વીજળી તેજ
વીજળી તેજ
મોસમ ઝૂલે અભ્રો ઉમટે ને વીજળી કૂદે,
વર્ષા હેલી ધરાને, આભેથી ઊતરી પૂંખે,
વિઝાય વિંઝણો શીત લહેરનો ઉર પટે,
ગ્રીષ્મની દાહક જ્વાળાં શમી સઘળી સૂવે,
વીજળી ખાબકતી ને તેજ તરવરતા ત્યાં,
પળમાં થતાં અંધાર દૂર ધરતી કૂંખે,
દેખાતી આભમાં વીજળી, જે ધરાને કોતરે,
છેદતી ભીતર હાડ તેજ ભરતી ઝૂકે,
થાતું ઝળહળ બહાર બધું અંધાર ભેદી,
ડોકાતી હૈયાં પૃષ્ઠે હસ્તાક્ષર કરી ઝૂમે,
જેમ અંકાતી એમ પળે ભૂંસાતી આ કાગળે,
શબ્દતેજ ડગ માંડે અંધાર ખૂંદી ઉરે,
જીવનમાં વ્હી ભરે પરમ શ્વાસોની ઉછાળે,
મોતી ભક્તિ શાં તો અવતરે મોરલી ફૂંકે,
બ્રહ્માનંદ સાથે નાતો ગુંજતો શ્રદ્ધા શંખમાં,
ફૂંકાય શ્વાસે વીજળી તેજ વિરમી ખૂલે,
મનવા, સમજે ચમક વીજળીની ભીતરે,
પકડી પૂંછડી ઈશની ભવપાર મુક્તિ પંખે,
જગ ભાસે આખું યે બ્રહ્મલીન જાણે ઝગતું,
ભરી આંખે ભાસ્વત ઉત્સવ ઉજવી પૂજે.
