જુનું ઘર
જુનું ઘર
ભૂતકાળ બનીને ફિલ્મ, આવ્યો નજર સામે,
પિતાજીએ કેવી કરી મહેનત બનાવેલું જૂનું ઘર,
ઉછીના પાછીના રૂપિયા આપવા હતું ન કોઈ તૈયાર,
એવા સમયે પરગામ ભાડે રહેતા હતા અમે,
પરજ્ઞાતિના પાડોશીએ હિંમત આપેલી જબરી,
ઈંટો કાલથી તમારા ઘેર ઉતરશે ફિકર મટાડી જબરી,
કાકાએ તો એમ કહેલું લગન ને ઘર કરવા,
કોઈ આપે ન કદી ઉછીના નાણાં,
દૂર દૂરથી જૂની લાવેલા પીઢો ને પતરાં,
બારણા પણ અમે જુના શોધીને લાવેલા,
સરસ મજાનું ઘર બનાવેલું અમારા પિતાજીએ,
રહેતા અમે એ વખતે ગામથી નજીકના શહેરમાં,
ચ્હા, મોરસ ને દૂધ, પાણી લાવી આપતા મજૂરોને,
કેમકે કોઈ પીવડાવવા તૈયાર થતું નહોતું,
છતાં મહામહેનતે કરેલું ઘર તૈયાર પિતાજીએ,
મમ્મીની મારી હતી એવી ઈચ્છા,
કે ગામમાં ઘર તો હોવું જ જોઈએ,
ગામડામાં એક જૂની જાણીતી કહેવત પણ છે,
કે વર વિનાની રહેજે પણ ઘર વિનાની નહીં,
આજે ત્રીસ-ચાલીસ વર્ષે નવું ઘર બનાવવા,
પાડ્યું અમારું જૂનું ઘર જ્યારે નાના ભાઈએ,
કાટમાળ ભરાતો જોઈ ટ્રેક્ટરનાં ટ્રેક્ટર,
યાદ આવી ગયો મને અમારો એ ભૂતકાળ,
આજે નથી અમારી વચ્ચે અમારા માતા- પિતા,
તેથી જ વધારે થયું દુઃખ એ બધું જોઈને,
કેવી પરિસ્થિતિ વચ્ચે ટ્રેક્ટર ભરીને સામાન લાવેલા,
ને આ જ એ સામાન જાય છે બધો ભંગારમાં,
છતાં ખુશી એ વાતની છે કે હવે બનશે,
ઘર નવું આપણા ફળિયામાં,
છતાં યાદગીરી સ્વરૂપે જૂની ટાઇલ્સ ઉખાડી,
બેસાડી છે આજે નવા ઘરના આંગણે.
