હું તમને પ્રેમ કરું છું પપ્પા
હું તમને પ્રેમ કરું છું પપ્પા
ગગનમાં સૂર્ય ના હોય અને સમગ્ર પૃથ્વી એક અંધકારમય વાતાવરણમાં ગરકાવ થઈ જાય છે ,તેમ જીવનમાં પિતાનું મહત્વ છે. સૂર્ય જેવા જ પરિવારનાં સહુનાં જીવનમાં પ્રકાશ પાથરનાર, સવારે જેમ સૂર્ય શીતળ હોય, બપોરે ગરમી આપનાર અને સાંજે પાછો ઠંડક આપે તેમ પરિવારમાં પિતા સૌને પ્રેમથી રાખે, આપણી તમામ જરૂરિયાતને પૂરી કરે, બધાનાં મનની તમામ ઈચ્છાઓને માન આપી એને પૂરી કરવા તનતોડ મહેનત કરે. અચાનક બધાની ઈચ્છાઓની પૂર્તિ કરી, ખુશીઓનું વાતાવરણ ઉભું કરે, તો ક્યારેક ખોટી બાબતોમાં ગરમ થાય, ગુસ્સો કરે પણ પાછા ઉપરથી કઠોર દેખાતા એવા પિતા નરમ હૃદયનાં માલિક પણ છે, તેથી પાછા ઠંડા પડી ભરપૂર પ્રેમ વરસાવતા હોય છે.
મિત્રો ! જગતમાં મા ની તોલે કોઈ ના આવે એમ કહેવાય છે, પરંતુ મારું માનવું છે કે પિતા બન્યા બાદ પુરુષનું એક અલગ વ્યક્તિત્વ નિખરે છે. તે સંપૂર્ણ પરિવારને સમર્પિત પાત્ર બની જાય છે. સૌથી પહેલા પરિવારજનોની જરૂરિયાત, તેમની ઇચ્છાઓ, તેમના સપનાઓ પૂરા કરવામાં જ એમની જિંદગી પૂરી થઈ જાય છે. પિતા બન્યા બાદ એ આગવું વ્યક્તિત્વ એક ઠરેલ પણ એક જવાબદાર માણસ બની જાય છે. ખરા અર્થમાં પોતાના કુટુંબને સાથે લઈ ચાલનાર પથિક બને છે.
પિતા ગમે તેવાં ઉચ્ચ હોદ્દા પર હોય તોય તે ઘરમાં આવે એટલે બાળકોનાં પિતાને પત્ની માટે જીવનસાથી બની જાય છે. ઘરની જવાબદારી ,રોજિંદી વસ્તુઓ લાવવી, બાળકો સાચવવા, રમાડવા, તેમની સાથે સમય પસાર કરવો તેમનું નિત્ય કાર્ય બની જાય છે. એમાં જ એમને સંતોષ મળે છે. પોતાની જાત માટે ખર્ચ કરવાનું ઓછું કરી દે છે. નાછૂટકે જ પોતાની વસ્તુઓ ખરીદી કરે છે. સહુથી પહેલા પરિવારજનોની માતા-પિતા, ભાઈ-બહેન, પત્ની, દીકરા દીકરી માટે રૂપિયા વાપરે છે. પિતા તરીકે ઘર કુટુંબ ચલાવવા આગવું આયોજન હોય છે. માતા લાડ લડાવે છે, અને પિતા લાડ તો કરે છે સાથે ગુસ્સો પણ કરે છે ,તેથી દરેક પરિવારમાં એક સંયમ, શિસ્ત, શિષ્ટાચાર, આમન્યાનું પાલન થાય છે. પિતા બન્યા બાદ એક ઠરેલપણું આવી જાય છે. જેનાથી તે એકદમ ખુલ્લા થઈને બાળકો સાથે ભળતાં નથી. જેથી બાળકોમા થોડી એમની ધાક રહે છે, તે પોતાના હૃદયને મીણ માંથી પથ્થર બનાવી દે છે.
માનવીનું પિતા બનવું એક સૌભાગ્ય ગણાય છે. પિતા બન્યા બાદ સંપૂર્ણ પુરુષત્વનો આભાસ થાય છે. બાળકો સાથે મિત્ર ,સખા જેવા બની ખૂબ મસ્તી કરે છે, અને તેમનાં મનની વાત જાણે છે, એક મિત્ર બની એક વિશ્વાસ જગાડે છે, તો ક્યારેક ભાઈ બને છે અને ઘરમાં તેમની સાથે જવાબદારી પણ નિભાવે છે. એક ગુરુ બની સાચું માર્ગદર્શન આપે છે. બાળકો ભલે ન સમજે કે માતા-પિતા કરતાં વધુ પ્રેમ કોઈ ન કરી શકે, માતા-પિતા ક્યારેય પોતાના બાળકને ભૂલતાં નથી, અને તેના પ્રત્યેની ફરજો પાસે કે દૂર રહીને બજાવે જ છે. એમના મુખમાંથી ક્યારેય બાળકો માટે ખરાબ આશીર્વાદ નીકળતા નથી.
પિતૃ દિવસ એક દિવસ માટે નહીં પણ દરરોજ જ હોવો જોઈએ ,કેમ કે સૂર્યનું દરરોજ હોવું જરૂરી છે. તેમ દરેક કુટુંબ માટે પિતા હોવા જરૂરી છે. પિતા વિનાની જિંદગી જેને વિતાવી હશે, તે પિતા માટેનું સાચું દર્દ સમજી શકે છે.
પિતા એક છત્રી છે, એક વટવૃક્ષ છે. જેની છાયામાં તમામ પરિવાર એક રક્ષણની લાગણી અનુભવે છે. દરેક પિતા પોતાનાં બાળકને પોતાનાં નામની સાથે સમગ્ર કુટુંબ અને પોતાની તમામ ઈજ્જત, માન, મર્યાદા બધાનાં ભાગીદાર બનાવે છે. કુળનાં સંસ્કાર, રીત રિવાજ બધું જ આપે છે.
એક પિતા જ છે જે કાયમ ઈચ્છે છે કે મારો દીકરો, દીકરી મારા કરતાંય વધુ આગળ વધે, ખૂબ નામનાં કમાય. પોતાની પ્રશંસા કરતાંય પોતાનાં બાળકોની પ્રશંસા તેમને વધું ગમે છે.તેમને એમનાં દીકરા દીકરીનાં પિતા તરીકે ઓળખાવું પસંદ કરે છે.
દુનિયામાં પિતાનું વ્યક્તિત્વ અનોખું છે. આવું વિરલ વ્યક્તિત્ત્વ ધરાવતાં પિતા હોય છે તેથી જ હું તમને પ્રેમ કરું છું પપ્પા !
