Jay D Dixit

Classics Tragedy Inspirational

1.7  

Jay D Dixit

Classics Tragedy Inspirational

આકાંક્ષા

આકાંક્ષા

9 mins
14.4K


ડીસેમ્બર, હા ડીસેમ્બર જ ચાલતો હતો, ૧૯૯૩, મારી નાઈટ શિફ્ટ હતી, એ વર્ષે શિયાળો ખાસ્સો ઠંડો પણ હતો, અને એટલે જ કદાચ સુમસામ રસ્તા અમને પોલીસ સ્ટેશન બહાર નીકળવા મજબુર નહોતા કરતા. હું મારી કેબીનમાં બેસીને શેરલોક હોમ્સને વાંચી રહ્યો હતો, શાંતારામ ટેબલ પર માંથું નાખી સુતો હતો અને ચૌધરી બહાર પેટ્રોલિંગ પર દીનાનાથ ની સાથે ગયો હતો. ભનસોલે સ્ટેશનના પાછળના ભાગે સિગારેટ પીવા ગયો હતો એ સમયે...શાંતારામ શાંતિ ચીરતા હાંફતા અવાજ થી જાગી ગયો, સ્ટેશનની બહાર કોઈ બાઈનો અવાજ આવતો હતો, એ બાઈ સાથે દોડતો દોડતો ભનસોલે પણ સ્ટેશનમાં પ્રવેશી ચુક્યો હતો. આશરે સાડા અગિયાર વાગ્યા હતા, મેં ઘડિયાળમાં જોયું હતું.

“મારી નાખશે, મને બચાવો.. બચાવો..” એકી શ્વાસે પેલી બાઈ સારી કહી શકાય એવી થોડી અસ્તવ્યસ્ત સાડીમાં ફરિયાદો કરતી જતી હતી, હાંફતી હતી, ડરતી હતી. હું પણ બહાર આવી ગયો, ભનસોલેએ અને શાંતારામે એને શાંત પાડી, “એ ચિલ્લાના બંધ કર, શાંતિ થી બોલ શું થયું?” “સાહેબ, એ મને મારી નાખશે, સાહેબ એ....” શાંતારામ જોરથી ખિજાયો, “ એ બાઈ, કાય ઝાલા? સીધા સીધા બોલ, કૌન મારેગા? કયું? કહા? તું કોણ હે?” એ બાઈ આવક થઇ ગઈ. મેં શાંતારામ અને ભનસોલેને શાંત થવા ઈશારો કર્યો, અને પેલી બાઈ પાસે જઈને બેઠો...

રમા ઠાકુર, આશરે ૪૩ની ઉંમર, સ્ટેશનથી ૫૦૦-૭૦૦ મીટરના અંતરે એક શ્રી એપાર્ટમેન્ટમાં ૭૦૦૨ નંબરનો ફ્લેટ, મૂળ વતન લાતરણ ગામ-રાજકોટ પાસે, લગ્નના બે વર્ષે છૂટાછેડા લીધેલા અને એનું કારણ એનું બાળક, કુખમાં દીકરી હતી એટલે સાસરીયાઓ અને પતિએ પડાવી નાખવા કહ્યું, અને બાળકીને જન્મ આપવાના દ્રઢ નિર્ણયે છૂટાછેડા લઇ લીધા. દીકરી તે આકાંક્ષા, હાલ ઉમર ૨૪ વર્ષ, પિયરની થોડી ઘણી મદદ અને જાતમહેનત કરી દીકરીને ઉછેરી, ૧૫ વર્ષ પહેલા અહી આવી ગઈ દીકરીને લઈને, લાડકવાયી દીકરી અને આકાંક્ષા જીવવવાનું એક માત્ર કારણ, જે એક કોલ સેન્ટરમાં કામ કરે છે...

આશરે પંદર મીનીટની વાતચીતમાં હું આટલું સમજી શક્યો હતો એ બાઈ પાસેથી. પણ સવાલ હજુ એ જ હતો કે એને મારવા કોણ માંગતું હતું? એને જયારે આ સવાલ પૂછ્યો ત્યારે એ ડરીને તૂટી પડી હોય એમ મોટા રડમસ અવાજે બોલી, “સાહેબ, મને બીજું કોઈ નહિ પણ મારું પેટ જ મને મારવા માંગે છે, આકાંક્ષા જ મને મારી નાખવા માંગે છે. જુઓ આ એણે મને બહુ મારી છે, મારી પાછળ ચપ્પુ લઈને પડી હતી, હું જેમ તેમ બચીને આવી છું. સાહેબ બચાવી લો..બચાવી લો...”

“વોટ?” એના શરીર પર મારના નિશાન હતા. દુનિયાની વિરુધ્ધ જે માં દીકરીને જન્મ આપે, ગરીબીમાં ઉછેરે, દીકરીનું એક માત્ર આદર્શ એ મા હોય, એકબીજા સાથે જોડાયેલા હોય, એ દીકરી માને મારી નાખવા કેમ માંગે છે? અને એ પણ એક દીકરી. એની જનેતાને આ હદે મારે અને કદાચ મારી પણ નાખી હોત? એ રાત વધારે રહસ્યમય બનતી જતી હતી.

મેં, ચૌધરીને સંપર્ક કર્યો, એ બાઈને જાણ ન થાય એમ. “શ્રી એપાર્ટમેન્ટ પાસેથી કોઈ અવાજો આવ્યા કે કેમ?” જવાબ નકારાત્મક હતો. તો આ બાઈ જુઠ્ઠું બોલે છે? એફ.આઈ.આર. કર્યા વગર જ હું એ બાઈને લઇને શાંતારામ સાથે શ્રી એપાર્ટમેન્ટ, ફ્લેટ નં. ૭૦૦૨ પહોંચ્યો, એ બાઈ સખત ડરેલી હતી અને આખા રસ્તે ફ્લેટમાં એને પછી ન લઇ જવા માટે કરગરતી હતી, એને ફરી આકાંક્ષા મારશે કે હવે તો મારી જ નાખશે એવો ડર હતો. બારણું બંધ હતું, લેચ લોક. કદાચ અંદરથી જ. મેં એ બાઈ પાસે ચાવી માંગી તો કહે એ અંદર જ છે અને એ પહેરેલા કપડે આકાંક્ષાથી બચવા ભાગી હતી. અમે બેલ માર્યા પણ કોઈએ બારણું ઉઘાડ્યું નહિ, અમારો અવાજ સાંભળી બાજુમાં રહેતા યોગેશ મહેતાએ બારણું ઉઘાડ્યું, રમાબેન કોઈ પણ પ્રકારની વાત કરવાની સ્થિતિમાં નહોતા, એ જ બબડાટ.. એ જ ડર ... યોગેશભાઈ પાસે પણ રમાબેનના ઘરની ચાવી રહેતી, એ એમણે મને આપી અને અમે દરવાજો ખોલ્યો, ડ્રોઈંગ રૂમ ખાલી ખમ હતો, અમે બેડ રૂમમાં ગયા તો એ પણ ખાલી, અમે કિચનમાં ગયા તો ત્યાં કિચન લોહીથી તરબતર.. અને આકાક્ષાની હાથની નસો કપાયેલી હતી. આકાંક્ષા મરી ચુકી હતી. આ જોઈ રમાબેન કલ્પાંત કરવા લાગ્યા.. આખું ઘર હિબકે ચડ્યું, આડોશ પડોશના લોકો પણ દોડી આવ્યા, આટલા માર પછી પણ માં ની લાગણી દીકરી માટે છલકાતી હતી. કિચનના પ્લેટફોર્મ પર એક ચિઠ્ઠી હતી, પોતાની દીકરીએ લખેલી ચિઠ્ઠી જોઈ રમાબેન સાવ ચુપ થઇ ગયાં, જાણે કોરાકટ્ટ. ચિઠ્ઠીમાં લખ્યું હતું, “મેં જે કઈ કર્યું છે એ માટે સખત અફસોસ છે, સોરી મમી...” નીચે એની સહી હતી, શરીર પર બીજા કોઈ નિશાન નહોતા, અમે અમારી કાર્યવાહી શરુ કરી, નોંધ કરી બોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી, આડોશપડોશ અને રમાબેનના સ્ટેટમેન્ટ લીધા, “ક્યારેક ક્યારેક માં-દીકરી વચ્ચે કચકચ થતી હતી પણ બંને ને એકબીજા પ્રત્યે ખુબ લાગણી હતી.” એવા સ્ટેટમેન્ટ અમને મળ્યા. અમે નીકળી ગયા ત્યાંથી બીજા દિવસે પી.એમ. રીપોર્ટ આવ્યો ત્યારે વાત આવી કે આકાંક્ષા પ્રેગ્નન્ટ હતી. લગ્ન થયા નહોતા અને કદાચ એ જ ચક્કરમાં બદનામીથી બચવા એણે આ પગલું ભર્યું હશે, રમાબેનને આ વિષે કોઈ જાણ નહોતી. એ આ વાત સંભાળીને આવક થઇ ગયા, પડી ભાંગ્યા. મૃત્યુનો સમય હતો અગિયારથી બાર વચ્ચે. આકાંક્ષાના કોની સાથે શારીરિક સંબંધ હતા એ શોધવા અમે તપાસ હાથ ધરી. એના કોલ સેન્ટર, મિત્રો અને બને ત્યાં બધે જ તપાસ કરી લીધી પણ કઈ હાથ લાગ્યું નહિ. રમાબેને પણ કઈ ખાસ તૈયારી બતાવી નહિ, કદાચ એ દીકરીને ગુમાવીને એવા દુખી હતા કે એમને કઈક આગળ કરવું હોય એવું લાગતું નહોતું. અંતે આ એક આપઘાતનો કેસ છે એવું માની ઓક્ટોબર ૧૯૯૪માં ડીપાર્ટમેન્ટલી ફાઈલ ક્લોઝ કરી દેવામાં આવી. આમેય ઘણા કેસ પેન્ડીંગ પડેલા હોય છે, કોઈ વાંધો ન લે તો રસ્તો શોધી ફાઈલ બંધ કરી દેવી જ સારી.

છતાં પણ મારા મનમાં સતત એ સવાલ ફરતો હતો કે એક દીકરી એની માતાને મારી નાખવા કેમ તૈયાર થાય? આ સવાલ હજુ અક્બંધ હતો, અને જવાબ આપનાર બે વ્યક્તિઓમાંથી આકાંક્ષા હવે આ દુનિયામાં હતી નહિ અને રમાબેન કારણથી સાવ અજાણ હતા. મેં અંગત રીતે મારા જાસુસ મનને ઠારવું શરુ કર્યું. ઘણા દિવસો પછી ઘણું વિચાર્યા પછી બે વાત મગજમાં ફરતી થઇ, એક તો ચાવી અને બીજી પેલી ચિઠ્ઠી. હું શ્રી એપાર્ટમેન્ટ દોડ્યો, રમાબેન ફ્લેટ વેચી નીકળી ગયા હતા એક દિવસ પહેલા જ. ફ્લેટ બાજુવાળા મહેતા એ જ લીધો હતો અને એણે જ મને આ જાણ કરી. મેં એને ચાવી માટે પૂછ્યું, એને મને બે ચાવી આપી, એક એની પાસે હતી તે અને બીજી જતી વખતે રમાબેન આપી ગયા હતા તે. તો આકાંક્ષા એ અંદરથી બારણું બંધ કર્યું એ ચાવી ક્યાં? રમાબેન, આકાંક્ષા અને મેહતા, ચાવી ત્રણ હોવી જોઈએ, બે જ કેમ? ચિઠ્ઠીનું પાનું સ્કુલની નોટબુકનું હતું, અને એ ઘરમાં કોઈ બાળક નહોતું તો એ પાનું...? મેં ફ્લેટ ખોલી તપાસ્યો, બધું સાવ બદલાય ગયેલું હતું, મને એક કાગળ જડ્યું છેક બેડરૂમના બેડ નીચે ખૂણામાંથી, “અક્ષર સુધારો” એ કોઈ બાળકને આપેલી રીમાર્ક જેવું લાગ્યું. હું ત્યાંથી નીકળી ગયો. આ ઘટના પછી એપાર્ટમેન્ટ વાળાઓએ એક વોચમેન રાખ્યો હતો. મેં એની સાથે થોડી વાતચીત કરી. નીચે કચરામાં રમતા એના બાળકો પર મારી નજર ગઈ, મને દયા આવી હું એમની પાસે ગયો, હસ્યો, એમના માથે હાથ ફેરવ્યો,.. બાજુની દીવાલે લેટરબોક્ષ હતું... “રમાબેન ઠાકુર” મેં ખોલ્યું, એક ચાવી મળી, અદ્દલ પેલી બે ચાવી જેવી જ. એ ત્રીજી ચાવી હતી.

બે દિવસની રાજા લઇ હું એવીડન્સ ડીપાર્ટમેન્ટ પહોંચ્યો, જ્યાં બધા એવીડન્સ સચવાય છે ત્યાં થોડા પૈસા ખવડાવી પેલી સુસાય્ડ નોટ કઢાવી. એ અક્ષર “અક્ષર સુધારો” સાથે મળતા હતા. સવાલ એ આવ્યો કે ફ્લેટ નં. ૭૦૦૨માં ટ્યુશન કોણ કરાવતું? રમાબેન કે આકાંક્ષા? તપાસ કરતા જવાબ મળ્યો રમાબેન... શંકાની સોય રમાબેન તરફ સ્પષ્ટ થતી હતી, પણ સવાલો વધતા જતા હતા. આકાંક્ષાનું ખૂન થયું હતું, એ પણ કદાચ રમાબેને જ કરેલું હોય તો પોતાની દીકરીનું ખૂન રમાબેન કેમ કરે? મોટીવ શું? રમાબેન પર આકાંક્ષાએ હુમલો કર્યો હતો કે આ વાત પણ ખોટી? મેં રમાબેનને શોધવાના ઘણા પ્રયત્નો કર્યા, હું છેક રાજકોટ-લાતરણ સુધી જઈ આવ્યો, અહી પણ તપાસ કરાવી પણ... હું સવાલોથી વધુ ઘેરાતો જતો હતો. કઈક સ્પષ્ટ થતું નહોતું, જાણે કિનારે આવ્યો છું પણ આગળ અફાટ રણ અને પાછળ તોફાની દરિયો.

૧૩ મે ૧૯૯૫, ઘરની બાલ્કનીમાં સિગારેટના કસ લઇ રહ્યો હતો, રાત્રે સાડા નવ વાગ્યા હશે, નીચે એક દંપતી એના નાના બાળકને ઠપકારતું હતું, કારણ એ બાળક પેલા ફુગ્ગાવાળા પાસે ફુગ્ગો માંગવા ગયું અને એ ફુગ્ગાવાળાએ ના કહી દીધી, પણ પાસે ઉભેલા બીજા વ્યક્તિએ પોતાના બાળક સાથે આ બાળકને પણ ફુગ્ગો અપાવી દીધો. કદાચ આ ઘટનાથી દંપતીના સ્વમાનને ઠેસ પહોંચી હશે. સ્વમાન... ઓનર કીલ્લીંગ હોય શકે આકાંક્ષાનું?

૧ ઓક્ટોબર ૧૯૯૩થી ૩૦ નવેમ્બર ૧૯૯૩ સુધીમાં શ્રી એપાર્ટમેન્ટની આસપાસના વિસ્તારમાં આવેલા મેટરનિટી હોમ અને ગાયનેક ડોક્ટર્સને ત્યાં તપાસ કરી, મને શંકા હતી કે આકાંક્ષા અબોર્શન કરવા ગઈ હોય અને અબોર્શન ન થઇ શકે એમ હોય અને કદાચ આ જ કારણે રમાબેને એને માન જાળવવા મારી નાખી હોય. ખુબ તપાસ કર્યા પછી ડો. સ્વાતી માથુરને ત્યાંથી માહિતી મળી. ૨૭ ઓક્ટોબર ૧૯૯૩ના દિવસે રમાબેન અને આકાંક્ષા બંને ગયા હતા, પ્રેગ્નન્સી કન્ફોર્મ પણ કરી હતી. મજાની વાત તો એ હતી કે થોડા સવાલો પછી ડો.સ્વાતી પરસેવે રેબઝેબ થઇ ગયા, કારણ ડો.સ્વાતી દ્વારા એક ગુનો થયો હતો... પહેલાં આકાંક્ષા અને રમાબેન બંને અબોર્શન કરાવવા રેડી હતા. પણ પછી આમ જ ચાલ્યા ગયા.... આ દિવસ પછી પણ એ જ અઠવાડિયામાં આકાંક્ષા બે વાર અબોર્શન કરાવવા માટે રમાબેનની ગેરહાજરીમાં આવી હતી, પણ.. હું ગુંચ ઉકેલતો જતો હતો અને મોટીવ પણ મને નવ્વાણું ટકા મળી ગયો હતો. તેમ છતાં મેં તપાસ ચાલુ રાખી. વીસ દીવાસ લાગ્યા મને નિર્ણય પર પહોંચતા. આ ઓનર કીલ્લીંગ નહોતું કે આપઘાત પણ નહિ આ તો...

અહીં ગણ્યા ગાંઠ્યા મનોચિકિત્સક છે, મેં તપાસ કરાવી, ડો. રાઠવાને ત્યાં રમાબેનની ટ્રીટમેન્ટ ચાલતી હતી. સ્ત્રીભ્રૂણહત્યા પ્રત્યે એ ખુબ હચમચી ઉઠતા, છાપામાં આવતા સમાચાર કે ટી.વી. માં આવતા કાર્યક્રમોથી એ પોતાની જાત પરથી કાબુ ગુમાવી દેતા. રમાબેનનો ભૂતકાળ એમના વર્તમાન પર હાવી થતો હતો. માનસિક સ્થિતિ થોડી નબળી હતી, એમાં દીકરીના ગર્ભમાં પણ દીકરી છે એ જાણ થતાં જ એ અબોર્શનની વિરુદ્ધ થઇ ગયા હશે. આકાંક્ષા અબોર્શન કરાવવા ઈચ્છતી હતી પણ રમાબેન એ માટે તૈયાર નહોતા. આકાંક્ષા એમની જાણ બહાર બે વખત ડો.સ્વાતી પાસે અબોર્શન કરાવવા પહોંચી ગઈ હતી, અને બંને વખત રમાબેને જ એના પ્રયત્નો નિષ્ફળ કર્યા હતા એવું પણ એવું ડો.સ્વાતિએ સ્પષ્ટ જણાવ્યું હતું. સ્ત્રીભ્રૂણ હત્યાની એમના માનસપટલ પર સખત છાપ હતી એટલે એ કદાચ એ આકાંક્ષાને પણ ગુનેગાર માની બેઠા હોય, ઉપરથી આકાંક્ષા આ બાબતે એમના કહ્યામાં નહોતી, વિરોધમાં હતી, આ બાબતે ઘણી વખત તુતું-મેમે થઇ ચુકી હશે, માનસિકતા બગડવાનું ચરમ સીમાએ પહોંચી ગયું હશે અને કદાચ એ જ ચક્કરમાં નબળી માનસિકતા એ એમણે આકાંક્ષાનું ખૂન કરી કર્યું હશે. દીકરી એમને મારી નાખવા માંગે છે એવો માહોલ ખૂન કર્યા પછી ઉભો કર્યો હશે. સ્ત્રીભ્રૂણ હત્યા અટકાવવા રમાબેને આ ગુનો કર્યો હોય એ સ્પષ્ટ થતું હતું. ચિઠ્ઠીમાં એમના અક્ષર, ચાવીનું ગુમ થવું, પોલીસને ગેરમાર્ગે દોરવી, નબળી માનસિક પરિસ્થિતિ, ડો.સ્વાતિ અને ડો.રાઠવાનું નિવેદન, આકાંક્ષાના મૃત્યુ બાદ એમનું વર્તન અને પલાયન થઇ જવું સ્પષ્ટ કરતા હતા કે કાવતરું ઘડી એક છુપા આક્રોશ હેઠળ આકાંક્ષાનું ખૂન કરવામાં આવ્યું છે.

પણ... મારી આખી તપાસ ઓફ ધ રેકોર્ડ હતી. જેને રમાબેન ન મળવાથી ક્યારેય ઓન ધ રેકોર્ડ કરી ન શક્યો. એક પોલીસ તરીકે એક ગુનેગારને ઓળખવા છતાં ન્યાયતંત્રને ન સોંપી શકવાનો અફસોસ જીવનભર રહેશે. પણ, હું આજે પણ નક્કી નથી કરી શકતો કે રમાબેનને ગુનેગાર ગણું કે પ્રેરણાદાયક સ્ત્રી? એક રીતે જોવા જઈએ તો એમણે સ્ત્રીદાક્ષિણ્ય દાખવીને સમાજને મોટો સંદેશો આપ્યો છે અને બીજી રીતે જોવા જઈએ તો...!


Rate this content
Log in

Similar gujarati story from Classics