મન થયું
મન થયું
ઘરની બહાર વાવેલા ફૂલો સાથે વાત કરવાનું મન થયું,
આજ મને એકાંતમાં પણ એકલતાને માણવાનું મન થયું,
વિચારતી હતી ! એકાંત અને એકલતા વચ્ચે શું સમન્વય,
પણ છતાંય આ એકલતાને યાદોથી જાણવાનું મન થયું,
લગ્ન પછી પિયરને છોડતાં સાસરાની નવી માયા બંધાણી,
પિયરની યાદોએ બારણું ખટખટાવ્યું ત્યારે મળવાનું મન થયું,
મિત્રો તો અહિયાં પણ ઘણાં છે, હમસફરનો સાથ છે છતાંય,
એકાંતમાં મારા બાળભેરૂઓની યાદોથી કૂદવાનું મન થયું,
માતા-પિતા ભાઈ બધાજ સંબંધોથી પરિપૂર્ણ પરિવાર છે,
છતાંય પિયર પરિવારની યાદથી પાછા વળવાનું મન થયું,
ધીરેધીરે આ એકાંત મને એકલતાનો મતલબ સમજાવે છે,
જેથી સંબંધોથી પરે એવી દુનિયાને ઓળખવાનું મન થયું,
શું! દરેક દીકરી લગ્ન પછી આ એકલતાનો અનુભવ કરે છે,
ખબર નહીં ! પણ દીકરીઓને આ પ્રશ્ન પૂછવાનું મન થયું,
હૃદયમાં ચાલતી ઉથલ-પુથલને પાંપણમાં દબાવી રાખીને,
મને મારી એકલતાને મારા જ શબ્દોમાં દાટવાનું મન થયું !
