વહી ગઈ છું
વહી ગઈ છું
સમયના વહેણે વહી ગઈ છું
હવે થોડી શેષ રહી ગઈ છું.
નિશાની છોડી મુજ અતીતની
થઈને ઝાંકળ હું ઊડી ગઈ છું.
કિનારે પરત ફરવું શક્ય નથી
મઝધાર લગી હું તરી ગઈ છું.
મુઠ્ઠીના બંધન તો બે ઘડીના
રેતની જ માફક સરી ગઈ છું.
રડીને રેત આ હું ભીની કરું
આંસુઓ થઈને ઝરી ગઈ છું.
ભર વસંતે જ હું પાનખર થઈ
શુષ્ક પલ્લવ જેમ ખરી ગઈ છું.
સાબિતી શું મુજ હોવાપણાની
છું જીવિત કે પછી મરી ગઈ છું.
