થઈ કણું ખટકો નહીં
થઈ કણું ખટકો નહીં
આરંભ તેનો અંત નક્કી, તો પછી અટકો નહીં,
લાગે શરૂઆતે કઠિન, આળસ કરી ભટકો નહીં,
કિરતાર પર છોડી, નઠારા બેસતાં મંજિલ મળે ?
પામી જવું જો લક્ષ્ય તો બ્હાનાં ધરી છટકો નહીં,
આસ્વાદ ચાખી હારનો, પાછા કદમવાળો નહીં,
મજબૂત મનથી જાવ ધપતાં, ડાળ થઈ બટકો નહીં,
આનું અહીં, તેનું તહીં કરતાં, સમય કાં વેડફો ?
છે કૂથલી કુટેવ છોડો, થઈ કણું ખટકો નહીં,
નિર્ધાર મક્કમ 'શ્રી' કરી, આરંભ કર શુભકાર્ય તું,
જો હોય આયોજન બરોબર, તો પડે ફટકો નહીં.
