kiranben sharma

Inspirational Others

4.8  

kiranben sharma

Inspirational Others

દાદાનું વતન

દાદાનું વતન

4 mins
425


આકાશ તેના દાદાનાં ખોળામાં બેઠો હતો. દાદા પાસેથી ઘણી બધી વાર્તા એ રોજ સાંભળતો અને દાદાને ઘણા બધા પ્રશ્નો પૂછતો.

 આકાશે આજે ટીવીમાં એક ગીત સાંભળ્યું, જેના શબ્દો હતાં." હમ જીયેંગે ઔર મરેંગે એ વતન તેરે લિયે" તો આકાશને મનમાં એક પ્રશ્ન થયો.

" દાદા ! આ વતન એટલે શું ?"

 દાદાનાં મુખ પર એક અનોખું હાસ્ય છવાઈ ગયું. તેમણે આકાશ સામે જોયું અને કહ્યું," વાહ બેટા ! ખૂબ સરસ પ્રશ્ન તે મને પૂછ્યો છે. વતન એટલે શું ? આ શબ્દ સાંભળતા જ મારા મનમાં અનેક યાદોની વણજાર ચાલુ થઈ ગઈ. આવ ! બેસ ! તને હું વતન વિશે સમજાવું."

દાદા એ આકાશને ખોળામાં બેસાડ્યો અને સમજાવવા લાગ્યાં.

" બેટા ! જે જગ્યાએ આપણો જન્મ થાય, એ ગામ આપણું વતન કહેવાય. જન્મભૂમિ કહેવાય. જે જગ્યાએ આપણું ગામ વસેલું હોય તે તાલુકો, જિલ્લો, રાજ્ય અને એ દેશ પણ આપણું વતન કહેવાય. વિશ્વમાં એક ઓળખ માટેનાં આ બધા સ્થળો છે. એ તમામ આપણી સાથે સંકળાયેલા છે અને તેથી જ એ આપણું વતન છે."

આકાશ, "હે દાદા ! તમારું વતન કયું છે ? આકાશે નિર્દોષતાથી પૂછ્યું, બેટા ! મારો જન્મ તો એક નાનકડા ગામ રતનપુરમાં થયો હતો. આજે તો એ ગામ પણ ખૂબ વિકાસવાળું બની ગયું છે. પરંતુ, મને હજૂ યાદ છે કે ગાળો, માટી અને લીંપણથી બનાવેલું મારું ઘર, જ્યાં ચાર બાજુ દીવાલો અને એક બારણું હતું. તો નાના બે અજવાળિયા માટે બાકોરા હતાં. તે વખતે અમારા ઘરમાં ક્યાંય નાના એવા ઓરડાઓ ન હતા. ઘરનો એક ખૂણો રસોડું એની બાજુમાં પાણિયારું જોવા મળતું. ડામોચીયા પર ગોદડાનો ઢગલો કરી દેવામાં આવતો. ગોદડા ને શીકી દેવામાં આવતા. લાકડાના પાટીયા મૂકીને વાસણો ગોઠવવામાં આવતા અને ખીટી ઉપર કપડાં ભેરવી દેવામાં આવતાં. ઘરમાં કોઈ કબાટ કે પલંગ એવું કશું જોવા ન મળતું. પડદા લગાડીને અલગ એક કપડાં બદલવા માટેની જગ્યા બનાવેલી. ચૂલા પર જ રસોઈ થતી અને ઘરની બહાર ખાટલા ઢાળીને બધા બેસતા, નાની મોટી ઓટલીઓ બનાવી ઘરને શણગારતા. ઘરની પાછળ વાડામાં કંતાન કે કરાંઠીયોથી એક સ્નાનાગાર એટલે કે બાથરૂમ બનાવાતું. સંડાસ કરવાં તો અમારે લોટો લઈને દૂર ખેતર બાજુ જવું પડતું. ઘરની બહાર સરસ મજાના નાના-મોટા ફૂલ છોડ અને ઝાડવા રોપતા ઉછેરતા અને વાડામાં ગાય, ભેંસ, બકરી, બળદ જેવા ઢોર રાખતાં. રાત્રે મોટે ભાગે બધા બહાર ઢાળિયા ઢાળીને સૂતા. તે સમયનું ગ્રામ્ય જીવન સારું છે કે હવે તમને બધાને જીવવા નથી મળ્યું, પરંતુ અમે એમાં પણ ખુશ હતા. એ ચૂલા પરનું રાંધેલું ખાવાનું ખૂબ ભાવતું. ગામનાં તળાવે નાહવા જતાં. ખેતરે જવા માટેના બળદગાડા, ગામના ચોકમાં સરપંચો અને બીજા લોકો ભેગા મળીને ન્યાય કરતા, તો રોજ સવાર સાંજ નજીકના મંદિરમાં બધા ભેગા થઈને આરતી પૂજા કરતા, એ મજાના દિવસો, એની યાદ આજે પણ આવે, ત્યારે મનમાં થાય છે કે ચાલને પાછા વતનમાં જઈએ, ચાલને એ વતનની ધૂળથી માથું ભરી લઉં. જે શાંતિ, જે સંતોષ, જે આત્મીયતા, પ્રેમ, લાગણી, જે એકબીજા પ્રત્યેની ભાવના એ બધું હવે અહીંયા ક્યાં દેખાય છે. એકબીજાના દુઃખમાં દુઃખી, એકબીજાના સુખમાં સુખી, ત્યારે જીભની કિંમત હતી. બોલની કિંમત હતી. વચનની કિંમત હતી અને એ વચનને ખાતર એક બોલ આપ્યો હોય એને ખાતર દરેક માણસ કંઈ પણ કરી છૂટવા માટે તૈયાર હતા. આજે એ બધું ક્યાં જોવા મળે છે !" 

આકાશ, " દાદા ! શું તમે તે વખતે ખૂબ ગરીબી જોઈ હતી ?" 

દાદા," હા બેટા ! તમારી ભાષામાં કહીએ તો એ ગરીબી કહેવાય પરંતુ મારા માટે તો એ અમીરી કરતા પણ વધારે અમીરી હતી. કારણ કે તે વખતે અમે સંતોષથી, સુખથી રહેતા હતા. અમે બધા જ એક સરખા હતા એટલે અમને દુઃખ કોને કહેવાય, દરિદ્ર કોને કહેવાય, ચડસા ચડસી, દેખાદેખી એવી બધી બિલકુલ ખબર ન હતી અને એને કારણે અમે મસ્તીથી રહેતા હતા." 

 આકાશ,"દાદા ! શું અમને એવું બધું ક્યારેક જોવા મળશે ખરું ?"

દાદા," બેટા ! હવે એ પેઢીઓ ક્યાં પાછી ફરી શકે ? હવે તો તમે લોકો ટેકનોલોજીના યુગમાં જીવતા થઈ ગયા છો. જ્યાં સુધી તારા દાદા જેવી બધી વ્યક્તિઓ છે. હજૂ ત્યાં સુધી કદાચ થોડા ગામડાઓની આછેરી ઝલક આપતી તે વખતની યાદો છે. કદાચ કોઈ કોઈ જગ્યાએ એવા ગામોનું અસ્તિત્વ પણ છે. પરંતુ હવે પછીના સમયમાં આગળ વધતા, ધીરે ધીરે એ પણ નામશેષ થઈ જશે. ચાલ બેટા ! હવે તું જમી લે. બહુ વાતો કરી દીધી. આજે તો ખબર નથી કેટલી તને સમજ પડી હશે પરંતુ ખરેખર ! તેં આજે મને મારા વતનની ખૂબ યાદ અપાવી દીધી છે. હું પણ થોડીવાર હવે આડો પડું અને મારા સ્મરણમાં મારા વતનને વાગોળી લઉં." 

આકાશ ને દાદાની વાતમાં ઝાઝી સમજ ન પડી પણ તે એટલું સમજ્યો કે વતન થી દાદાને ખૂબ પ્રેમ છે. તે દોડતો તેની મમ્મી પાસે જતો રહ્યો. 


Rate this content
Log in

Similar gujarati story from Inspirational