સુખનો ઓડકાર
સુખનો ઓડકાર
ફોઈએ તો કેવું સરસ નામ પાડ્યું હતું, મધુરા. સૌંદર્યની અપ્રિતમ મૂરત જેવી મધુરા એટલે જાણે પ્રભાતની લાલિમા રમેશભાઈના આંગણે રેલાઈ હતી. બંને પતિ પત્ની પરી જેવી દીકરીને મેળવીને ખૂબ ખુશ હતાં પણ જાણે કુદરતને એ મંજૂર નહોતું. મધુરા ત્રણ વર્ષની હતી અને નાનકડી બિમારીમાં રમાબેન અનંતની યાત્રાએ ઉપડી ગયાં. ઘરમાં ઘરડી મા, નાની દીકરી મધુરા અને રમેશભાઈ ત્રણ જ જણા રહી ગયાં. ઘરડી માએ દીકરાને યુવાનીમાં એકલા ન રહેતા બીજા લગ્ન કરવા કહ્યું અને મધુરાના જીવનની ઘટમાળમાં જાણે કોહવાટ લાગી ગયો.
નવી મા મંજુએ શરૂઆતમાં તો મધુરા તરફ ખૂબ પ્રેમ બતાવ્યો પણ જેવો એના ઘરે દીકરાનો જન્મ થયો એટલે મધુરાની જાણે પનોતી બેસી ગઈ. બધાની સામે ખૂબ પ્રેમભાવ બતાવતી મંજુ કોઈ ન હોય ત્યારે મધુરાને મારતી. ખાવાના નામે વાસી રોટલો અને મરચાં આપતી. નાદાન મધુરા બિચારી શું સમજે ? રમેશભાઈની સામે પ્રેમભાવથી વર્તતી મંજુનું બીજું રૂપ ક્યારેય એમની સામે આવ્યું જ નહીં. એક દાદીનો આશરો હતો તે પણ પાંચ વર્ષમાં રામશરણ પામી. હવે મધુરાના કપરાં દિવસો શરૂ થયાં.
ધીરે ધીરે યુવાની તરફ જઈ રહેલી મધુરાનું સૌંદર્ય વધારે ખીલતું જતું હતું. તેમ તેમ તે મંજુની આંખમાં કાંટાની જેમ ખૂંચવા લાગ્યું. એણે રમેશભાઈને સમજાવી પટાવી પોતાના લફંગા ભત્રીજા સાથે મધુરાને લગ્ન કરી વળાવી દીધી. હજી તો મધુરા સોળ જ વર્ષની હતી પણ મંજુના ત્રાસ સામે રમેશભાઈનું કંઈ ન ચાલ્યું અને આખરે મધુરા એક નર્કમાંથી નીકળી બીજા નર્કમાં પહોંચી ગઈ. એનો ધણી ભવાન બધી જ રીતે પૂરો હતો. પૂરેપૂરો ચરસી અને દારૂની હેરાફેરી કરતો. ત્રણ ચાર વખત પોલીસ સ્ટેશનની હવા ખાઈ આવ્યો હતો.
પહેલાં પિયરમાં સાવકી માનો ત્રાસ વેઠતી હતી હવે અહીં ભવાનની જોહુકમી સામે લાચાર મધુરા દિવસ રાત જેમ તેમ ખેંચી રહી હતી. નજીકના બહુમાળી મકાનમાં ત્રણ ચાર ઘરે તે કામ કરવા જતી. એમાં જે કંઈ ખાવાનું મળતું તે ભવાન ખાઈ જતો અને મધુરા બિચારી ક્યારેક પાણી પીને તો ક્યારેક સૂકો રોટલો પાણીમાં બોળીને ખાઈ લેતી. તેમાં તે બેજીવી થઈ. અપૂરતો ખોરાક અને વારંવાર થતી મારપીટથી એને બે વાર કસુવાવડ થઈ ગઈ. તેમાં પણ જાણે મધુરાનો જ વાંક હોય તેમ ભવાન તેને વધુ મારતો.
મધુરા જ્યાં કામ કરવા જતી તે સંધ્યાબેનને એના તરફ ખૂબ અનુકંપા હતી. એણે એને ભવાનને છોડી દેવા કહ્યું પણ મધુરા કહે, "બા, એને છોડી દઉં તો પછી હું ક્યાં જાઉં ?" સંધ્યાબેને એને એક મહિલા આશ્રમમાં દાખલ કરી દીધી. ભવાન એ દિવસોમાં જેલમાં હતો એટલે મધુરાની ખબર એને ન પડી. જ્યારે છ મહિના પછી એ જેલમાંથી છૂટીને આવ્યો ત્યારે ખાલી ઝૂંપડીને જોઈ એ ગાળાગાળી કરવા લાગ્યો પણ કોઈને ખબર નહોતી કે મધુરા ક્યાં ગઈ છે ? એણે તો એમ જ માન્યું કે પોતે જેલમાં ગયો ને પાછળથી એ કોઈ સાથે ભાગી ગઈ હશે. ભવાનને એનાથી કંઈ ફરક પડતો નહોતો.
મધુરા સ્વભાવની તો મળતાવડી હતી જ મહિલા આશ્રમમાં જલદીથી બધાં સાથે હળીમળીને કામ શીખી ગઈ. એનું કરમાયેલું રૂપ યોગ્ય ખોરાક મળવાથી પાછું ખીલી ગયું. આશ્રમમાં ઘણીવાર કોઈ કામસર આવતા જયંતની નજરમાં મધુરા વસી ગઈ હતી. એ પણ અનાથ જ હતો. એણે આશ્રમના સંચાલક ઉમાબેનને વાત કરી અને મધુરા સાથે લગ્ન કરવાની પોતાની ઈચ્છા વ્યક્ત કરી. ઉમાબેન ઘણાં વર્ષોથી જયંતને ઓળખતાં હતાં. તે વ્યવસ્થિત અને મહેનતુ હતો. એમણે મધુરાને સમજાવવાની જવાબદારી પોતાના માથે લીધી.
ઉમાબેને બે ત્રણ વખત વાતવાતમાં મધુરાને ફરી લગ્ન કરવા કહ્યું પણ એણે તો નન્નો જ ભણી દીધો. એકવાર લગ્નજીવનથી દાઝેલી મધુરા હવે કોઈ નવી મુસીબતમાં ફસાવવા માંગતી નહોતી. એ અહીં બધાં સાથે આનંદથી કામ કરીને દિવસો પસાર કરતી હતી. ઉમાબેને ધીરે ધીરે એને કામસર જયંત સાથે બહાર મોકલવા માંડી. વારંવારના સહેવાસથી એ જયંતના પરિચયમાં બરાબર આવી અને બંને ધીમે ધીમે એકબીજાને પ્રેમ કરવા લાગ્યા. અંતે મહિલા આશ્રમના સંચાલકોએ એ બંનેના લગ્ન કરાવી ઘર વસાવી આપ્યું.
જીવનની ઘટમાળમાં વારંવાર છેતરાયેલી મધુરા હવે સુખનો ઓડકાર પામી. એનું સૌંદર્ય પહેલાં કરતાં પણ વધુ નીખરી ઊઠ્યું અને ફરીથી એના ચહેરાની લાલિમા સૂર્યોદય સમયના આકાશની જેમ ચમકી ઊઠ્યું.
