તારા સુધી
તારા સુધી
મારી ખોવાયેલી એ દુનિયા તારા સુધી,
લાગણીઓના લહેરાતાં એ દરિયા તારા સુધી,
નાવ બની મઝધારમાં ભટકી રહી છું,
કોઈ સાહિલ મળશે મને એ કિનારો તારા સુધી,
પાંદડે પાંદડે સમીર બની ફરક્યાં કરે છે,
ઝંઝાવાતમાં મળતાં એ આશરા તારા સુધી,
કંઈ કેટલાય લખ ચોરાશી ફેરા ફરી લીધા,
તકદીરનાં બનેલાં એ ફેંસલા તારા સુધી,
જીવનને મહેકાવું છે સારાં વિચારોની સાથમાં,
વિચારોની એ હેલીનાં સપના તારા સુધી,
ક્યારેક ખોવાઈ જાઉં છું હું જ મારા અંતર મહી,
એ જ અંતરનાં તાર જોડાયાં તારા સુધી,
કાગળ, કલમ, તેની સાથે ઉમડતાં શબ્દોની સાથમાં,
"સખી" શબ્દનાં મેળે રહીને ફરતાં તારા સુધી.