કહે સીતા
કહે સીતા
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
પતિવ્રતાનો ધર્મ તૂટે, જો હું મહેલોમાં મ્હાલું,
કહે સીતાજી, રાઘવ હું એમ નહીં માનું,
મારે તો પિતૃ આજ્ઞા સ્વીકારી વનવાસે જાવું,
એમ કહી સીતાને રામજી સમજાવે,
વેદીના વચન નિભાવું, હું સાથે વનવાસે આવું,
કહે સીતાજી, રાઘવ, હું એમ નહીં માનું,
રાજરાણી, વનમાં વેઠશો કેમ અસહ્ય કષ્ટો,
એમ કહી સીતાને, રામજી સમજાવે,
તાડકાને મારો રાઘવ, વનમાં અહલ્યા ઉદ્ધારો,
કહે સીતાજી, રાઘવ હું એમ નહીં માનું,
પાછા વળી જાઓ સીતે, વન છે બિહામણાં,
એમ કહી સીતાને, રામજી સમજાવે,
સ્વર્ણ મૃગ લાવો, નહીં તો મારે અબોલા થાશે,
કહે સીતાજી, રાઘવ હું એમ નહીં માનું,
ક્યાંય જોયા, સાંભળ્યા આવા મૃગલાં હોતાં હશે,
એમ કહી સીતાને, રામજી સમજાવે,
સપ્તપદીના ફેરા ભરથાર, હવે વચન નિભાવો,
કહે સીતાજી, રાઘવ હું એમ નહીં માનું,
p>
માની જાઓ વાત વૈદેહી, આ નરી માયાવી દુનિયા,
એમ કહી સીતાને, રામજી સમજાવે,
છળ કરી સ્પર્શ્યો મને, દુષ્ટને સજા ફટકારો,
કહે સીતાજી, રાઘવ હું એમ નહીં માનું,
આજ્ઞા ઉલ્લંઘી સીતે, તમે મર્યાદા ઓળંગી,
એમ કહી સીતાને, રામજી સમજાવે,
પહોંચ્યા હનુમાનજી, વાટિકામાં જાનકીની પાસે,
કહે સીતાજી, રાઘવ હું એમ નહીં માનું,
સેવક સાથે મોકલું યાદમાં, ચૂડામણિ સ્વીકારો,
એમ કહી સીતાને, રામજી સમજાવે,
પરપુરુષ સાથે ના આવું, પ્રભુ લેવાને આવો,
કહે સીતાજી, રાઘવ હું એમ નહીં માનું,
હણ્યો રાવણ ને ઉદ્ધાર કર્યો, અગ્નિમાં તપીને આવો,
એમ કહી સીતાને, રામજી સમજાવે,
સુખરૂપ આવ્યા અયોધ્યા, પાવન સરયૂ કિનારે,
કહે સીતાજી, રાઘવ હું કેમ નહીં માનું,
હવે રાણીના રાજ તમારા, મહેલે પધારો,
એમ કહી સીતાને, રામજી સમજાવે.