સમય પર
સમય પર
તાપ તડકો પણ જરૂરી છે સમય પર,
સૂર્ય તપવો પણ જરૂરી છે સમય પર,
આભ કેરા એ અમી ઉતરે ધરા પર,
બાફ હોવો પણ જરૂરી છે સમય પર,
ઋતુ તણું આ ચક્ર ચાલે તે પ્રમાણે,
ચાલવું એ પણ જરૂરી છે સમય પર,
જિંદગીના રાગની સાચી મજા તો,
પ્રેમ હોવો પણ જરૂરી છે સમય પર,
રાગ ને વિતરાગ વચ્ચે જિંદગી છે,
આપ હોવું પણ જરૂરી છે સમય પર,
ફૂલ સંગે કંટકો રહેતા સદાયે,
મૂલ્ય હોવું પણ જરૂરી છે સમય પર,
આ ગગનનો પ્રેમ ધરતી તો જ પામે,
વેધ હોવો પણ જરૂરી છે સમય પર.
