સત્તર વરસનું સપનું
સત્તર વરસનું સપનું
એક ભૂરી આંખોવાળી છોકરીને સપનું આવ્યું સાવ રાતું,
બખિયો ભરી કાખમાં સખીઓ કરે છે એના કાનમાં વાતું,
વગર ચોમાસે ફોરાં પડ્યાં એના લિસ્સાલસ ગાલ પર,
ને બદલાઈ ચાલ જાણે પનઘટે પનિહારીનું બેડલું ગાતું,
ઝરૂખે આવીને કાળાભમ કેશ સંવારતી નજરે ચડી,
તો લાગી, બેબાકળું મૃગ કસ્તુરી શોધવાને વનમાં જાતું,
એક વાર લીલુંછમ ઓઢણું ઓઢીને ઊભી'તી મેડીએ,
લાખ છૂપાવ્યું રૂપ તોય ઘૂમટામાં લગારેય ના સમાતું,
એમ તો સત્તરમું હમણાં જ બેઠું આયખાની ડાળ પર,
એની નથણી ખોવાય ને ગામ આખાને કંઈક કંઈક થાતું,
એક ભૂરી આંખોવાળી છોકરીને સપનું આવ્યું સાવ રાતું,
બખિયો ભરી કાખમાં સખીઓ કરે છે એના કાનમાં વાતું.

