પ્રેમની અનુભૂતિ
પ્રેમની અનુભૂતિ
રાજધાની દિલ્હી અને તેમાં ચારેબાજુથી કોરોના મહામારીનાં કેસોની વધતી જતી વાતો. શીલા, સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે જોડાઈ હતી. સંકેત ત્યાં જ એક એમડી ડોક્ટર તરીકે જોડાયેલ હતો. શીલા અને ડૉ.સંકેતની ડયૂટી મોટેભાગે સાથે જ આવતી હતી. શરૂઆતમાં ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ, યસ સર, જેટલી જ ઓપચારીક વાતો બંને વચ્ચે થતી હતી.
શીલા કાયમ ડોક્ટર સંકેતને એક અકડું તરીકે જ ઓળખતી. શીલાનાં મનમાં એક એવી જ છાપ કે ડૉ.બહુ કડક છે, પથ્થર દિલ છે. માનવતા જેવું કશું નથી. દર્દીની સારવાર કરતી વખતે પણ તેમને કોઈ દયા નથી આવતી. આમ, શીલાનાં મનમાં સંકેત પ્રત્યે એવો કોઈ ખાસ લગાવ ન હતો, પણ હા ! તેનું કદ,કાઠી, રૂપ, દેખાવ તેને આકર્ષિત કરતાં હતાં. આથી જાણ્યે અજાણ્યે શીલા સંકેત તરફ ખેંચાતી જતી હતી.
એક સમય કોરોનાનાં કેસ ખૂબ આવવાં લાગ્યાં.આખી હોસ્પિટલમાં ખૂબ જ દોડાદોડી થઈ ગઈ, સ્ટાફ બધો જ ઇમર્જન્સીમાં બધી સગવડ કરવા લાગ્યાં, જોયું કે ડોક્ટર સંકેત જાતે દર્દીઓની સારવારમાં લાગી ગયાં હતાં. તેમણે બધાની સગવડ કરી દવા આપી. પછી બધા જ ડોક્ટર, નર્સ, વોર્ડબોય, દવાખાના તમામ કર્મચારીઓની, તાત્કાલીક મીટિંગ બોલાવી બધાને જણાવ્યું કે કોરોનાં અદ્રશ્ય, ન દેખાય તેવો ઘાતક રોગ છે. દર્દી સાથે દૂરથી અને પીપીટી કીટ પહેરીને કામ કરો. ઓક્સિજનના બોટલની પૂરતી સગવડ રાખો. સફાઈ કર્મચારીઓને સેનેટાઈઝરથી વારંવાર સફાઈ કરવાનું સૂચન આપ્યું. આવેલ દર્દીઓને જિંદગી જીવવાનું સાહસ, હિંમત અને જુસ્સો આપો. નકારાત્મક એક પણ વાત ન કરવી, બધા સાથે હસીને, મસ્તીથી તેમને આનંદ મળે, તેવી મીઠી ભાષામાં વ્યવહાર કરવા જણાવ્યું. દર્દી પાસે અન્ય કોઇ સગા સંબંધી ન આવે તેની કાળજી રાખવી, અને દર્દીને ગંભીરતાની જાણ કર્યા વિના આરામથી તેને હકારાત્મક વિચારોની વાત કરતાં, સારવાર કરવા જણાવ્યું.
શીલા તો આ સાંભળી નવાઈ પામી ગઈ, તે તો ડોક્ટર સંકેતને અક્ડું, દયા વગરનો માનતી હતી, આજે તેને સાચા સંકેતનાં દર્શન થયાં તેવું લાગ્યું. દરેક કર્મચારી ડોક્ટર સંકેત ના કહેવા મુજબ તમામ દર્દીની સારવાર અને કામ કરવા લાગ્યાં, શીલા અને ડોક્ટર સંકેત બધા દર્દી પાસે સાથે જ જતાં, ડૉ સંકેત જે કહે તે દવા શીલા લખી લેતી અને દર્દી સુધી પહોંચાડી દેતી. આમ ! આ ક્રમ નિત્યનો થઈ ગયો. તેમનાં હાથે ઘણાં દર્દી સારા થઈને ઘરે ગયા. કોરોનાનો કહેર દેશ, વિદેશ અને ગામે ગામ ફેલાઈ ચૂક્યો હતો. અહીં સિવિલ હોસ્પિટલ હવે તો "ડૉ.સંકેતની હોસ્પિટલ" નામથી ઓળખાવા લાગી. દિવસ રાત કોરોનાનાં દર્દીઓની દિલ થી અહીં સારવાર કરવામાં આવતી. લોકોને હવે ડૉકટરમાં ભગવાન દેખાવા લાગ્યાં. એમનાં સિવાય કોરોના માં કોઈ સારવાર અને સાજા કરી શકે તેમ ન હતાં. નર્સ, ડૉકટર, સફાઈ કર્મચારી જ રોગીઓનું ઘ્યાન રાખતાં હતાં. રાત દિવસ આ બધાં કોરોના દર્દીઓનું પોતાની જાત કરતાં વધુ કાળજી રાખતા હતા.
એક દિવસ બધા દર્દીને તપાસતાં તપાસતાં ડૉ.સંકેતને ચક્કર આવવા લાગ્યાં અને તે પડવા લાગ્યાં, શીલાએ તેમને ટેકો દીધો અને ત્યાં જ પલંગ પર સુવડાવ્યા. ડોક્ટર સંકેતને ખૂબ જ તાવ ભરાયો હતો, શીલા જાણતી હતી આવા સમયે કઈ દવા આપી શકાય, તેણે દવા આપી, માથે ઠંડા પાણીનાં પોતા મૂક્યા, સંકેતને પણ કોરોના થયો એવી શંકા થવા લાગી, તાવ ઉતરતાં ડોક્ટર સંકેતે શીલાને જણાવ્યું કે "તમે મારી સેવા કરી છે તે માટે આભારી છું. ઘણા સમયથી તમને ચાહવા લાગ્યો છું ,પણ કહી શકતો ન હતો. હવે હું મૃત્યુના બારણે આવીને ઊભો છું. આ કોરોના મારો શ્વાસ રૂંધી રહ્યો છે, ત્યારે હું ખોટું નહીં બોલું. તમે ખૂબ સુખી થાવ, ક્યારેક યાદ કરજો હું મારા પ્રેમને તમારી સામે ક્યારેય વ્યક્ત ન કરી શક્યો. રાત દિવસની અથાગ મહેનતને કારણે મારામાં કોરોનાની સામે લડવાની હવે તાકાત નથી રહી. શીલા તારી સાથે લગ્ન કરી સરસ મજાનું પ્રેમમય જીવન જીવવા માંગતો હતો પણ હવે મને મારો અંત નજીક દેખાય છે."
સંકેતની વાત સાંભળી શીલા સૂનમૂન થઈ ગઈ. "સંકેત ! તમને કશું નહીં થાય. કોરોના મટી જશે. આપણે સાથે પ્રેમભરી જિંદગી જીવીશું."
શીલાનાં શબ્દો સાંભળી સંકેતનાં મનને જાણે રાહત મળી. શીલા સામે પ્રેમભરી નજરથી જોતા જોતા "શીલા ! આઈ લવ યુ !" આ શબ્દો બસ એના અંતિમ શબ્દો હતા. શીલા તો પથ્થર બની ગઈ હતી. તેના કાનમાં ડોક્ટર સંકેતનાં શબ્દો ગુંજવા લાગ્યાં, શીલા માટે સંકેતનો આ નાનકડો પ્રેમ એક અમીટ યાદ છોડીને ગયો. શીલાના મનમાં હજૂ પ્રેમનાં અંકુર ખાલી ફૂટી જ રહ્યાં હતાં, શીલા તો હજૂ પ્રેમને સમજી પણ શકી ના હતી ને કુદરતે ડૉ સંકેતને તેની પાસેથી છીનવી લીધો.
શીલાએ પછી ક્યારેય લગ્ન ના કર્યું અને તે જ હોસ્પિટલમાં દર્દીઓની સેવા ચાકરી કરવા ત્યાં જ રહી, શીલાને દરરોજ હોસ્પિટલનાં ખૂણે ખૂણે ડોક્ટર સંકેતની વિવિધ છબીઓ દેખાતી. તે માનતી ડૉકટર સંકેત તેની સાથે છે અને બંને સાથે સેવા કરતાં રહ્યાં. દુનિયામાં આવા પ્રેમ નિભાવનારા પણ હોય, પ્રેમ માટે કયારેક સમય ભલે થોડો હોય પણ તેની અનુભૂતિ વિશાળ હોય.
શીલાએ જિંદગી ડૉ સંકેત પ્રત્યેની આવી જ નાનકડી પ્રેમની અનુભૂતિમાં વીતાવી દીધી. શીલા માટે સંકેતનું આદર્શ હોસ્પિટલનું સ્વપ્ન પૂરું કરવું જરૂરી હતું. આ પ્રેમની દેવીએ આ બીડું ઝડપ્યું અને આખી જિંદગી બસ એ પૂરું કરવામાં વીતાવી.

