીં. ઈશ્વરે એક દીકરી આપી હતી એમાં જ એ કૃતજ્ઞ હતો. ચંપાના આકરા ક્રોધ અને કડવા આક્રોશ સહન કરીને પણ તુકારામે માલિક આગળ દીકરીના ઉચ્ચ અભ્યાસ માટે હાથ ફેલાવ્યા હતા. અવિનાશના સહકાર અને આર્થિક સહાયથી તુકારામની દીકરી માલતી એ ગરીબ, ગ્રામીણ વિસ્તારની પહેલી ' દીકરી ' હતી જે ગામ છોડી શહેરની કોલેજમાં ઉચ્ચ ભણતર માટે રવાના થઈ હતી.

એક તરફ અવિનાશ તરફની વફાદારી માટે કંઈ પણ કરી શકતો તુકારામ તો બીજી તરફ તુકારામને કોઈ પણ પ્રકારની મદદ કરવા હંમેશા તત્પર રહેતો અવિનાશ. જયારે ચંપાને હૃદયની માંદગીને કારણે શહેરની હોસ્પિટલમાં ખસેડવી પડી ત્યારે હોસ્પિટલમાં ભરતીથી લઈ ડિસ્ચાર્જ મળ્યા સુધીની બધી જ જવાબદારી અવિનાશે નિભાવી હતી. જ્યાં સંબંધો મજબૂત હોય છે ત્યાં મુશ્કેલીઓનો વ્યાપ આપોઆપ સંકેલાય જાય છે. આ ઈલાજ બાદ ચંપાનો સ્વભાવ ઘણો બદલાઈ ગયો. તુકારામ તરફના એના વર્તન વ્યવહારમાં અત્યંત ફેરફાર આવ્યો. ચંપાના આક્રોશ અને ક્રોધનું સ્થળ તુકારામ પ્રત્યેની એની બદલાયેલી હકારાત્મક લાગણીઓ અને સન્માને લઈ લીધું. કોઈએ સાચું જ કહ્યું છે કે પત્નીની સાચી ઓળખ પતિની નબળી આર્થિક પરિસ્થિતિ વખતે અને પતિની સાચી ઓળખ પત્નીની માંદગીના સમયે જ થાય છે. તુકારામ એક આદર્શ પતિ હતો અને એ વાત કપરી પરિસ્થિતિએ પૂરવાર કરી નાખી હતી. ચંપાને સાજી કરી શહેરથી એ ફરી ગામ લઈ આવ્યો હતો. ચંપાના ઘરે આવ્યા બાદ એમની દીકરી પણ શહેરથી ઘરે પરત થઈ ગઈ. એટલું જ નહીં ગામના એક અત્યંત પ્રતિષ્ઠિત પરિવારમાં દીકરીના લગ્ન કરાવી બંનેએ પોતાની મહત્ત્વની ફરજ પરસ્પરના સાથસહકાર અને સમજણથી નિભાવી દીધી. જે લગ્નનો બધો જ આર્થિક ખર્ચ અવિનાશે રાજીખુશીએ ઉઠાવી લીધો.

ચંપાને પહેલીવાર મળવા પહેલા આટલી પૂર્વભૂમિકા પૂરતી હતી. એ પૂર્વભૂમિકા પુરી પાડવા બદલ શ્યામનું ખિસ્સું દર વખતની જેમ થોડું હૂંફાળું ચોક્કસ થયું હતું. હું જ્યાં બેઠો હતો એ નાનકડી ખોબા જેવી ઓરડી હતી કે ઘર એ હું નક્કી કરવા સમર્થ ન હતો. મારી નજર ચારે તરફ ચકળવકળ ફરી રહી હતી. કંઈક વિચિત્ર આંખોએ વળગ્યું. નાનકડા ઓરડામાં આધુનિક ટીવી, થોડું વધારે પડતા કદનું રેફ્રિજરેટર અને છૂટાછવાયા કેટલાક મોંઘા રાચરચીલા એ ખખડધજ રહેઠાણ જોડે અત્યંત વિરોધાભાસ દર્શાવી રહ્યા હતા. દરિદ્રતા વચ્ચે ગોઠવાયેલી ભૌતિકતા નજરને ખૂંચી રહી હતી. શું આ વિરોધાભાસ પણ અવિનાશના વિશાળ હૈયાનું જ ફળ હતું ?

" સાબ, આપ વો કિતાબ વાલે હો ના ? "

ચંપાના અશિક્ષિત જગતમાં લેખકને ' કિતાબ વાલે ' કહેવાય. મેં ધીમે રહી હકારમાં ગરદન હલાવી. શ્યામે મારા કહ્યા પ્રમાણે ચંપાને આગળથી વાત કરી દીધી હતી. મને તુકારામ અંગે પૂછપરછ કરવી હતી. એના બદલામાં થોડું આર્થિક ઉપાર્જન કરાવવા હું કટિબદ્ધ હતો. પરંતુ ચંપાને એ આર્થિક સહાયમાં સહેજે રુચિ ન હોય એમ મારા હાથમાંની રકમ સ્વીકારવા આગળ ન વધેલા એના હાથ ક્ષમા અને આજીજી બંનેનું સમન્વય કરતા મારી આગળ જોડાઈ ગયા.

" સાબ, તુકારામ કિસીકો માર નહીં શકતા. વો ઈક ભલા ઈન્સાન હે. દિલકા બોહત સાફ હે. અવિનાશબાબુ તો ઉસકે લિયે ભગવાન થે. ઉનકે લિયે તો વો કુછ ભી કર સકતા થા. અપની જાન તક દે સકતા થા. વો ઉનકી જાન ક્યોં લેગા ? તુકારામકો ફસાયા ગયા હે. યે કિસી ઔર કા કામ હે. આપકી પહેચાન તો ઉપર તક હોગી. આપ કુછ કીજીયે ના સાબ. મેને અપને ઘરવાલેકો બોહત પરેશાન કિયા હે. યે ઉસીકી સજા ભગવાન દે રહા હે. લેકિન ઉસે ક્યોં ? વો બેગુનાહ હે. ઉસકી મદદ કરો, સાબ. "

આજીજી કરતા કરતા એ લગભગ મારા પગને અડકી પડી. ઓચિંતી ક્રિયાની ઓચિંતી પ્રતિક્રિયા આપતા મેં એને મારા પગ પાસેથી હળવેથી હડસેલી. 

" અરે...યે ક્યા કર રહી હો ? ઠીક હે. મેં દેખૂંગા મેં ક્યા કર સકતા હું. "

ફરીથી શરીરનું સંતુલન જાળવતા મારા સામે બે હાથ જોડી કરગરી રહેલી સ્ત્રીની આંખોમાં આંસુની સુનામી ઉછળી આવી હતી. જેના મોજાંઓમાં ભારોભાર પશ્ચયાતાપ હતો. મારા મનમાં હળવો અપરાધભાવ છવાઈ ગયો. કોઈના મનમાં જૂઠી આશાની કિરણ જન્માવવી શું પાપ કહેવાય ? એની હાલત ખરેખર દયનિય હતી. જયારે પ્રેમ પડખે હોય ત્યારે એની કદર માનવી શા માટે કરતા ન હશે ? એ જ પ્રેમ જ્યારે દૂર જતો રહે ત્યારે એની યાદમાં નકામા શા માટે લોહી વહાવતા હશે ? મારે આ પ્રશ્નો ચંપાને કરવા હતા. પરંતુ એ પ્રશ્નો જીરવી શકવાની કે એના ઉત્તરો વિચારી શકવાની મનોસ્થતિમાં એ જરાયે ન હતી. મેં મૌન હાથ જોડી એ ખોબા જેવી ઓરડીમાંથી આદર સાથે બહાર નીકળી આવવાને જ પ્રાધાન્ય આપ્યું. શ્યામે ગાડી શરૂ કરી અને એફએમ પર એક જૂનું ક્લાસિકલ ગીત ગૂંજી ઊઠ્યું. 

" જિંદગી કૈસી હે પહેલી, હાયે...કભી યે હસાયે, કભી યે રુલાયે..."

પહાડી વિસ્તારને ઠૂંઠવી રહેલી કાતિલ ઠંડી મારા શરીરને થીજાવી રહી. મારા મગજમાં હજી પણ પાછળ છૂટી રહેલી ખોબા જેવી ઓરડી ઊભી હતી. હું જ્યાં બેઠો હતો એની સામેની ભીંત પર લટકાવાયેલી તુકારામની દીકરીના લગ્ન સમયની સહપરિવાર તસવીર વારેઘડીએ મારા વિચાર જગતને આકર્ષી રહી હતી. જે દીકરીને વ્હાલનો દરિયો માનતો હતો, જે પત્નીના આકરા સ્વભાવ સામે થઈને માલિક આગળ દીકરીના ભણતર માટે હાથ ફેલાવતા પણ અચકાયો ન હતો એ તુકારામે દીકરીને પગ પર ઊભી કરવાનું સ્વપ્ન કચડીને ચંપાને સાથ કેમ આપ્યો ? વ્હાલનો દરિયો અચાનક સાપનો ભારો કેમ બની ગયો ? શું ચંપા કશે સંડોવાયેલી હતી ? પ્રશ્નોના વમણમાં મગજ ચકરાવા લાગ્યું. એ જ ક્ષણે અચાનક મારી અલમારીમાં વસ્ત્રોની વચ્ચે અંધકારમાં ચોરીછૂપે દટાયેલી રિવોલ્વર નજર સામે તરી આવી અને બર્ફીલા અતિ ઠંડા વાતાવરણમાં પણ હું પરસેવામાં નહાઈ ઊઠ્યો.

ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Drama