વરસાદ છે
વરસાદ છે
ઝૂમો, સખી ઝૂમો ! અહીં વરસાદ છે, ખુલ્લા મને ઘૂમો ! અહીં વરસાદ છે.
ચારે દિશા ચારોતરફ ઘેલી બની, ધીમે રહી ચૂમો ! અહીં વરસાદ છે.
મંડાય પડ્યો છે ઝડીરૂપે હવે, પાડો તમે બૂમો ! અહીં વરસાદ છે.
લૂંટાય છે કુદરતતણી છોળો બધે, છોડો હવે રૂમો ! અહીં વરસાદ છે.
બાકી રહેશો તો જશે ‘સાગર’ મજા, આવે પછી ડૂમો ! અહીં વરસાદ છે.

