દીકરી માનો પડછાયો
દીકરી માનો પડછાયો
દીકરી મારી ઘરમાં પાડે પા,,પા,, પગલી ભાત,
એના અવાજથી થાયે સવાર, ઝોકે પડે રાત,
માવતર સાથે દીકરીનો સંબંધ એ જ શ્વાસ,
ના લજવે ઘર તણી લાજ, છે એવો વિશ્વાસ,
વ્હાલપનું ઝરણું સદાયે બની વહેતું, ને હલરડાનો છાંયો,
મારા સપનાનું એટીએમ તું, બની મારો પડછાયો,
ત્યાગ, શ્રદ્ધા, લજ્જા સાથે સંસ્કારોનું પરવાળું,
ડેલીએ થાપા મારી ચાલ્યું ઘરનું અજવાળું,
ગર્વથી કહું આજે સૌને, તું છે મારો પડછાયો,
કદીયે ના થાયે દૂર, તું છે મારો ઓછાયો,
મારા શબ્દોની માળા છે, મારી માળાનું તું મોતી,
ઊડવાને આપી પાંખ મેં, વિસ્મયી દુનિયા તું જોતી,
હાસ્ય ને આનંદની પળોને, હરદમ જોઉં તારા ચહેરે,
ઋણાનુબંધ આ અનોખો, આવી તું મારાં જ ઉદરે,
ભાવથી સર્વસ્વ અર્પણ કરજે, ના લેજે દરમાયો,
બારશાખની શાખ બનજે, બની પતિનો પડછાયો.
