તારી નજર્યું શું શું ભાળે
તારી નજર્યું શું શું ભાળે
સાઇ, તારી નજર્યું કહે શું શું ભાળે..
આયખાની અવધિમાં પૂરા થાય નહીં અધ્યાય,
કેમ કરી કેમ કહે તે કાપ્યા કેટલાય કષાય,
શૂન્ય થતા જાય સઘળા કરમો સરવાળે,
સાઇ, તારી નજર્યું કહે શું શું ભાળે.
ઓઢ્યો અંચળો, એવું શું છે એ વરદીમાં,
શ્વાસ તારા થતા જાય છે ધીમા ને ધીમા,
કહે કઇ ગેબી ગુફામાં તારી જાત ઓગાળે,
સાઇ, તારી નજર્યું કહે શું શું ભાળે.
કોણ તને સાવ સામે જ ઊભેલું દેખાય છે?
તારી જનમો જનમની કઇ તરસ પોંખાય છે?
કોઇ તને મૂકી જાય રોજ ક્યાં કૂવાના થાળે,
સાઇ, તારી નજર્યું કહે ને શું શું ભાળે.
સહજ સૂરતા 'ને સમતા તને ક્યાંથી જડી,
રાત દિવસ કોની સાથે તું માંડે ગોઠડી,
કોને ભાળીને તું આંસુડા ખળખળ ખાળે,
સાઇ, તારી નજર્યું કહે શું શું ભાળે.
અમે તો તને એકલો રહેતો જ ભાળીએ,
કહે કોની સાથે રહેતો એક જ એકઢાળિયે,
મનની માલિપા મલકે કોણ રાહ કાંટાળે,
સાઇ, તારી નજર્યું કહે શું શું ભાળે.
આ ફેરી ઠાલો નથી ગયો સાંઇ તારો ફેરો,
શ્વાસ શ્વાસના તાલને મળે સૂર બંસી કેરો,
કોણ તારા આયખાનો રસ્તો અજવાળે,
સાઇ, તારી નજર્યું કહે શું શું ભાળે.
