માતા પિતા
માતા પિતા
ભારત દેશનાં ઉત્તરાખંડમાં આવેલ કોટદ્વાર નામનાં ગામમાં બાલકૃષ્ણ પારાશર શર્મા નામની વ્યક્તિ જન્મે છે, ધીમે ધીમે મોટી થતા તે પોતાના મામાને ત્યાં ગુજરાત આવીને સ્થાયી થઈ. મામાને ત્યાં જ ભણ્યા અને પછી ગુજરાતમાં જ સાર્વજનિક હાઈસ્કૂલ કાવીમાં શિક્ષક તરીકેની નોકરીની શરૂઆત કરી. દેવયાનીબેન જયનારાયણ શુક્લા નામની સ્ત્રી સાથે અહીં ગુજરાતમાં જ લગ્ન કરીને સ્થાયી થયા.
આ સૃષ્ટિની ઉપર જ્યારથી મનુષ્યનો જન્મ થયો છે, ત્યારથી બીજા મનુષ્યનાં જન્મ માટે સ્ત્રી અને પુરુષ બંનેની જરૂર પડે છે અને તે બંને લગ્નગ્રંથિથી જોડાઈને બાળકને જન્મ આપે છે. ત્યારે ખરા અર્થમાં માતા-પિતા બને છે.
બાલકૃષ્ણ શર્મા અને દિવ્યાનીબેન શર્મા બંનેના લગ્ન બાદ તેમને એક પછી એક ત્રણ સંતાનો થયા. સૌથી મોટી કિરણ શર્મા, પછી ધવલ શર્મા અને પછી જીગ્નેશ શર્મા. ખૂબ મજાનું પાંચ વ્યક્તિઓનું એક અલાયદુ કુટુંબ હતું. ખૂબ જ પ્રેમથી બધા રહેતા હતા. બાલકૃષ્ણ શર્મા પહેલેથી જ લેખન કળામાં મા સરસ્વતીનાં વરદાનથી સાહિત્ય ક્ષેત્રે ઘણું લેખનકાર્ય કરી રહ્યા હતા અને "પ્રકાશ" ઉપનામથી જાણીતા હતા. એક દિવસ ટૂંકી બીમારીની અંદર અકાળે તેમનું મૃત્યુ થયું અને દેવ્યાની શર્મા પોતાનાં ત્રણ બાળકો સાથે પતિ વિનાની નિરાધાર બની ગઈ. તે વખતે ભણતર કામ લાગ્યું અને દેવ્યાની શર્માને પણ ખાસ કેસમાં શિક્ષિકા તરીકેની પ્રાઈમરી સ્કૂલમાં નોકરી મળી ગઈ. જેથી કરીને એ પોતાના ત્રણે બાળકોને સારી રીતે શિક્ષણકાર્ય કરાવીને મોટા કરી શકી.
દેવ્યાની શર્માના માતા નિરંજનાબેન મિશ્રા એમને સંતાનમાં ફક્ત એક જ દીકરી હોવાને કારણે મા દીકરી અને આ ત્રણ નાના બાળકો એક સાથે એક જ ઘરમાં રહીને ખૂબ સારી રીતે જીવન નિર્વાહ કરવા લાગ્યા. ઘણી ચડતી પડતી જીવનમાં આવતી રહી, ઘરમાં પુરુષ તરીકે, મોભ કે વડીલ ગણો એવું કોઈ હતું નહીં. બાળકો ખૂબ નાના હતા પણ સમયને જતા ક્યાં વાર લાગે છે. ધીમે ધીમે બધા મોટા થયા અને વારાફરતી ત્રણે બાળકોને પરણાવીને દેવયાની શર્માએ પોતાની જીવન લીલા સંકેલી લીધી.
માતાની સાથે જ સમગ્ર જીવન સંઘર્ષમય વિતાવવાને કારણે કિરણ અને માતા વચ્ચેનો પ્રેમ અતૂટ હતો. દીકરી તરીકે તે માતાને ખૂબ સારી રીતે સમજી શકતી હતી, એકલે હાથે ત્રણ બાળકોને મોટા કરવા કંઈ ખાવાના ખેલ ન હતા. સમાજની નજરોથી ઘણી બધી વખત મા દીકરી એકબીજાને બચાવીને કામ કરી રહ્યા હતા. પિતા એ ખરેખર ઘર માટે, કુટુંબ માટે એક સૂર્ય સમાન હોય છે. તે ન હોય તો સાચે જ જીવનમાં અંધકાર લાગતો હોય છે. દરેક નાના મોટા કાર્યો માટે અન્ય લોકોની મદદ લેવી પડતી હોય છે. કાલાવાલા કરવા પડતા હોય છે. ઘણીવાર અપમાનિત પણ થવું પડતું હોય છે અને દરેક કાર્ય માટે ઘણી બધી વાર લાગતી હોય છે, પરંતુ કુદરત આગળ બધા લાચાર હોય. પિતા ખરેખર જ ન હોય ત્યારે જિંદગી ઘણી અઘરી થઈ પડતી હોય છે. એ તો જેને પિતા ન હોય તે સમજી જ શકે છે, પરંતુ માતામાં પણ કુદરતે એવા હિંમતનાં, સાહસનાં અને દ્રઢ નિશ્ચયનાં તથા મક્કમ મનોબળની અનેક ગણી શક્તિનાં વરદાન આપી દેતા હોય છે. જેનાથી મા પોતાના બાળકોને સાચવીને, પોતાની પાંખમાં સંકેલીને રહેતી હોય છે.
કુટુંબ માટે બંનેની જરૂર ખૂબ જ હોય છે. જ્યારે એ બંને જીવનમાં નથી રહેતા ત્યારે જ ખરી કિંમત એમની થાય છે. માતા-પિતા વિનાનું જીવન સાવ અધૂરું ઉણપવાળું જણાઈ આવે છે. એ સ્નેહ, એ પ્રેમ દુનિયાની અન્ય કોઈ વ્યક્તિ આપી શકતી નથી. એ હિંમત, એ લાગણી, એ અતૂટ વિશ્વાસ કોઈપણ કાર્ય કરવામાં સીધો કે આડકતરો માતા-પિતાનો સપોર્ટ, સાથ સહકાર મળે તો જીવનમાં કંઈક કરવાની ઈચ્છાઓ જાગૃત રહે છે. જ્યારે પણ માતા-પિતા નથી રહેતા ત્યારે આ ખોટ વર્તાય છે. આ ત્રણેય બાળકોના જીવનમાં પણ કાળક્રમે ધીમે ધીમે માતા, નાની એ બધા સ્વર્ગલોકમાં જતા રહ્યા હોવાથી ત્રણેય ભાઈ-બહેન એકલા પડે છે. પોતાનું લગ્નજીવન શાંતિથી જીવતા હોય છે, છતાં એકમેકનાં સહારે એ લોકો રહે છે. સમય જતા ધીમે ધીમે એમના પણ છોકરાઓ થાય છે અને તે પણ મોટા થતા જાય છે. ઘણી બધી બીમારીઓનો ભોગ બનીને ચેતન શર્મા તો પોતાનું જીવન ટૂંકાવી માતા-પિતાને મળવા નીકળી જાય છે, પરંતુ ત્યારબાદ ભાઈ બેન એકલા રહી જતા જીવનમાં જાણે ઘણું બધું ખાલીપાનો અનુભવ થાય છે. પોતે જ્યારે મા-બાપ બને છે, ત્યારે પોતાના સાચા મા બાપની કિંમત તેમને અંકાય છે. જીવનમાં ઘણા બધા ચઢાવ ઉતાર આવે છે. ઘણા બધા સારા નરસા પ્રસંગો આવે છે. લગ્નપ્રસંગો પણ આવે છે, ત્યારે પોતાના માતા પિતાની ખોટ તેમને ખૂબ જ વર્તાય છે. ભાઈ ના જતા રહ્યા બાદ પણ ભાઈનાં કુટુંબની જવાબદારીઓ પણ આ લોકોના માથે આવે છે, બને એટલી મદદ કરવા બધા પ્રયત્ન કરે છે. માતા પિતાનું ઋણ ચૂકવવું આજીવનમાં ક્યાંય સરળ નથી. ગમે તેટલું કરીએ તો પણ ક્યારેય એમના ઋણમાંથી આપણે મુક્ત થઈ શકતા નથી. આટલું સરસ જીવન અને મારા પિતાનાં આશીર્વાદ હંમેશા અમારી સાથે છે. એ જ લાગણી સાથે આગળ પણ બધા અમે રહી રહ્યા છીએ.
