વિજોગણનું ગીત
વિજોગણનું ગીત
સખી ભીતરથી ભીંજાણી હું ને તોય બાહરથી તો કોરી કોરી,
સખી જઈને પ્રિતમને કાનોકાન કહેજે આ વેદનાયું મોરી મોરી.
અષાઢની એ અનરાધારે પીડાઓ પ્રગટી છે ઝીણી ઝીણી,
મારા હૈયાની કોઈને સંભળાયના પાડું હું ચીસો જે તીણી તીણી.
જેમજેમ હડસેલું ઝંખનાઓ તેમ તેમ આવે છે ભૂંડી એ ઓરી ઓરી
સખી જઇને પ્રિતમને કાનોકાન કહેજે આ વેદનાયું મોરીમોરી.
આંખોમાં ઊગેલાં શમણાને કેમ કરી ઠેલું હું મારાથી આઘા,
સમજે છે સાજણ તોય શીદને આમ ખાય છે માન ભાવ ઝાઝા.
મોરલાં ગહેકેને મેહુલો ગર્જે તૈ આવે છે યાદ સૈયા તોરીતોરી,
સખી જઈને પ્રિતમને કાનોકાન કહેજે આ વેદનાયું મોરીમોરી.
જળ રે વિનાની માછલીની જેમ મારા તરફડે છે એક-એક શ્વાસ,
અંગ અંગ ઝંખે છે પ્રીતમનો સાથ એ તો જનમ જનમની છે પ્યાસ.
હવે ખેંચીને લઈ જાશે કોણ મને પિયુ લગ પ્રિતઅંધીને દોરીદોરી,
સખી જઈને પ્રિતમને કાનોકાન કહેજે વેદનાયું મોરીમોરી.