mariyam dhupli

Abstract Tragedy Thriller

4  

mariyam dhupli

Abstract Tragedy Thriller

આઝાદ

આઝાદ

8 mins
299


નમસ્કાર.

કેમ છો ?

હું ઠીક છું. ખૂબજ મજામાં છું. 

આ મારુ ઘર છે અને હવે હું આ ઘરમાં તદ્દન આઝાદ છું. મુક્ત છું. સ્વતંત્ર છું.

અરે, મારે કપડાં સૂકાવા મૂકવાના છે. એક કામ કરીએ હું કપડાં દોરી ઉપર નાંખતી જાઉં છું અને મારી વાત પણ કહેતી જાઉં છું. એમ પણ અંતિમ છ મહિનાથી હવે આ ઘરમાં મારા સિવાય કોઈ રહેતું નથી. લોકોની અવરજવર પણ નહીંવત છે. આ તો કોવીડકાળ આવી ગયો છે. ન તો હું કોઈને ત્યાં જાઉં છું. ન કોઈને ઘરમાં પગ મુકવા દઉં છું. મનની વાત મનમાંજ વાગોળતી રહું છું. પણ આજે તમારી જોડે બે શબ્દો વહેંચવા ગમશે.

છ મહિના પહેલા આ ઘરનો નક્શોજ જુદો હતો. બધું તીતરવિતર. કશુંજ ક્રમબદ્ધ નહીં. નીતિનિયમો સાથે તો જાણે આ ઘરનો સંબંધજ તૂટી ચૂક્યો હતો. મને તો એની હાલત જોઈ રીસ ચઢતી. સ્વચ્છતાના નામે મોટું શૂન્ય જોઈ લો. મારી સહનશક્તિની બહાર હતું મારા ઘરને એ પરિસ્થિતિમાં જોવું અને એની અંદર એ પ્રમાણે રહેવું. 

જોકે પહેલા એ એવું ન હતું. બધુજ ક્રમબદ્ધ હતું. સ્વચ્છ અને વ્યવસ્થિત. કારણકે એનું સમગ્ર સંચાલન મારા હાથમાં હતું. નીતિનિયમો નિયમિત અનુસરાય એની હું સૂક્ષ્મ તકેદારી સેવતી. હું લગ્ન કરીને આવી ત્યારે હું અને મારા પતિ અમે બેજ સભ્ય હતા ઘરમાં. જોકે એમની ટેવ સુધારતા સુધારતા નાકે દમ આવી ગયો હતો. સાફસફાઈ અને સ્વચ્છતાના વર્ગ લેવા પડ્યા હતા. શરૂઆતમાં ઘણા સંઘર્ષ થયા હતા. પણ પછી મારી હઠ આગળ એમને પણ હથિયાર નાંખવા પડ્યા હતા. મારા નીતિનિયમો આખરે એમના ભલા માટેજ હતા ને ! સ્વચ્છતામાં પ્રભુનો વાસ. ખરું ને ?

પછી મારા બંને દીકરાના જન્મ પછી એમને પણ યોગ્ય સંસ્કારો મળે એનું ઝીણવટપૂર્વક ધ્યાન ધર્યું હતું. મારા બંને દીકરાઓ ખુશી ખુશી ઘરને સ્વચ્છ રાખવા પોતાનો ફાળો નોંધાવતા. કપડાં ક્યાં મૂકવાના, ચપ્પલ બૂટ ક્યાં રાખવાના, કઈ વસ્તુ કઈ જગ્યા ઉપર હોવી જોઈએ. મારી દરેક સૂચનાઓ તેઓ ધ્યાન દઈ સાંભળતા પણ અને હૃદયપૂર્વક અનુસરતા પણ. કેટલો ગર્વ હતો મને એમના ઉપર !

પરંતુ સમય ઘણો ક્રૂર હોય છે. પોતાની જોડે પરિસ્થિતિઓ પણ બદલી નાંખે છે. મારા પતિનું મૃત્યુ થયું અને જીવન જાણે હાથમાંથી સરી ગયું. બંને દીકરાઓના લગ્ન કરાવી એમને આખરે ઠરીઠામ કર્યા. પણ મને શી ખબર હતી જે દીકરાઓના જીવન ઠરીઠામ કરાવ્યા એજ દીકરાઓનું લગ્ન જીવન મારુ ઘર વેરવિખેર કરી નાંખશે.

જ્યારથી બંને વહુઓએ ઘરમાં પગ પસાર્યો કે કંકાશ શરૂ. આ નવી પેઢીને વડીલોનું આદર, માન સન્માન છે જ ક્યાં ?

હું એમનું ભલું ઈચ્છતી હતી પણ એ બંને....

મોટી વહુએ સૌથી પહેલા ફરિયાદો શરૂ કરી. રસોડાના વાસણ એના હિસ્સે ધોવા માટે આવતા. મારો નિયમ સ્પષ્ટ હતો. પણ એને માન્ય ન હતો. મને સ્વચ્છતા જોડે કોઈ બાંધછોડ ગમતી નહીં. એને તો ફક્ત સાબુ લગાડી એક જ પાણીથી ધોઈને રાખવા હતા. આળસની પણ હદ હોય. હું તો દરેક વાસણ એક વાર ધોઈ લઉં. પછી જયારે સૂકા થાય ત્યારે ફરી બીજીવાર ધોઈને મૂકું ત્યારેજ મને ચેન મળે. અરે ભાઈ, પહેલીવારમાં કોઈ ગંદગી દૂર થવાની રહી ગઈ હોય તો ? એટલે બીજી વાર ન ધોઈ નાખું ત્યાં સુધી મારુ મન શાંત ન થાય. મારી શાંતિ એને માન્ય ન હતી.એટલેજ તો મારા દીકરા આગળ મારી ફરિયાદ લઈ પહોંચી. આમ બબ્બે વાર વાસણ એ ન ધોઈ શકે. બોલો ? એના કહેવા ઉપર મારા દીકરાએ પહેલીવાર મારા નિયમોને શંકાની દ્રષ્ટિએ નિહાળ્યા હતા. 

" બા, આમ બબ્બે વાર ધોવાની શી જરૂર ?"

મારો પારો પણ ચઢી ગયો. મેં પણ સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દીધું. 

" તારી પત્નીને કહી દે. મહેનત ન થતી હોય તો રહેવા દે. હજી આ ઘરડા હાડકા ઘસાયા નથી. "

એ દિવસથી એને રસોડાના વાસણ ધોવામાંથી મેં હંમેશ માટે છૂટી કરી નાખી. સારુંજ થયું. એમ પણ અન્યના હાથ વડે ધોવાયેલા વાસણ મને કદી સાફ લાગે નહીં. બધા મારી જેમ એક એક ખૂણો સાફ થોડી કરે. ને ગંદા વાસણમાં હું જમી ન શકું એ તો નક્કી જ. 

નાની વહુ પણ ઓછી ન હતી. ઘરની સાફસફાઈ એને સોંપી હતી. એક તો સવારે એ કામ ઉપર નીકળી જાય ને પરત થાય ત્યારે સાફસફાઈ આરંભે. મારે એની પાછળ પાછળ ચક્કર લેવા પડે. દરેક વસ્તુ સાફ કરી ફરી એની જગ્યાએ પરત મૂકવાની હોય. એ વારંવાર જગ્યાઓ બદલે. આ અહીં સારું લાગશે. પેલું ત્યાં શોભશે. ક્યારેક નવી શણગારની વસ્તુઓ સાથે ઉપાડી લાવે. વર્ષોથી નિશ્ચિત સ્થળ ઉપર મેં ગોઠવેલ દરેક વસ્તુઓના ક્રમ થોડા થોડા સમયે એ બદલે. ને બસ મારુ લોહી ઉકળવા માંડે. પણ એ પોતાની હઠનું કરે તે કરે. ખાસ કરીને જયારે એના સહકાર્યકરોને ઘરે આમંત્રણ આપ્યું હોય ત્યારે. એ દાદાગીરી ચલાવી લે એ બીજા. હું તો એના મહેમાનોની સામેજ ફરીથી મારો ટેબલ પૂર્વ દિશામાં. પરદા થોડા પશ્ચિમ દિશા તરફ અને ભીંત ઉપરની ઘડિયાળ બેઠકખંડની વચોવચની ભીંત ઉપર ગોઠવી દઉં. એનું મોઢું ફૂલી જાય. મહેમાનોની સામે તો હોઠ સિવાયેલા રહેતા. પણ સાંજે મારા નાના દીકરા આગળ બાળક જેમ ફરિયાદ માંડે. રડવાના નાટક કરે. 

" બાએ મહેમાનો આગળ આબરૂના કાંકરા કર્યા. "

હું અંદરોઅંદર ખુશીની ઉજવણી કરું. આ નવી પેઢીને આમજ સીધા રસ્તે લવાય. નહીંતર પોતાની મનમાની કરવાની ટેવ પડી જાય તો આપણા માથે ચઢી નાચે. 

એકવાર તો નાની વહુએ મારા ધોવાના કપડાં બધાના કપડાંની જોડે વોશિંગ મશીનમાં ફેરવી નાખ્યા. એ દિવસે તો મને તમ્મર ચઢી ગયા. છી...છી...છી... મારા સાફસુથરા કપડાં એ લોકોના મેલા ગંદા કપડાઓ જોડે. મને તો વિચારીનેજ ઉબકા આવવા માંડ્યા. 

" ખબરદાર જો મારા કપડાંઓને કોઈ અડક્યું છે તો...."

એ દિવસે તો ઘરમાં મેં તોફાન મચાવી મૂક્યું. બીજે દિવસે મારો નાનો દીકરો મારા માટે એક જૂદું વોશિંગ મશીન લઈ આવ્યો. મેં રાહતનો દમ ભર્યો. બંને વહુના મોઢા એવા પડી ગયા કે પૂછોજ નહીં. 

અહીં સુધી તો ઠીક પણ જયારે બંને દીકરાને ત્યાં બાળકો જન્મ પામ્યા ત્યારે તો પરિસ્થિતિ વધુ વિકટ બની ગઈ. શરૂઆતના દિવસોમાં જયારે કટકા છોડવાની શરૂઆત કરી ત્યારે કેટલી વાર મારી પથારી ભીની કરી નાંખતા. હું રાડો પાડતી. મારા માટે એ મળ- મૂત્ર મારી પથારી ઉપર જોવું એ નર્કમાં પહોંચી ગયાની અનુભૂતિ જેવુંજ હતું. એ વાસ. એ દુર્ગન્ધથી મારો જીવ રૂંધાવા લાગતો. હું મોટાભાગે મારો ઓરડો બંધ કરી બેઠકખંડમાં બેસી રહેતી. જેથી એ ગંદગી મારા ઓરડામાં પ્રવેશે નહીં. એ ગંદી ચાદરો જ્યાં સુધી એ લોકો ધોઈને,ઈસ્ત્રી કરીને મારા હાથમાં સોંપતા નહીં ત્યાં સુધી હું એમનો પીછો છોડતી નહીં. જવાબદારી અને શિષ્ટ તો ઘરમાં જોઈએ જ જોઈએ. 

પણ પછી એ બાળકો પણ ધીમે ધીમે મોટા થતા ગયા. મારા ઓરડાનો દરવાજો ખોલવો એમના માટે રમત જેવું સહેલું હતું. વિચારી જૂઓ જરા. આમ ત્રણ બાળકો તમારા ઓરડામાં ધસી આવે. પથારી ઉપર ચઢી બેસે. એમના પગ ક્યાં ક્યાં ફરીને આવ્યા હોય. એમના હાથ શું શું સ્પર્શીને આવ્યા હોય. ને પછી એજ હાથ વડે મારા ઓશિકાઓ, મારી ખુરશી, મારા પુસ્તકોને અડકે. કેટલું પણ ધમકાવો એ નાલાયકો ઉપર કોઈ અસરજ નહીં. 

"દાદીમા...દાદીમા..."કરતા નફ્ફટ બની દર વખતે ધસીજ આવે. સૌથી નાનો તો સીધો પૂછ્યા વિનાજ વારેઘડીએ ખોળામાં ભરાઈ જાય. 

" અરે મારી સાડીને તારા પગ અડકે છે. ઉતર નીચે.જલ્દી..."

અને પાછી મારે સાડી બદલવી પડે. વચલાને દરેક વસ્તુઓ ખોલીને જોવાની ટેવ. જાણે મોટો એન્જીનીયર થવાનો હોય. વારેઘડીએ મારી ટેબલ ઘડિયાળને મચડે. હું ના ના કહેતી રહી જાઉ. પણ સાંભળે એ જૂદા. તદ્દન એની માં પર ગયો હતો. ને સૌથી મોટી મારી શાલમાંથી સાડી બનાવી શરીર ઉપર લપેટે. મારી કાજળની ડબ્બીમાં આંગળી ફેરવી આંખમાં આંજે. મારી ચપ્પ્લ ચઢાવી આખા ઘરનાં આંટા મારે. ને પાછું મારે મારી શાલ અને ચપ્પલ સાબુએ ઘસી ધોવા પડે. કાજળની ડબ્બી તો હું મારા દીકરાના હાથમાં જ થમાવી દઉં. 

" નવી લઈ આવજે. તારી દીકરી અંદર આંગળીઓ ફેરવે છે. કેટલી બગાડી મૂકી છે એણે. "

સાચું કડવું લાગે. એને પણ અને એની પત્નીને પણ. તે ભલે લાગતું. સંસ્કારનું સિંચન કર્યું હોય તો ને બાળકોમાં. 

એક દિવસ તો બધા બહાર જઈ પાડોશીઓને કહી આવ્યા. "અમારી દાદી તો પૈસા પણ સાબુથી ધોઈ સૂકાવા મૂકે." 

આમ ઘરની વાત બહાર થતી હોય ? સાંજે એમના પિતા ઘરે આવ્યા ત્યારે બધાને બરાબરનો મેથીપાક પડ્યો. 

સાચું કહું તો મારો જીવ સાચેજ રૂંધાવા લાગ્યો હતો. મારા નીતિનિયમોનું શાસ્ત્ર જોખમમાં આવી પડ્યું હતું. આ બદલાયેલી ઋતુ મારી આત્માને ડંખી રહી હતી. હું અંદરોઅંદર ઘૂંટાય રહી હતી. બધુજ મને ફરીથી ક્રમ બદ્ધ કરી નાંખવું હતું. આ વેરવિખેર ટુકડાઓ ફરીથી એના સ્થળે ગોઠવવા હતા. અહીંનું ત્યાં થઈ ગયેલું મારાથી જોવાઈ રહ્યું ન હતું. જાણે મારા માટે એ એક મોટી સજા હતી. હું એક બંધનમાં હતી. મારી પાંખો કપાઈ ગઈ હતી. એ પરિસ્થતિમાં શ્વાસ લેવું પણ પાપ જેવું અનુભવાઈ રહ્યું હતું. 

અને ત્યારે એ ક્ષણ આવી જયારે મારી સહનશીલતા પરાકાષ્ઠાએ પહોંચી. પાણી માથા ઉપર થઈ વહેવા માંડ્યું. મારા બંને દીકરા અને વહુ એ દિવસે મારા ઓરડામાં આવ્યા હતા. ચહેરા પર સહાનુભૂતિના મહોરા પાક્કા ગોઠવી આવ્યા હતા. મારી મદદ કરવી હતી એમને. તેઓ મને મુક્તિ આપવા ઈચ્છતા હતા. સમસ્યા મારામાં હોય એવી નજર વડે મને એકીજોડે નિહાળી રહ્યા હતા. મોટા દીકરાએ મારો હાથ થામ્યો હતો અને નાના દીકરાએ એનો હાથ મારા ખભે ટેકવ્યો હતો. 

" બા. આપણે ડોક્ટર પાસે જઈએ. તું ચિંતા ન કર. સૌ ઠીક થઈ જશે. "

મોટી વહુએ ધીમેથી કહ્યું હતું. નાની વહુએ પોતાના અભ્યાસનો કીડો છુટ્ટો મૂકતા ઉમેર્યું હતું. 

" એને ઓ સી ડી કહેવાય. એ એક માનસિક સમસ્યા છે. મગજ તમારા ઉપર દબાણ કરે છે. એ દરેક પ્રવૃત્તિ કરવા કે પુનરાવર્તિત કરતા રહેવા. જ્યાં સુધી તમે એ કરી નથી લેતા મગજ તમને જંપવા નથી દેતું. તમને ગભરામણ થાય છે. અકળામણ થાય છે. પણ કરી લો ત્યારે રાહત મળે છે. પણ આમને આમ તો તમે બીમાર થઈ જશો. આ ઉંમરમાં હવે થાકી જશો. બહુ થયું. "

બંને જોરૂના ગુલામ એકીસાથે બોલી પડ્યા હતા. પત્નીના ચમચાઓ ! " હા બા. એકવાર ફક્ત સ્વીકારી લો અને અમારી જોડે....."

"નીકળો બધા...કહું છું નીકળો બધા...હમણાંજ...મારા ઓરડામાંથી....અને મારા ઘરમાંથી પણ. આ ઘર મારા પતિએ મારે નામ કર્યું છે. તમને શું લાગે છે ? બે પુસ્તકો વાંચવાથી એટલા હોંશિયાર બની જશો કે માને પાગલ કરાર કરી એનું ઘર પડાવી લેશો. હું સ્વચ્છ રહું છું એ તમારી આંખમાં આવે છે. આ આજની આવેલીઓ મને શિખામણ આપશે. ગાંડી કહેશે. ડોક્ટર પાસે લઈ જશે. તમે બધા તમારો ગંદવાડ ઉપાડો ને ચાલતી પકડો. "

એ દિવસે મારો અવાજ સિંહણ જેમ ગર્જ્યો હતો. જો હું એ દિવસે ઢીલી પડી હોત તો એ સૌ મારે માથે ચઢી ગયા હોત. તમારી જાત માટે તમારે જાતે લડવું પડે છે. જો તમનેજ રસ ન હોય તો બીજું કોઈ તમને મુક્ત કરવા ન આવી શકે. ને આવે તો પણ ખાલી હાથે પરત ફરવું પડે. 

આજે ફરી મારુ જીવન ક્રમબદ્ધ છે. દીકરા - વહુ પોતાના ભાડેના ઘરમાં જતા રહ્યા છે. હવે ફરીથી મારા નીતિનિયમો અનુસાર હું જીવી રહી છુ. ઘરની દરેક વસ્તુ એના સ્થળે રહે છે. મારો ઓરડો અત્યંત સુઘડ અને વ્યવસ્થિત રહે છે. સ્વચ્છતા અને સાફસફાઈ નિરાંતે થાય છે. થાકી ઘણી જાવ છું. પણ કંઈક મેળવવા માટે કંઈક ગુમાવવું તો પડે ને. મનની શાંતિ માટે બધુજ એકતરફ. 

હાશ ! 

આજે હું સ્વતંત્ર છું. મુક્ત છું. આઝાદ છું. 

અરે, તમારી જોડે વાત કરતા કેટલી મોટી ભૂલ કરી બેઠી ! કપડા એમને એમજ દોરી ઉપર નાંખી દીધા. દોરી ત્રણ વાર જમણેથી ડાબી તરફ લૂછવાની રહી ગઈ. હવે બધા કપડા ફરીથી કાઢી. દોરી લૂછી. ફરી એકવાર નાંખવા પડશે. 

જાઉં છું ત્યારે. કામ નીકળી આવ્યું.


Rate this content
Log in

Similar gujarati story from Abstract