વાહ રે આયોજન
વાહ રે આયોજન
મંદિર મસ્જિદ દેવળ બહુ ભવ્ય બનાવ્યા
પૂતળા કર્યા કેટલા ઊંચા ગગનચુંબી
વાપર્યું ધન ને પથ્થર અતિ હવે ગોત્યું જડે નહીં
તંબુ સજાવ્યા મેદાને જન માંદા પડ્યે,
ખાટલા બે ચાર મહી મૂકી દવાખાનું બન્યું
મોટાં ચિતર્યા પાટિયા સૌને ખબર પાડવા
દવા મળે ઊભી કતારમાં તો બીમાર થઈ આવજો
વગર ભૂલ્યે લાવજો સાથે પ્રાણવાયુના બાટલા,
દાક્તર તમારો નાણાં તમારા પ્રસિદ્ધિ અમારી
જીવો તો નસીબ તમારું ને જુવો અમારી ખમીરી
મરો તો નનામી પહેલાં અચૂક ખરીદજો
ગોતજો કાંધિયા ધીરજવાન ભાડે જાતે તમે,
મસાણમાં લાંબી કતાર છે મરનારની ભાઈ
ઉતાવળાં કે બાવરા થશો નહીં
અમારી રાહ જોશો નહીં મોતનાં આ બજારમાં
વ્યસ્ત છીએ અમારા પરાક્રમના પ્રચારમાં,
મૂકવા છે બે ચાર મોટા બાવલા હજું
મળે છે હિંમત અમને જોઈ ધીરજ તમારી
મંદિર મસ્જિદ દેવળ બહુ ભવ્ય બનાવ્યા
પૂતળા કર્યા કેટલા ઊંચા ગગનચુંબી.