તોરલ બનીને તારતી
તોરલ બનીને તારતી
અણમોલ છે આ દીકરી અજવાસ ઝરશે આંગણે,
ધુત્કારશો ના કોઈ દિન, ધબકાર બનશે આંગણે,
ના બાંધશો બંધન મહીં, ખળખળ વહેવા દો સદા,
તો ખીલશે થઈ પુષ્પ ને પમરાટ જણશે આંગણે,
થઈ વીરડી શીતળ, જગતની ટાળતી તૃષા સદા,
ના મારતાં, જીવાડજો, વરદાન ફળશે આંગણે,
તોરલ બનીને તારતી, ત્રણ કુળને સૌ જાણજો,
આભા અનેરી ઓળખો, રણકાર કરશે આંગણે,
ઘર દીવડી છે દીકરી કરજો જતન 'શ્રી', પ્રેમથી,
કલ્યાણ કરવા વિશ્વનું શણગાર સજશે આંગણે.
