વાંસળી વિરહની
વાંસળી વિરહની


આભમાં ઊગ્યો મજાનો ચાંદલિયો યાદ પ્રીતમની અપાવે છે,
રાત પૂનમની થઈ વેરી સખી કોને કહું કેવી રડાવે છે,
લોક એને છો કહે શીતળ, નથી એણે તડપ વેઠી જરીએ પણ,
ચાંદનીમાં આગ છે, સ્વીકાર એનો હું કરું છું એ દઝાડે છે,
વાયદો એણે કદી આપ્યો નથી મળશું ફરીથી આપણે એવો,
છે નઠારું વાત સાચી માનતું ના આ હૃદય બહુ એ નચાવે છે,
સાવ ખોટી છે પ્રતીક્ષા એ છતાંયે આંખ આ ના થાકતી મારી,
પીડ મારી થઈ છે રાધા વાંસળી વિરહની કોઈ તો વગાડે છે,
કોઈ ના સમજે કદી પીડા અહીં કોઈની ક્યાંથી પ્રેમ સમજે એ ?
પ્રેમ તપસ્યા છે કરે જે સાધનાની એ જ ધૂણી પણ ધખાવે છે.