આસુરી શક્તિ પર વિજય
આસુરી શક્તિ પર વિજય
પાવાગઢની તળેટીમાં થોડે દૂર નાનકડા જંગલ જેવું, ત્યાં ઝાઝી નહીં પણ 500- 600 માણસોની વસ્તી વાળું રતનગઢ નામનું નાનકડું ગામ. પચરંગી વસ્તીવાળું તેથી બધા તહેવાર મળીને ત્યાં ઉજવતાં. ગામથી થોડે દૂર ટેકરી પર નાનકડું મહાકાળી માતાજીનું મંદિર, પાસે જ પાવાગઢ અને ત્યાં મહાકાળીમાતાનું શક્તિપીઠ. આથી તેમની ભક્તિરૂપે અહીં પણ માં મહાકાળીની મૂર્તિ બિરાજમાન કરેલી, ગામ આખું ખૂબ શ્રદ્ધા ભાવથી ત્યાં આવતાં, દર્શન કરતાં.
મંદિરમાં હાલ એક નવા સાધુ મહારાજ, પૂજારી રૂપે આવ્યા હતા, ત્યાં જ રહેવા માટેની સરસ જગ્યા ગામ લોકોએ કરી આપી હતી. આસો માસ આવતાં જ માતાના ચોકમાં નવરાત્રીનાં ગરબા ગવાતાં, આખું ગામ ત્યાં ભેગું થતું, અને રંગેચંગે ત્યાં માતાની સ્તુતિ ભજન આરતી અને ગરબા બધા મન મૂકીને ગાતાં, રોજ રાત્રે ત્યાં નાનકડા મેળા જેવું ભરાતું. યૌવન હિલોળે ચડતું, માતાજીનાં નવરાત્રમાં બધા ખૂબ ઉત્સાહથી વિવિધ પ્રકારનાં નૃત્ય પ્રદર્શિત કરી આનંદ મેળવતાં, તાળીઓના તાલે એક સરખી રીતે ગરબા ગવાતાં, ગગનમાં ઘેરો નાદ ગુંજતો રહેતો, માતાજીની આરાધનાનું આ પર્વ તાલીનાં તાલે અને પાયલનાં અવાજે ઉજવાતું હતું.
ગામમાં નટખટ, ચૂલભૂલી, હસમુખી ખૂબ જ રૂપરૂપનાં અંબાર સમી એક છોકરી કામિની હતી, નામ તેવા જ તેનાં ગુણ હતાં.
રોજ રોજ કામિની મંદિર આવતી ત્યારે તેને નવા સાધુની નજરમાં તેની પ્રત્યે કામુકતાનાં સાપોલિયા ફરતાં દેખાતાં હતાં, તે ગમે તે બહાનું બનાવી છટકી જતી.
નવરાત્રીનાં નવમાં દિવસે જ્યારે કામિની સોળ શણગાર સજી ગરબે ઘૂમી રહી હતી, સાધુએ એક બહાનું બનાવી કામિનીને ઓરડીમાં બોલાવી. કામિની ત્યાં ગઈ, આજે તે સાક્ષાત દુર્ગાની જેમ રૂપાળી લાગતી હતી. સાધુએ જેવી તેને પોતાના બાહુપાશમાં લેવાનું શરૂ કર્યું, કામિનીએ ઘણા કાલાવાલા કર્યા, છોડી દેવા વિનંતી કરી, પણ લંપટ સાધુ પર શેતાન સવાર થઈ ગયો હતો.
કામિનીએ ચીસ પાડી અને તેનું રૂપ મહાકાળીમાં બદલાવા લાગ્યું, તેણે સાધુને ત્યાં જ પડેલા ધારિયા વડે માથું કાપી એક હાથમાં લઈને બહાર આવી. ગામના લોકો આવી સાક્ષાત મહાકાળીને જોઈ બધી વાત સમજી ગયાં, લંપટ સાધુનો પર્દાફાશ થયો અને સહુએ કામિનીની હિંમતને વખાણી.
મા જગદંબાની સાચી આરાધના કરનાર કામિનીનો કોઈ વાળ વાંકો ન થયો. બધા એ સાચા અર્થમાં આસુરી શક્તિ પર વિજય મેળવનાર આરાધનાના પર્વની રંગેચંગે પૂર્ણાહૂતિ કરી. દશેરાનાં દિવસે એક સાચા રાવણને માર્યાનો, રાવણ દહન ઉત્સવ પણ ઉજવ્યો.
