kiranben sharma

Tragedy Classics Inspirational

4.4  

kiranben sharma

Tragedy Classics Inspirational

વીજળી જેવો આઘાત

વીજળી જેવો આઘાત

3 mins
435


સમગ્ર પૃથ્વી પર તમામ જીવ જંતુ, પશુ-પક્ષી, પ્રાણી અને તેમાંય ખાસ કરીને માનવીને પ્રેમ, લાગણી, આશા- નિરાશા અને હૂંફની વિશેષ જરૂરીયાત હોય છે. જગતના તમામ દુઃખો સામે હિંમતભેર સામનો કરી શકે જો તેને કોઈ પ્રેરણા, ઉત્સાહ અને સાહસનાં બે મીઠા બોલ બોલનાર હોય.

માનવી આમ તો ખૂબ જ ભાવુક હોય તેના વિચારો આસમાનમાં ઊડતાં પંખીની જેમ ઊંચા ઊંચા મિનારાઓ અને આસમાનને આંબીને આગળ વધી જવાના હોય છે. શૌર્ય, હિંમત, સાહસમાં માનવી અજોડ ગણાય છે. વળી તે બુદ્ધિશાળી પણ છે અને ઊંચા સપના જોવાની આદત તેને નાનપણથી જ હોય છે.

માલતી પણ આવી જ એક સાહસિક, આશાઓના ઊંચા શિખરો સર કરવાની ઈચ્છા ધરાવનારી અલ્લડ યુવતી હતી. ખૂબ જ રૂપાળી ઘાટીલી દેખાવડી પહેલી નજરે ગમી જાય, લાંબા વાળ મારકણી આંખો ગુલાબી હોઠ અને ગાલમાં પડતા ખંજન, મધૂરો અવાજ અને મનમોહક સ્મિત, એકવડી કદ કાઠી, સામાન્ય કુટુંબમાં જન્મ થયો હતો. મા-બાપ બન્ને સરકારી સ્કૂલમાં શિક્ષક હતા. તેમની એકની એક સંતાન, ખૂબ લાડકોડથી ઉછેરીને મોટી કરી હતી.

માલતી અલ્લડ અને મસ્તીખોર સ્વભાવની હતી. બધી બહેનપણીઓમાં બધાને પ્રિય હતી. તેના ફળિયાંમાં રહેતા મનોજ સાથે તેની આંખ મળી જાય છે, એક રીતે જોવા જઈએ તો મનોજે માલતીનાં ભોળપણનો લાભ લઈ ફસાવી હતી. માલતીને મનોજ પર ખૂબ જ ભરોસો હતો, તે એને સાચે જ પ્રેમ કરતી હતી, મનોજ તો સ્વભાવનો છેલબટાઉ હતો. તેનું મન એક છોકરીથી ભરાય તેમ ન હતું. આથી બીજી છોકરીઓને પણ ફસાવા લાગ્યો.

માલતીને એક દિવસ આ બાબતની જાણ થઈ, તેથી તેણે મનોજ સાથે ગુસ્સો કર્યો અને તેને છોડી દીધો. મનોજનું પુરુષ મન આ સહન ન કરી શક્યું, તેણે માલતી સાથે બદલો લેવાનું નક્કી કર્યું આથી એક દિવસ તેણે ષડયંત્ર યોજીને લાગ જોઈ, માલતીનાં મોં ઉપર એસિડ બોટલ મારી, ખૂબ જ જલદ એસિડથી માલતીનાં ચહેરા પર, હાથ પર ખૂબ જ જલન થવા લાગી.

માલતીનાં માતા-પિતા તો આ જોઈ ડઘાઈ જ ગયાં. એમનાં પર તો જાણે વીજળી તૂટી પડી. પોતાની એકની એક દીકરીની આ હાલત તેમનાંથી જોવાતી ન હતી. હિંમત ભેગી કરી માલતીને તાત્કાલિક દવાખાને લઈ ગયાં, માલતી ચહેરા પર ખૂબ જ દાજી ગઈ હતી, નાના-મોટા ત્રીસ ચાલીશ ઓપરેશન કર્યા બાદ, માલતીનાં મોં પર માંસ, ચામડી આવી, આંખો ખોલી શકી. માલતીનું આખું મોં ઘણું બધું બદલાઈ ગયું હતું. માલતીથી અરીસામાં તેનું મોં જોઈ શકાતું ન હતું. તે ખૂબ રડી, હિંમત હારી ગઈ,

"પપ્પા મમ્મી! તમે મને કેમ બચાવી ? મને મારી નાખો, આવું મોઢું લઈને હું કેવી રીતે જીવું ?" આમ સતત વલોપાત કરતી હતી. માલતીનાં મમ્મી પપ્પા મૂળ શિક્ષક હતાં. ગામ આખાનાં બાળકોને હિંમત, શૌર્ય, પ્રેમનાં પાઠ ભણાવતાં હતાં, તેમણે માલતીને હિંમત આપી, સાંત્વના આપી, માનવીનાં કર્મો તેની ઓળખ છે, માનવી ચહેરાથી નહીં તેના કામથી ઓળખાય છે, માલતી પાસે રોજ હિંમતની, સાહસની વાત કરતાં, માલતીમાં તૂટેલો આત્મવિશ્વાસ જગાડતાં.

"રોજે રોજ પોતાની જાતે બેઠા થયેલાં, માનવી હાથ-પગ વિનાનાં પણ કેટલું સારું કામ કરે છે, આંખ વિના પણ કેટલું સરસ જુએ છે, તેઓ પણ સરસ કામ કરી શકે છે. શારીરિક રીતે કોઈપણ ખોડખાપણવાળા જો સરસ કામ કરી શકે, જીવનને આનંદથી વ્યતિત કરી શકે છે, તો તું કેમ નહીં ? એક ચહેરાનાં સૌંદર્ય સિવાય, તારી પાસે બીજું બધું જ છે. માટે હિંમત ના હાર, શ્રદ્ધા રાખ, આત્મવિશ્વાસ જગાડ."

માલતી ધીરે ધીરે સ્વસ્થ થવાં લાગી. માતા-પિતાની હિંમત અને આશ્વાસનથી પોતાનાં બળેલાં ચહેરા સાથે નવા જીવનની શરૂઆત કરતાં શીખી રહી, માલતીનો ચહેરો મનોજે બગાડ્યો હતો, પણ અવાજ નહીં , માલતીનો અવાજ ખૂબ જ મધૂર હતો. એ અવાજને તેણે પોતાનું હથિયાર બનાવ્યું અને આજે રેડિયો આકાશવાણી પર, વિવિધ કાર્યક્રમોની જાહેરાત, વાર્તાઓ, પ્રેરણાદાયી વાતો કહી બધાની લોકપ્રિય બની ગઈ. બધાં તેને સૂરીલી માલતીનાં નામથી ઓળખવાં લાગ્યાં, માલતી હર હંમેશ યુવતીઓને છેલબટાવ યુવાનોથી દૂર રહેવા સમજાવતી, આત્મનિર્ભર બની જાતે સ્વપ્નને પૂરા કરવા સમજાવતી.

માલતી રોજ સવારે પોતાના મીઠા અવાજે લોકોની નીંદર ઉડાડે છે, ભલે ચહેરો તેનો કદરૂપો પણ અવાજથી એ બધાનાં દિલોદિમાગ પર છવાયેલી રહેતી. દરેક યુવાન યુવક યુવતીનાં દિલની અવાજ બની તે ગૂંજતી હતી, માનવીને પ્રભુએ ઘણી બધી ઈન્દ્રિયો આપી છે, અને અંગો પણ આપ્યાં છે, કોઈ એક અંગની ખામી હોય તો પણ બીજા અંગોને સક્રિય બનાવી, આપણે તેમાં સફળતા મેળવી શકીએ છીએ.

હિંમત, સાહસ અને આત્મવિશ્વાસનાં સહારે માનવી પાંખ વિના પણ પોતાનાં સ્વપ્નો સાકાર કરવાં ઉડી શકે છે.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy