'સુનાયના' એક માની વ્યથા
'સુનાયના' એક માની વ્યથા


હૈયામાં ભરેલો અગ્નિ ને ભરી આંખોમાં પાણી..
રાજમહેલની અટારી ઊભી એક રાજરાણી
"ઓ કરુણાનિધાન મારુ ધરશો કર્ણ પર વિધાન..
એક દુઃખયારી માનો સાદ આજ અંતરે ઉમળે છે ફરિયાદ..
'ધરતીપુત્રી' કન્યા રતન, અમને આપ્યું કરવા જતન
હૈયા સરસી ચાંપી, એની અલા-બલાઓ સઘળી કાપી..
સહુની બની રાજદુલારી, જનકનંદિની લાડલી અમારી..
સ્વયંવર એનો રચ્યો પિતાએ ત્યારે ક્યાં પૂછ્યું'તું સીતાને?
દેવ-દાનવ, વીરોથી સભા જ્યારે ઉમડી
સહસ્ત્ર ચિંતાઓ ત્યારે મનમાં ઉમટી..
અરેરે, જીતી જશે જો કોઈ બાહુબલી,
ચડશે મારી પુત્રીની બલી..
બે કર જોડી પ્રભુ કરી દુહાઈ.. 'કરજો
મમ આત્મજા ની સહાય..'
ત્યાંતો આવ્યો સુંદર સુકુમાર એક, ધનુષની પ્રત્યનચ્છા ચડાવી છેક
મંગલ પરિણય રચાયો ચહુ ઓર જયકારો ગુંજાયો.
જાણી ખૂબ હતી હરખાણી, જાનકી બની અવધકુળની રાણી!
પણ, રે નિષ્ઠુર વિધાતા આ તે શું માંડ્યા'તા ખાતા?
એ સુખ હતું ફક્ત આભાસી, સીતા બની પતિ સંગ વનવાસી..
દુષ્ટ પાપી લંકેશે હરણ કર્યું અને એમ સીતાનું સ્વાભિમાન હર્યું..
શીલ બચાવી મક્કમ ખડી. તોયે, શંકાની શૂળીએ ચડી..
સતીત્વ સાબિત કરવા.. પછી કૂદી અગ્નિનો ખોળો ભરવા..
હે અયોધ્યાનાથ તમે કહેવાઓ ત્રિલોકના નાથ..
સર્વજગના પાલનહાર એના કેમ ન બન્યા રખેવાળ?
સહુનો કરવા ખાતર ન્યાય એને શીદ કર્યો અન્યાય?
એક માના હૈયાની છે વ્યથા આ કેવી જગતની વ્યવસ્થા?
બનતા કો' કન્યાની માતા.. એને ચીત ન કદીયે શાતા..
ચાહે સતયુગ હો કે કળિયુગ વિડંબના રહી આ યુગયુગ..
હો કોઈ સન્નારી કે હો રઘુકુળ ઘેર પટરાણી, નારી જીવનની એ જ કહાણી..!
આંખોમાં ભરીને પાણી પૂછે છે જનક મહારાણી.