આત્મા
આત્મા
મેં ફરીથી મોબાઈલની સ્ક્રીન ઉપર સમય દર્શાવી રહેલ આંકડાઓ તપાસ્યા. રાતના ત્રણ વાગ્યા હતા. સુરતથી પંદર કિલોમીટર દૂર આવેલ ડુમસ ગામના સ્વાગત દ્વાર સમા લંગર ઉપર હું બેઠો હતો. રાત્રીના જીવડાઓ આસપાસના વૃક્ષોમાંથી બિહામણા અવાજો કાઢી રહ્યા હતા. એ સિવાય કોઈ પણ દિશામાંથી એક પણ અવાજ સંભળાઈ રહ્યો ન હતો. ગાઢ અંધકારભરી એ રાત્રિમાં વીજળી હડતાલ પર ઉતરી હોય એમ એક પણ વીજળીના થાંભલા પરની લાઈટ કામ કરી રહી ન હતી. એકમાત્ર મોબાઈલની ટોર્ચમાંનો પ્રકાશ મને સાથ આપી રહ્યો હતો. પરંતુ એ સાથ લાંબો ટકશે એની કોઈ ગેરેન્ટી ન હતી. ગેરેન્ટી તો જીવતાજાગતા મનુષ્યોની પણ હોતી નથી. આ તો ફક્ત એક નિર્જીવ યઁત્રમાંથી નીકળી રહેલી પ્રકાશની કિરણમાત્ર હતી. મેં બેટરીનું જીવન આંકડામાં તપાસ્યું. ફક્ત ૨૦ ટકા !
ટોર્ચમાંથી નીકળી રહેલ પ્રકાશની કિરણ મેં શહેર તરફથી આવતા માર્ગ પર ફેંકી. રસ્તો વેરાન હતો. સુમસાન હતો. ખૂણામાં ઉભા વડ પરથી લટકી રહેલી વડવાઈઓ વાતાવરણને વધુ ભેંકાર દર્શાવી રહી હતી. મારી વ્યાકુળ નજર જોડે ગળામાં ભેગું થયેલું થૂંક અન્નનળીમાંથી માર્ગ કાઢતું નીચે ઉતર્યું. મારી નજર નિરાશાસભર પરત થઇ. રાહ જોતી કીકીઓ સંકોચાઈ અને એક ક્ષણ માટે આંખો મીંચાઈ.
દ્રશ્ય ઇન્દ્રિય હજી પૂરતો આરામ લઇ શકે એ પહેલા શ્રવણ ઇન્દ્રિય સરવી થઇ. છમ ..છમ ..છમ ..છમ ..પગની રણકતી ઝાંઝર જમણી દિશામાંથી પડઘાઈ રહી હતી. ટોર્ચમાંથી નીકળી રહેલ પ્રકાશની કિરણ એ તરફ વાળી ત્યારે પરસેવાનો એક લિસોટો કાન પાછળથી ગરદન પર ધીમેથી વહી પડ્યો. વર્ષોથી એ સ્થળે ઉભો કૂવો નિર્જન મને તાકી રહ્યો હતો. એક પણ મનુષ્યની હાજરી નિષેધ હતી. હવે મારા હૈયાએ ગતિ પકડવા માંડી હતી. હાથમાંનો મોબાઈલ ધ્રૂજી રહ્યો હતો. મેં હિંમત ભેગી કરતા મારા શ્વાચ્છોશ્વાસ નિયંત્રિત કરવાનો બહાદુર પ્રયાસ કર્યો.
"કોની રાહ જોઈ રહ્યા છો ?"
મોબાઈલ હાથમાંથી સરકી પડતા માંડ માંડ બચ્યો. હું નખશીખ થરથર કંપન અનુભવી રહ્યો. મારી પડખે આવી ગોઠવાયેલું શરીર કાળા ધાબળામાં લપેટાયેલું હતું. શિયાળાની કાતિલ ઠંડીનો પારો રાતને ચરમસીમાએ થીજાવી રહ્યો હતો. પરંતુ મારા શરીરમાં છૂટી વળેલો પરસેવો માથા પર ઉપસી આવેલા અસંખ્ય પરસેવાના બિંદુઓ થકી પ્રદર્શિત થઇ રહ્યો હતો.
"આપ કોણ છો ? અહીં ...આમ અચાનક....?"
મારા અવાજમાં ભયનો સહજ રણકો હતો. મોબાઇલમાંથી નીકળી રહેલી પ્રકાશની કિરણ એ અજાણ્યા ચહેરાને નિહાળવા મથી રહી હતી. ધાબળાના છેડા વડે ચહેરો અર્ધ ઢંકાયેલો હતો. ફક્ત ઘટ્ટ ભ્રુકુટી વાળી બે કાળી મોટી આંખો જ દ્રષ્ટિગોચર થઇ રહી હતી. ધ્રૂજતા પગ જોડે ચહેરા પર મેં આત્મવિશ્વાસ પાથરવાનો પ્રયાસ કર્યો.
"આ ગામના નાગરિક તરીકે આ પ્રશ્ન તો મારે તમને પૂછવો જોઈએ."
મનમાં ભયસંમિશ્રિત અકળામણ વ્યાપી ઉઠી. હું કોઈને જવાબ દેવા બંધાયેલો ન હતો. પરંતુ નવા સ્થળે, અજાણ વ્યક્તિ સામે, એ ગાઢ અંધકારભરી રાત્રિમાં મને મારા હકાધિકાર કરતા મારા પ્રાણ વધારે વ્હાલા લાગ્યા. કમને મેં ઉત્તર આપી દીધો.
"હું મારા મિત્ર કિશનની રાહ જોઈ રહ્યો છું. એક્ચ્યુલી હું અમદાવાદનો રહેવાસી છું. કિશન અંતિમ બે વર્ષથી કુટુંબ જોડે સુરતમાં શિફ્ટ થઇ ગયો છે. સુરત શહેરની આ મારી પહેલી મુલાકાત છે. એટલે મિત્રને ત્યાંજ રોકાયો છું. હું એક જાણીતો યુટ્યુબર છું. મારા ચેનલ માટે વિડીયો શૂટ કરવા હું અહીં આવ્યો છું."
મારા ઉચ્ચારાયેલા શબ્દોમાંથી અર્ધું સમજાયું હોય અને અર્ધું ન સમજાયું હોય એમ દ્વ્રિધાથી ફાટેલી પહોળી આંખો મને એકીટશે જે અંદાજમાં નિહાળી રહી હતી એ જોતા મારા હૈયાનો ધબકાર બેવડાઈ ગયો હતો. એ આંખોનું કદ સામાન્ય થાય એ હેતુસર મારા તરફથી વાતને સરળ શબ્દોમાં રજૂ કરવાનો પ્રયાસ થયો.
"તમારા ગામ ડુમસ વિશે હું વિશ્વને જણાવવા ઈચ્છું છું."
મારા શબ્દો થકી એ પહોળી આંખોનું કદ સામાન્ય તો ન થયું. પણ એ કાળા ધાબળામાં ભરાયેલું શરીર મારી વધુ નજીક સરક્યું. પ્રતિક્રિયા આપતા હું શીઘ્ર પાછળ હટ્યો.
"પત્રકાર છો ?"
મારી પરાકાષ્ઠાએ પહોંચેલી અકળામણ મનમાં ગૂંજી પડી. ' આ કયા ગ્રહનું પ્રાણી છે ? ' જોકે એ પ્રશ્ન પ્રત્યક્ષ પૂછવા જેટલું મારું કાળજું પરાક્રમી ન જ હતું. વાત વાળી લેવાનો વિકલ્પ મને વધુ યોગ્ય લાગ્યો.
"એવું જ સમજી લો. આપનું ડુમસ ગામ આખા ભારતમાં ઘણું પ્રખ્યાત છે. એટલે જ ..."
"સાચેજ ?"મારી આપેલી માહિતીથી હર્ષથી પહોળી થયેલી કીકીઓ ટોર્ચના પ્રકાશમાં વધુ ભયાવહ ભાસી રહી હતી.
"મારું ડુમસ ગામ આખા ભારતમાં પ્રખ્યાત થઇ ગયું ?"
જાણે પોતાના પર ગર્વ લેતો હોય એમ એ ધાબળામાં લપેટાયેલું શરીર ટટ્ટાર થઇ બેઠું.
"હા, આખા ભારતમાં સૌથી વધુ ડરામણા, ભૂતિયા સ્થળોમાં ત્રીજા સ્થળે ડુમસનું નામ છે. અહીંના દરિયા કિનારાઓ પર નકારાત્મક શક્તિઓ અને આત્માઓનો વાસ છે. એની સાબિતી માટે જ અર્ધી રાત્રિએ વિડીયો શૂટ કરીશું."
મારા શબ્દોએ હૃદય ભગ્ન કરી નાખ્યું હોય એમ એ શરીર તરત જ મારા શરીરથી દૂર ખસી ગયું. અત્યાર સુધી મારો જીવ સુરક્ષિત હતો. મારી પર કોઈ જીવલેણ હુમલો થયો ન હતો, ન કોઈ દુર્ઘટના ઘટી હતી. એટલે પડખે ગોઠવાયેલા એ શરીર તરફનો ભય થોડા અંશે ઓછો જરૂર થયો હતો. મેં ટોર્ચનો પ્રકાશ ફરીથી એ શરીરના બદલાયેલા પડખે ફેરવ્યો.
"મને તો એમ કે ...."
એને કંઈક કહેવું હતું. કોઈ વસવસો મનમાં વલોવાઈ રહ્યો હતો. શબ્દો હોઠને સ્પર્શ કરી ફરી અંદર ધકેલાઈ ગયા. પછી અચાનકથી કંઈક સ્ફૂર્યુ હોય એમ એ શરીર બમણા વેગે મારી દિશામાં ધસી આવ્યું. એ અણધારી પ્રતિક્રિયા થકી હું ચોંકી ઉઠ્યો. ભેગો થયેલો વિશ્વાસ મનમાં હિલોળે ચઢ્યો. મોબાઈલનું ફરીએકવાર હેમખેમ સંતુલન સાધી શક્યો. કોઈ પ્રહાર થવાનો હોય એમ આંખો લગભગ મીંચાઈ ગઈ. પડખેથી ગૂંજેલી આજીજી દ્વારા મારી આશ્ચર્યચકિત આંખો ધીમેથી ઉઘડી.
"મારા ગામને બદનામ ન કરો. આ પવિત્ર માટીનું આવું અપમાન ન કરો."
ધીમે રહી ધાબળામાંની ગરદન પાછળ તરફ વળી. નજર અવિરત એકજ દિશામાં સ્થિર જડાઈ ગઈ. એવું તો ત્યાં શું હતું ? એ રહસ્ય ઉકેલવા ટોર્ચનો પ્રકાશ મેં પાછળની દિશામાં ફેંક્યો. એ પ્રકાશ વચ્ચે એક પ્રાચીન સ્મૃતિ સ્મારક ઝળહળી ઉઠ્યું. એ સ્મારક ઉપર નામની લાંબી યાદી હતી. વારાફરતી એ દરેક નામ ઉપર નજર ફરી વળી. કોના નામ હતા ? ત્યાં શા માટે કંડારાયા હતા ? મારા મનમાં જન્મેલા અસંખ્ય પ્રશ્નોને પૂછ્યા વિનાજ ઉત્તર મળવા લાગ્યા.
"પ્રથમ વિશ્વ યુદ્ધ વખતે ભારત અંગ્રેજી શાસનનો હિસ્સો હતો. એક બ્રિટિશ કોલોની હોવાને નાતે ભારતને પણ યુદ્ધમાં ભાગ લેવો પડ્યો હતો. અંગ્રેજોએ ભારતીય લશ્કરોને યુદ્ધના મોરચે મોકલાવ્યા હતા. આપણા દેશના હજારો વીર જવાનોએ યુદ્ધમાં જાંબાઝ હૈયે ઉતરી સાબિત કર્યું કે નમક હલાલી અને પ્રામાણિકતા એમના લોહીમાં વહે છે. પોતાના પ્રાણ દાવ પર લગાવી એ વીર જવાનોએ પોતાનો ધર્મ તો નિભાવ્યો. પરંતુ એમના પ્રત્યે જે ફરજ અંગ્રેજી સત્તાએ નિભાવવાની હતી એમાં દરેક રીતે ઉણપ અને ભારોભાર બેદરકારી વર્તવામાં આવી. તાપમાન અને આબોહવાના વિષમ ફેરફારો સહેતા એ વીર જવાનોને ન તો કાયા પીગાળી નાખતી ઠંડી સામે રક્ષણ કરવા યોગ્ય પહેરવેશ મળ્યો, ન એમની સુરક્ષા અને સ્વાસ્થ્ય ને લઇ કોઈ વિશિષ્ટ સુવિધાઓ પૂરી પાડવામાં આવી. અસંખ્ય વીર જવાનોને પ્રાણની આહુતિ આપવી પડી. પોતાની માટીને ચૂમીને નીકળેલું એ શૂરવીર લોહી માટી સુધી પરત પહોંચી શક્યું નહીં. આ ગામમાંથી પણ એવા વીર જવાનો માથે કફન બાંધી નીકળ્યા હતા. પોતાનો ધર્મ, પોતાની ફરજપૂર્તિ માટે એવા નીકળ્યા કે કદી પરત ફર્યા જ નહીં. આજે પણ આ ગામની માટીમાં એમનું પવિત્ર લોહી સોડમ પ્રસરાવે છે. સવારસાંજ હજાર યુવાનો આ લંગરની આસપાસથી પસાર થાય છે. એમાંથી કેટલાએ સમય કાઢી આ યાદી વાંચી હશે ? આ લંગર જોડે રાતદિન તસવીરો ખેંચતા લોકોમાંથી કેટલાને આ ઇતિહાસ અંગે જાણકારી હશે ?"
મારા શરીરના રુંવાડા રોમાંચિત થઇ ઉઠ્યા. હા, દિલ્હીના ઇન્ડિયા ગેટનો ઇતિહાસ હું જાણતો હતો. પણ ડુમસના લંગર ઉપર સ્થાપિત આ સ્મારક વિશે મને કશી જાણકારી ન હતી. નવાઈની વાત એ હતી કે કિશને પણ આ અંગે કોઈ ચર્ચા કરી ન હતી. એણે તો ફક્ત ભૂતિયા સમુદ્ર કિનારા, હોન્ટેડ બીચ, પ્રેતાત્માઓની વાતોને સમર્થન આપ્યું હતું.
વિચારોના વમળમાં અટવાઈ રહેલું મારું હૈયું બાઇકના એંજિનના અવાજથી સચેત થયું. મારા મનમાં મોટો હાશકારો થયો. કિશન આવી પહોંચ્યો હતો. રાહતનો દમ ભરતા પાછળ ફરી મેં ટોર્ચમાંથી પ્રકાશની કિરણ શહેર તરફથી આવતા માર્ગ પર કેન્દ્રિત કરી. હૃદય એક ધબકાર છોડી બેઠું. રસ્તો હજી પણ પૂર્વવત સુનો, વેરાન, ઉજ્જડ જ હતો. એક પણ વાહનવ્યવ્હારનું માધ્યમ ત્યાં હાજર ન હતું. તો પછી એ અવાજ ......?
પરસેવામાં રેબઝેબ ચહેરા જોડે ફરીથી પ્રકાશનો સ્ત્રોત ધ્રૂજતા હાથ વડે મેં અગાઉની દિશામાં ફેરવ્યો. ત્યાં કોઈ ન હતું.
ન કોઈ કાળો ધાબળો, ન એમાં લપેટાયેલું કોઈ શરીર. આખું લંગર ભેંકાર હતું. પેલો માણસ ......?
અચાનક ઉપરની દિશામાંથી એક ચામાચીડિયું મારા કપાળને સ્પર્શી નીકળી ગયું. હું પોતાની જાતને સંભાળું એ પહેલા એક જીવલેણ ચીસ સન્નાટાને ચીરતી ગૂંજી ઉઠી. એ જ સમયે મારા મોબાઈલની બેટરી સમાપ્ત થઇ ગઈ અને ટોર્ચનો પ્રકાશ મારો સાથ છોડી જતો રહ્યો.
જયારે આંખો ખુલી ત્યારે શરૂઆતની ક્ષણોમાં કશું સમજાયું જ નહીં. હું ક્યાં હતો ? ત્યાં શું કરી રહ્યો હતો ? જાણે મગજની સીડી માં બધુજ ડીલીટ થઇ ગયું હતું. ધીમે ધીમે આંખો આગળ છવાયેલા અંધકારને હડસેલી પ્રકાશનો પ્રવેશ થયો. બેભાન અવસ્થા માંથી ભાનમાં આવતા દર્દી જેમ મેં મારી હેરતસભર દ્રષ્ટિ દરેક દિશામાં ફેરવવા માંડી. મારી પડખે ગોઠવાયેલા લેપટોપનું ચાર્જિંગ સમાપ્ત થઇ ચૂક્યું હતું. ઓરડામાં ગૂંજી રહેલા નસકોરાએ મારું ધ્યાન પથારીની બીજી પડખે કાળા ધાબળામાં ભરાઈ ઘસઘસાટ ઊંઘી રહેલા મારા મિત્ર કિશન તરફ દોર્યું. ધીમે રહી મેં લેપટોપ સંકેલી લીધું. હું મારા મિત્રના શયનખંડમાં અત્યંત સુરક્ષિત હતો એ વિચારે ફૂલ એસીમાં પણ પરસેવામાં પચપચ મારી જાતને અપાર સાંત્વના મળી.
મને હલબલાવી ગયેલા એ નાઇટમેર પહેલા શું થયું હતું એની યાદો મારા સ્વસ્થ થયેલા મગજ ઉપર દ્રશ્યો થકી વારાફરતી ઉપસવા લાગી.
વિડીયો શૂટ માટે એક દિવસ બાકી હતો. રાત્રે લેપટોપ ઉપર ડુમસના હોન્ટેડ બીચ અંગેના સંશોધનમાં વ્યસ્ત થવા પહેલા પપ્પાનો અમદાવાદથી કોલ આવ્યો હતો. દર વખત જેમ મારા યુટ્યુબ ચેનલ પર અપલોડ થવા જઈ રહેલા વિડીયો અંગે, એના વિષય અંગે એમની જોડે અર્થસભર ચર્ચાવિચારણા થઇ હતી. એમણે મને ડુમસના લંગર પર સ્થાપિત સ્મૃતિ સ્મારકનો ઇતિહાસ જણાવ્યો હતો. એમણે આપેલું અમૂલ્ય માર્ગદર્શન એમના જ અવાજમાં એકવાર ફરીથી કાનમાં ગૂંજી ઉઠ્યું.
"સ્થળો પણ માનવીઓ જેવા જ હોય છે. બન્નેની પોતાની વિશિષ્ટતાઓ પણ હોય છે અને નબળાઈઓ પણ. બન્ને પાસે હકારાત્મક શક્તિઓ પણ હોય છે અને નકારાત્મક શક્તિઓ પણ. આપણે કઈ શક્તિઓ પાછળ આપણા સમય અને બુદ્ધિનું રોકાણ કરીએ છીએ એ મહત્વનું છે. એક વાત યાદ રાખજે, બેટા. સકારાત્મકતા કાચબાની ઝડપે આગળ વધે છે જયારે નકારાત્મકતા વીજળી વેગે ફેલાઈ છે. સોશ્યિલ મીડિયાની શક્તિ તારાથી વધુ કોણ સમજી શકે ? તું સકારાત્મક્તાને વેગ આપે કે નકારાત્મકતાને એ તારી પસંદગીનો વિષય છે. પણ જેનો પણ સાથ આપે એનો સામનો કરવા પણ તૈયાર રહેજે. કારણકે તારા દ્વારા પ્રસરેલી એ હકારાત્મકતા કે નકારાત્મકતા એ જ સમાજમાં ફેલાશે જ્યાં તારે અને તારા કુટુંબે રહેવાનું છે. પોતાના અંદર વાસ કરતી આત્મા પ્રત્યે જે પ્રામાણિક રહે છે એને બહાર તરફની કોઈ આત્મા કદી કોઈ નુકશાન પહોંચાડવા સક્ષમ હોતી નથી."
ચહેરા ઉપરનો પરસેવો બન્ને હાથ વડે લૂછી મેં કિશનનો ધાબળો ખેંચી નાખ્યો.
"કિશન, મેં નક્કી કરી લીધું છે. હું ડુમસના હોન્ટેડ બીચ પર નહીં, એના લંગર પર સ્થાપિત શહીદ વીર જવાનોના ઐતિહાસિક સ્મારક ઉપર વિડીયો બનાવી એમને શ્રધ્ધાંજલી અર્પીશ."
માથાના ઉભા વાળ, લાલચોળ ઘેનવાળી પહોળી આંખોવાળા કિશને કશું સાંભળ્યું કે નહીં ? એને કશું સમજાયું કે નહીં ? ખબર નહીં. પોતાની ગાઢ નીંદરને ખલેલ વિના આગળ ધપાવવા ભારપૂર્વક ગરદન હલાવી એ ફરી ધાબળામાં ભરાઈ ગયો. નાઈટલેમ્પ ઓફ કરી મેં પણ આંખો મીંચી દીધી. વિચિત્ર વાત તો એ કે એ રાત પછી મને કદી નાઇટમેર આવ્યા નથી.

