તારી હા
તારી હા
તું અને હું મળીને ચાલને શૂન્ય થઈ જઈએ,
ઓઢણીની આડમાં ચાલને છૂમંતર થઈ જઈએ,
તું ફક્ત હા.. પાડ ઉઠાવવાને જવાબદારીઓ મારી!
આ જિંદગીના કેનવાસમાં એકમેકના રંગમાં ભળી જઈએ..
આ તડકો, છાંયો, વરસાદી છાંટણાને માણી લઈએ,
એકબીજા સાથે જીવવા માટે એકમેકને જાણી લઈએ,
આ *મોસમની મધુરપને* માણવા માટે મેદાને કુદવું પડશે,
તું ફક્ત હા.. પાડ જીવનને આપણા રંગે રંગી લઈએ....
હાથમાં હાથ નાખી ધરતીના ખૂણે ખૂણા ફરશું,
અરે આ બદલાતાં મોસમના મિજાજને સંગે માણશું,
હવાઓ સાથે વાતો કરતાં કરતાં દૂર સુધી જઈએ,
તું ફક્ત હા.. પાડ આપણે આ દુનિયા સંગે ફરીએ...
વરસતા વરસાદમાં તારી સાથે છબછબિયાં કરીશ,
વગર છત્રીએ પલળતા પલળતા તારી સાથે ફરીશ,
ચાલને આપણે આ મોસમની મધુરપને માણી લઈએ,
તું ફક્ત હા.. પાડ તો આ મોરલા સાથે પણ નાચી લઈએ..
ભવિષ્યમાં કેટલું સુંદર તારું અને મારું મિલન હશે,
જાણે ભીના મોસમમાં વૃક્ષને વીંટી કોઈ વેલ હશે,
મારા અને તારા સપનાઓને પણ ઊંચી ઉડાન દઈએ,
તું ફક્ત હા.. પાડ જીવનની અંતિમ પળ સુધી સાથ દઈએ..
*

