થપ્પડ
થપ્પડ
અચાનક નજર મારી તેની ઉપર પડી ગઈ,
તેને જોઈ આંખ મારી મટક મટક થઈ ગઈ,
મટક મારતી મારી આંખ તેણે જોઈ લેતા,
પાસે આવીને ગાલ ઉપર થપ્પડ મારી ગઈ.
થપ્પડથી મારા ગાલને તે લાલઘૂમ કરી ગઈ,
ગુસ્સો કરી બબડાટ કરતી તે દૂર ચાલી ગઈ,
મારે ગાલે પડેલ થપ્પડનો અવાજ સાંભળતા,
રસ્તા ઉપર લોકોની ભારે ભીડ જામી ગઈ.
વાયુવેગે આ વાતની જાણ પત્નિને થઈ ગઈ,
મારા સોજેલા ગાલ જોઈને ખૂંખાર બની ગઈ,
મહોલ્લાના સૌ લોકોને મારા ઘરમાં બોલાવતા,
સૌને જોઈને મારી આંખો શરમથી ઝૂકી ગઈ.
શું થયુ, કેમ થયું? તેની ચર્ચાઓ ચાલુ થઈ ગઈ,
મટકવાની આંખની બિમારી મને ભારે પડી ગઈ,
ઉલટ તપાસના અંતે સૌએ મને દોષિત ઠરાવતા,
"મુરલી"ની આબરૂ મહોલ્લામાં લિલામી થઈ ગઈ.
રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)
