તમારા ગયા પછી...
તમારા ગયા પછી...
ચોધાર આંસુએ રડે છે આંખો તમારા ગયા પછી,
સ્મિતે છોડ્યો છે અધરનો સાથ તમારા ગયા પછી.
શરમના શેરડા પડવાનું જો કોઈ કારણ નથી રહ્યું ગાલોને,
તો એની ગુલાબી રંગત ચોરાઈ ગઈ છે તમારા ગયા પછી.
બેજાન, ઉજ્જડ રણ સમ બની ગઈ છે આંખો મારી,
એમાં કોઈ નવું સ્વપ્ન નથી અંજાતું તમારા ગયા પછી.
ઉપવનના સઘળાં ફૂલો એમની ખૂબસૂરતી ખોઈ બેઠા છે,
એમાંથી હવે મહેંક નથી આવતી તમારા ગયા પછી.
સૂરજ તો ઊગે છે ને આથમે છે એના સમય પર,
અહીં કોને છે દિવસ રાતનું ભાન તમારા ગયા પછી ?
વરસાદની રોમાંચક સાંજ હોય કે ઠંડીના ખુશનુમા દિવસો,
કોઈ ઋતુ હવે મન પર અસર નથી કરતી તમારા ગયા પછી.
હા શ્વાસ ચાલે છે હજી ધીમી ને મક્કમ ગતિથી કોઈ આશમાં,
પણ જિંદગી જીવંત નથી રહી હવે તમારા ગયા પછી.