તું અને મેહુલિયો
તું અને મેહુલિયો
ભીતર તારી પ્રેમવર્ષાથી, હું તરબતર હતી,
આકાશી મેહુલિયાથી, માટે હું બેખબર હતી,
શું મોરનો ટહુકો કે શું વાદળનો ગડગડાટ ?
તારો ગુંજારવ મનમાં ! તો બીજી ક્યાં અસર હતી ?
વીજળી ભલે ચમકે, નીતરતાં નેવાં ભલે મલકે,
તારા તેજ લિસોટા અંદર, મારે ક્યાં કોઈ કસર હતી ?
લીલું લે'રિયું પહેરીને કરવા દો ઘમંડ ધરાને,
એક તું મારો શૃંગાર, તારી હેલી આઠે પ્રહર હતી,
તારી લાગણીનો મારે સદા લીલો દુકાળ છે,
તો પછી કોઈ 'ઝંખના' ક્યાં હવે દરબદર હતી ?
