વલખે ધરા
વલખે ધરા
વલખે ધરા ! તરડાય તનથી, આવ રે વરસાદ તું,
આખું જગત અકળાય આજે, આવ રે વરસાદ તું !
સૂરજ થયો છે આકરો, વરસાવતો કાયમ અગન,
ગ્યો જેઠ પણ, ગભરાય દુનિયા આવ રે વરસાદ તું,
ખેડૂત થ્યો લાચાર, માથે હાથ રાખીને ફરે,
કૃષક જશે હરખાય વ્હાલા આવ રે વરસાદ તું,
ચિક્કાર વરસી જા ભરી કૂવા, તળાવો છે અરજ,
ધરણી તણું મલકાય મુખડું, આવ રે વરસાદ તું,
આષાઢની હેલી બની આવો હવે ! મુજ આરદા,
અંતર જશે છલકાય 'શ્રી' નું આવ રે વરસાદ તું.
