વેકેશન
વેકેશન
કયાંથી આવ્યું આ વેકેશન,
હવે છોકરાં નહિ કરે લેશન.
નિત નવી સૌ રમતો રમશે,
ને નાની-નાની વાતે લડશે.
મમ્મીનું એ માથું પકવશે,
ફળિયું આખું એ નચવશે.
અહીં ના રમશો,અહીં ના રમશો,
હર ઘરથી એવી બૂમો પડશે.
કાલે કાચ કમળાકાકીનો તોડેલો,
પરમદિ'એ મીનાનો દરવાજો તોડેલો.
એવી ફરિયાદો ઢગલો આવવાની,
તોયે ટુકડી એની એ જ રહેવાની.
ફળિયાની બહાર જવાના નથી કોઇ,
સૌને બનાવશે કાકી, માસી ને ફોઇ.
નિશાળમાં તમને કેમના સાચવતા,
શિક્ષક તમારા કદી ન રઘવાતા.
અમારાથી નથી આ બે-ત્રણ સચવાતા,
શિક્ષકો કેવી જડીબુટ્ટી હશે અજમાવતા.
કોઇ ન આવે તમારી તોલે,
શિક્ષકની સૌ હરદમ જયકાર બોલે.
અમે ચૂપ કરવા મોબાઇલ વળગાડીએ,
એમ કરીને જાતે છોકરાં બગાડીએ.
કયાંથી આવ્યું આ વેકેશન,
હવે છોકરાં નહિ કરે લેશન.
