kiranben sharma

Romance Tragedy

4  

kiranben sharma

Romance Tragedy

પ્રેમનાં રંગ

પ્રેમનાં રંગ

4 mins
411


જે દેખાતાં નથી છતાં દેખાય, જે સ્પર્શી નથી શકાતું છતાંય અનુભવાય, મનુષ્યના રોમરોમમાં અને પ્રકૃતિનાં કણ-કણમાં ફેલાયેલો હોય, વિવિધ રંગ, નામ, લાગણી હોય, જેના થકી આ સૃષ્ટિનું સર્જન, તેના જ બીજા રૂપ દ્વારા થતું વિસર્જન. જે જિંદગીનાં તમામ રસમાં ઓગળેલું હોય અને પ્રત્યેક સજીવ સૃષ્ટિની જરૂરિયાત, જેના તમામ રંગ રૂપ રસની ઓળખ ખુદ ભગવાન કૃષ્ણે રાધા સાથે મળીને સમગ્ર માનવ જાતને બતાવ્યા. તે પ્રેમ ! હા ! મિત્રો ! 

પ્રાચી સ્ટેજ પર આ રીતે પ્રેમના રંગોને તેની મૌલિક ભાષામાં છટાથી બોલી રહી હતી, આજે પ્રેમનાં રંગો પર વક્તૃત્વ સ્પર્ધા હતી.

 પ્રાચી મૂળ વડોદરાની, માતા-પિતાનું લાડકું સંતાન, ખૂબ દેખાવડી, ઘાટીલી, રૂપાળી, ગમી જાય તેવી નાજુક નમણી. પ્રાચી કોલેજની તમામ પ્રવૃત્તિમાં ભાગ લેતી, આથી મિત્ર વર્ગમાં ખૂબ માનીતી.

 પ્રાચી ફિજીયોનો અભ્યાસ કરતી હતી, કોલેજનાં પ્રથમ વર્ષમાં આવી, 12 સુધીનું શિક્ષણ ખૂબ કડકાઈ ભરેલું, પરંતુ કોલેજમાં છૂટ, રોજ મિત્રો સાથે વેનમાં આવવું જવું, ધમાલ-મસ્તીને મનપસંદ ભણવું.

 પ્રાચીનાં માતા-પિતા બંને શિક્ષક, સમાજમાં સારું નામ, બ્રાહ્મણ એટલે સંસ્કારો સારા, બે બાળકોમાં મોટો દીકરો પ્રશાંત, નાની પ્રાચી. બંને ખૂબ લાડકોડથી તેમની ઈચ્છાઓની પૂર્તિ કરતાં દાદા-દાદી સાથે રહેતા. બંનેને થકી ઘરમાં દરરોજ હાસ્ય, ખુશી, રેલાતાં.

 પ્રાચીનાં ઘરની નજીક મામા- મામી, ફોઈ - ફુઆ રહેતાં, તે બધાં સાથે પણ પ્રેમથી, મસ્તીથી, પૂરાં સહકારથી બધાં ભેગાં મળી વાર તહેવાર આખું કુટુંબ ખૂબ આનંદ, ઉમંગથી એકબીજાનાં ઘરે ભેગાં થઈને ઉજવતાં.

 એકવાર ફોઈની દીકરીનું લગ્ન ગોઠવાયું, પરિવારમાં ખુશીનો માહોલ સર્જાયો. બાળકોએ આનંદથી ખૂબ સરસ તૈયાર થઈ ઉમળકાભેર લગ્ન મહાલ્યું. સમાજના લોકો આવેલા, બધાએ પ્રાચીને જોઈ. તેમાંના ઘણાએ પ્રાચી માટે લગ્નનો પ્રસ્તાવ મૂક્યા, તેમાંથી એક નીરજની વાત પ્રાચીનાં માતા-પિતાને ગમી. નીરજ એમ.બી.બી.એસમાં ભણતો, તેના માતા-પિતા ધાર્મિકને સમાજમાં પ્રતિષ્ઠિત ગણાતાં. બંને કુટુંબો ભેગાં મળ્યાં. પ્રાચી અને નીરજ એક જ કોલેજમાં અલગ અલગ વિભાગમાં ભણતાં. ફોઈની દીકરીનાં લગ્ન બાદ ઓળખાણ પાકી થવાથી, નીરજ અને પ્રાચી એકબીજાને કોલેજમાં મળવાં લાગ્યાં. 

 જોતજોતામાં કોલેજનાં ચાર વર્ષ પૂરા થઈ ગયાં. પ્રાચી નીરજ પાકા દોસ્ત બન્યાં, એક બીજાને પસંદ કરવા લાગ્યા, પછી તો બંનેની સંમતિ મળતાં તેમની સગાઈ કરવામાં આવી. બંને વચ્ચે પ્રેમ,લડાઈ ઝઘડાં હતાં. 

પ્રાચી- નીરજ ગરબા રમવાના શોખીન, વડોદરામાં તેમનો પહેલો નંબર આવતો. નીરજ પ્રાચી પાછળ પાગલ, તેનો પ્રેમ એટલો બધો વધી ગયો કે તે પ્રાચીને બીજા સાથે સહેજ પણ સહન ન કરી શકતો. જેમ તેમ કરીને લડતા-ઝઘડતા, પાછા પ્રેમથી મનાવી લેતાં,બંને પ્રેમી પંખીડાએ કોલેજ પૂરી કરી. તેમના લગ્ન માટેની તારીખ નક્કી કરતા બંનેએ આગવાં આયોજનની ચર્ચા કરી, દરરોજ કલાકોના કલાકો ફોન ચાલતા, ખરીદી માટે દસ વખત બજાર જાય,ખરીદી લાવે, પાછું બદલાવે,એ બધું પાછું મેચિંગ, બંને એકબીજાની પસંદનું લાવે, કયા પ્રસંગે શું પહેરવું ? બંને શું પહેરશે ? કેવો મંડપ ? કેવી ડિઝાઈન ? મહેંદી વખતે શું ? ગરબા બંને પક્ષના ભેગા રાખીએ ? રંગેચંગે મન મૂકીને ખર્ચો કરી લગ્ન કર્યા, બંને જાણે રાજકુમાર રાજકુમારી, બંનેની જોડી જોઈને બધા વખાણ કરે, કહેતા" નજર ન લાગે."

  પ્રાચીનાં જીવનમાં જાણે પ્રેમ ખુશી હાસ્ય આનંદનાં રંગોનો સમાવેશ થયો હતો. માતા પિતાનાં ઘરેથી હસતાં હસતાં વિદાય થઈ કેમ કે સાસરી પક્ષ ખૂબ સારો, માણસો ખૂબ પ્રેમાળ, પૈસાની કોઈ ખોટ ન હતી. ભક્તિભાવવાળા હતાં,પ્રાચી ફિઝીયોથેરાપીસ્ટ હોવાથી દવાખાનું ખોલી આપ્યું.

નીરજ પ્રાચી પ્રાચી કરી આખો દિવસ રાત પ્રાચીની પાછળ, પ્રાચી ઘણીવાર તેની માતાને કહેતી" મમ્મી ! નીરજના અતિશય પ્રેમથી હું કંટાળી જાવ છું. મને મારું પોતાનું કોઈ અસ્તિત્વ નથી લાગતું. આટલો બધો ગાંડા જેવો કંઈ પ્રેમ હોતો હશે ? મારાથી આવો પ્રેમ સહન નથી થતો."

અહીંથી પ્રાચીનાં જીવનની દશાને દિશા બદલાઈ. લગ્ન જીવનને માંડ એક વર્ષ થયું. બરાબર લગ્નજીવનની પહેલી લગ્ન તિથિ, તે દિવસે પ્રાચી- નીરજ બંને પ્રાચીનાં પિયરમાં આવ્યાં. પ્રાચી તેની મમ્મીનાં ખોળામાં માથું મૂકીને રડી.

" મમ્મી ! મને નીરજ સાથે નથી ફાવતું. હું એની સાથે જીવન નહીં વિતાવી શકું." જ્યારે નીરજ કહેતો કે "મમ્મી ! હું પ્રાચી વિના નહીં જીવી શકું, પ્રાચીને કહો મને છોડીને જવાની વાત ના કરે." 

પ્રાચીના મમ્મી ક્રિષ્ણાબેન અવાચક થઈ ગયાં. હસતી ખેલતી, ઉમંગથી ભરપૂર જિંદગી, ધનદોલત, સારા માનવીઓ, બંને ડૉકટર ! શું થયું ? મનપસંદ પાત્ર ! પાંચ-છ વર્ષથી સાથે, એકબીજાને જોયાં જાણ્યાં, નાનામાં નાની વાતથી પરિચિત, બંનેનો ગુસ્સો, પ્રેમ ઝઘડો, રિસાવું મનાવવું, બધું પરિચિત છતાં આજે લગ્નના એક વર્ષમાંજ ? 

ક્રિષ્ણાબેન કંઈ માની ના શક્યાં, વડીલો ભેગાં થયાં, દીકરી એકની બે નથી થતી, છેલ્લે દીકરીથી વિશેષ શું હોય ? જબરજસ્તી કેવી રીતે થાય ? બંને પરિવારે મળીને શાંતિથી ભારે હૈયે રડતાં મુખે એકબીજા સાથે વિચાર વિમર્શ કરી કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી.

 પ્રેમનો કયો રંગ હવે જીવનમાં બાકી હતો ? કદાચ વિરહનો ? પ્રાચી - નીરજ સાથે જીવનપથ પર આગળ વધવાં ગઈ પણ નીરજ એટલો બધો પ્રેમમાં શંકાશીલ, આક્રમક, જોહુકમી, પત્ની ખાલી પોતાની સંપત્તિ હોય, પ્રાચીની નાની નાની બાબતો, વર્તન પર શંકા કુશંકા, આ બધાં કારણોએ પ્રાચીને દૂર કરી દીધી. સાચે કોઈની નજર લાગી. પાંચ-છ વર્ષ સાથે રહી સાતે જન્મ સાથે રહેવાના સપના જોયાં, અચાનક એક વર્ષમાં લગ્ન જીવન તોડી અલગ ! કોઈના માન્યામાં ન આવે તેવી વાત બની ગઈ.

 પ્રાચીએ જિંદગીમાં પ્રેમનાં તમામ રંગોને જોઈ લીધા. પ્રેમના રંગો સ્ત્રીનાં અસ્તિત્વને કેવી રીતે ઓગાળી શકે ? અતિશય ગાંડપણની વૃત્તિ પ્રાચીને અંદરથી તોડી રહી હતી, તેના સ્વપ્નો તૂટી ગયાં તે એક આઘાતમાં જીવવા લાગી છેલ્લે ન સહન થતાં તે અલગ થઈ સ્વતંત્ર રહેવા લાગી.

માતા પિતા માટે આ આઘાત ખૂબ મોટો હતો. આખી જિંદગી દુનિયા સામે માથું ઊંચું રાખીને જીવ્યાં. સમાજમાં કેટલાયનાં ઘરને સમજાવટથી પાછા જોડ્યાં. આજે પોતાની દીકરી જમાઈને સમજાવી ન શક્યાં. મા બાપ પ્રેમની આ કેવી પરીક્ષા આપી રહ્યાં હતાં. કાળજાનાં કટકાને એક વર્ષ પહેલાં રંગે ચંગે પરણાવી અને આજે એક વર્ષમાં તો છૂટાછેડા લીધા. આ કારમો આઘાત દીકરી ખાતર સહન તો કર્યો પણ અંદર સુઘી તેનાં ઘાવ લાગ્યાં. વહેમની કોઈ દવા નથી. એક હસતું ખેલતું કુટુંબ આખું આ બનાવનાં આઘાતમાં સરી પડ્યું. 


Rate this content
Log in

Similar gujarati story from Romance