તું ને હું જ હોં
તું ને હું જ હોં
છેવટે તો તું ને હું જ હોં,
કરીએ ઝગડો, થઈએ ગુસ્સે, એકબીજા પર તૂટી પડીએ,
એકબીજા પર દાદાગીરી કરનાર પણ હું ને તું જ હોં !
છેવટે તો તું ને હું જ હોં,
જે કહેવું હોય તે કહી દે ને , જે કરવું હોય તે કરી લે ને,
એકબીજાનાં ચશ્મા - લાકડી શોધવા હું ને તું જ હોં !
છેવટે તો તું ને હું જ હોં,
તું રિસાય તો હું મનાવીશ ને હું રિસાઉં તો તું મનાવજે,
એકબીજાંને લાડ લડાવનાર તો હું ને તું જ હોં !
છેવટે તો તું ને હું જ હોં,
આંખો થશે ધૂંધળી ને સ્મૃતિ બનશે નબળી ત્યારે,
એકબીજાને પરસ્પરમાં શોધનાર તો હું ને તું જ હોં !
છેવટે તો તું ને હું જ હોં,
ઘૂંટણ જ્યારે સાથ ના આપે ને કમર વળવા તૈયાર નૈ,
એકબીજાનાં પગનાં નખ કાપનાર તો હું ને તું જ હોં !
છેવટે તો તું ને હું જ હોં,
મને કંઈ થયું નથી એકદમ નોર્મલ છું એવું કહીને,
એકબીજાને હિંમત આપનાર તો હું ને તું જ હોં !
છેવટે તો તું ને હું જ હોં,
અંત સમયે વિદાયની ઘડીએ હંમેશ માટે છૂટા પડતા,
એકબીજાને માફ કરનાર તો ફક્ત હું ને તું જ હોં !
છેવટે તો તું ને હું જ હોં,
દિકરીને જમાઈ લઈ જશે, દિકરો વહુ સાથે ચાલી જશે,
એકબીજા આખરી પડાવ પર આખરે તો હું ને તું જ હોં !
છેવટે તો તું ને હું જ હોં,
દુનિયા તો મજાક કરશે જ આપણી એની મોજમસ્તી માટે,
સત્ય તો એજ છે કે છેવટના હમરાહી તો હું ને તું જ હોં !

